શ્રદ્ધાંજલિ
કુન્દનિકા કાપડીઆ
ફોટો: જગન મહેતા | કૃતિ: સાત પગલાં... (અંશત:) | કૃતિ: પરમ સમીપે... (અંશત:) |
સ્ત્રીના વાસ્તવદર્શી મનોભાવોની જેમાં એવી જ વાસ્તવિક અભિવ્યક્તિ થઈ છે તે નવલકથા ' સાત પગલાં આકાશમાં' ના લેખિકા કુન્દનિકા કાપડીઆનું ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ ૯૩ વર્ષની વયે અવસાન થયું. વય ની દૃષ્ટિએ મૃત્યુ વહેલું ન ગણાય , પરંતુ વ્યવહારવ્યસ્ત અને વ્યવહારપરસ્ત આપણે મૃત્યુનો સહજ સ્વીકાર કરી શકતા નથી એટલે સ્વાર્થવશ આઘાત અનુભવીએ છીએ. મકરંદ દવેની સંગતિ અને સંનિધિમાં અધ્યાત્મ પ્રતિ વળેલાં કુન્દનિકા બહેન ઈશા કુન્દનિકા બન્યાં હતાં. જાન્યુઆરી ૧૯૨૭માં સૌરાષ્ટ્રના લીંબડી ગામે એમનો જન્મ. ભાવનગરની શામળદાસ કૉલેજમાં સ્નાતક થયાં. તત્વજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક પણ થયાં. >/p> ટૂંકી વાર્તાથી એમના સર્જનનો આરંભ થયો અને પછી એમણે નવલકથાઓ પણ લખી. ' પ્રેમનાં આંસુ', ' વધુ ને વધુ સુંદર ',' કાગળની હોડી ',' જવા દઈશું તમને ' ઈત્યાદિ એમના વાર્તાસંગ્રહ. ' પરોઢ થતાં પહેલાં '(૧૯૬૮) એમની પહેલી નવલકથા. ' અગનપિપાસા ' નવલકથા ૧૯૭૨માં પ્રસિધ્ધ થઈ અને ૧૯૮૪માં ' સાત પગલાં આકાશમાં ' પ્રગટ થઈ જેને સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારતોષિક તો મળ્યું, સાથોસાથ અગણિત ગુજરાતી વાચકોનો પ્રેમ પણ આ નવલકથાને મળ્યો.પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠા બન્ને તેઓ આ કૃતિથી પામ્યાં. છેલ્લાં સો વર્ષથી પોતાના મનની લાગણી દાબી રાખતી ગુજરાતી નારીને પોતાની વાત વ્યાપક રીતે આ કથામાં જાણે સ્વીકૃત થતી લાગી. કુન્દનિકા બહેનનો પરિચય તો ' નવનીત ' સામયિકના સંપાદક હતાં તે કાળ જેટલો જૂનો. ભગવાન મહાવીરે માંસાહાર કર્યો હોવાની ચર્ચાના અનુસંધાને એમણે મારી એક નોંધ છાપી હતી તેવું સ્મરણ આ ક્ષણે થાય છે. એ નોંધમાં મેં આપેલા પ્રમાણો એમને ગમેલાં. દાયકા પહેલાં એકવાર પ્રવાસે જતાં વચ્ચે વલસાડ ધરમપુર આવતાં હું અને દક્ષા નંદીગ્રામ ગયેલા ત્યારે કુન્દનિકા બહેન તરત ઓળખી ગયેલાં.પછી તો ઉષ્માનો જ અનુભવ કર્યો. દક્ષા ખાસ્સી પ્રભાવિત થયેલી. એમના મૃત્યુના સમાચાર પછી બધું અમે વાગોળ્યું અને એમણે સંપાદિત કરેલ ' પરમ સમીપે ' પ્રાર્થના સંગ્રહમાંથી એક પ્રાર્થનાનો પાઠ કર્યો. ચહેરા પર સૌમ્યતા અને પરમ શાંતિ કુન્દનિકા બહેનની સાચી ઓળખ. સમાજની ચિંતા અને પરંપરા સામે લડવાની એમની વૃત્તિમાં પ્રબળ ઠંડી તાકાત હતી . એમણે સ્ત્રીઓને સ્વપ્ન સેવી અને સાકાર કરતાં શીખવ્યું. કુન્દનિકા બહેનનું જીવનકાર્ય અવશ્ય આપણને એમની અનુપસ્થિતિ નો અનુભવ કરાવે છે. કશાય ઉહાપોહ વગર એમણે નારીમુકિતનું ગાન ગાયું છે. નારીવાદી સર્જન માટે એ ગુજરાતી ભાષા - સાહિત્યમાં દીર્ઘકાળ સુધી સ્મરણમાં રહેશે. પરમ સમીપે પહોંચવા વિદાય થયેલાં કુન્દનિકા બહેનને કહેવાનું મન થાય છે : પાછા આવજો.. અમદાવાદ,
|
કુન્દનિકા કાપડીઆને નિવાપાંજલી. સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં અનેકવિધ પ્રદાન કરનારાં અને પોતાના આંતરજીવનમાં અનેકવિધ પ્રયોગો કરનારાં કુન્દનિકા કાપડીઆનું અવસાન આ ૩૦મી એપ્રિલે થયું. ગુજરાતી સાહિત્ય પરિષદ આપણાં એક અગ્રણી વાર્તાકાર, નવલકથાકાર અને સંપાદકને નિવાપાંજલી અર્પે છે. એમનાં પ્રલંબ અને સમ્રુધ્ધ જીવનના વિવિધ તબક્કા અને વિવિધ પાસાં આજે એકસાથે જોનારા એમનાં વાચકો સમક્ષ કુન્દનિકાબહેનની એક ધ્યાનાર્હ છબી, કોઈ કુશળ ચિત્રકારે મધ્યકાલીન ભારતીય શૈલીમાં આલેખેલા કોઈ વિશિષ્ટ લઘુચિત્ર સમી, ઉપસ્થિત થઈ શકે. જેમ એ શૈલીના લઘુચિત્રમાં એક જ વ્યક્તિ અનેક સ્થળે દેખાય, એમ ૧૯૨૭થી ૨૦૨૦ સુધીના દીર્ઘ સમયપટ ઉપર કુન્દનિકાબહેનના વૈવિધ્યસમ્રુધ્ધ વ્યક્તિત્વની અનેક સ્મરણીય ઓળખ અંકિત થઈ છે. ઈ. ૧૯૬૨થી ૧૯૯૦ સુધીના ત્રણ દશકો સુધી ‘નવનીત’ ડાયજેસ્ટનું લોકપ્રિય રીતિએ સફળ સંચાલન કરનારાં તંત્રી કુ. કુન્દનિકા કાપડીઆથી, મકરંદ દવેના સાનિધ્યમાં આધ્યાત્મ યાત્રા કરનારાં ઈશા માં સુધીની એમની જીવનસરણી આગવી અને ઓળખવા જેવી છે. એમનું નવલિકા અને નવલકથા લેખન આ પ્રવાહમાં વહેતે વહેતે પોતાના કલા-આકારો મેળવે છે. જૂના મુંબઈના નાનાચોક, તારદેવના ભરચક વિસ્તારમાં ‘નવનીત’-ની નાનકડી ઓફિસમાં એનાં તંત્રી મહાનગરની સંસ્કૃતિમુદ્રાઓ એ સામયિકમાં ઉપસાવતાં જતાં હતાં. નગરસંસ્ક્રુતિમાં જે બિરદાવવા જેવું હતું એને બિરદાવતું, જે લજ્જાપાત્ર લાગ્યું એને શરમમાં નાખતું, છતાં એકંદરે મધ્યમાર્ગી એવું એ ‘નવનીત’ ડાયજેસ્ટ, એમની એક ઓળખ બન્યું. નંદીગ્રામનો પ્રાક્રુતિક/આધ્યાત્મિક માહોલ (મકરંદભાઈ સાથે રહીને છતાં એ અલગારી જ્ઞાનમાર્ગી કવિથી કેટલીક રીતે અલગ જણાય એવો) ઈશા માં એ પોતાના જીવનના અંતિમ સમયગાળામાં રચ્યો. ‘સાત પગલાં આકાશમાં’ (૧૯૮૪) તો એમની યશોદાયી ક્રુતિઃ એમાં પ્રગટતી નારીની છબીનો સંબંધ નાનાચોકથી નંદીગ્રામ સુધીની એમની પોતીકી પ્રલંબ યાત્રા સાથે છે. એમાં એ નવલકથાની ગતિશીલતાનું રહસ્ય સમજવા મળે. ‘પરોઢ થતાં પહેલાં’ એ ૧૯૬૮માં પ્રકાશિત એમની નવલકથા. એના શીર્ષકનો પહેલો શબ્દ એના છેલ્લા શબ્દ સાથે જે રીતે જોડાય છે, એ રીત ધ્યાનાર્હ છે. એ બન્ને સમયોને એકસાથે સાચવતી રીતમાં એ વાર્તાકારની એક માર્મિક ઓળખ રહેલી છે. ક્યારેક કોઈ સર્જકના સવિશેષ સાહિત્યિક પ્રદાનને એમની કોઈ યશસ્વી ક્રુતિની કે કાર્યની આભા કૈંક ઢાંકી દેતી હોય છે. ‘સાત પગલાં આકાશમાં’ અને ‘નંદીગ્રામ’ની આભા એવી તો નથી નીવડીને? ‘સાત પગલાં’-માં એક પ્રસંગ આલેખાયો છે. સુમિત્રા અને વસુધા વચ્ચેનો. ‘ફટાફટ કાચનાં વાસણ ધોઈ નાખ્યાં’ પછી, સુમિત્રા વસુધાને કહે છે કે પોતાને ઘેર, માંને મદદ કરવા માટે પણ, પોતે એ કામ કરતી નથી. નવાઈ પામેલી વસુધા પૂછે છે, ‘વાહ, તો પછી માંને મદદ કેમ કરતાં નથી?’ સુમિત્રા કહે છેઃ ‘એ સિધ્ધાંતનો પ્રશ્ન છે.’ ત્યાં વાત અટકી હોત તો? પણ અહીં તો એ સાંભળીને ‘વસુધા હસી પડી.’ અને બોલી, ‘તમે પણ કમાલ છો. માંને મદદ કરવામાં સિધ્ધાંતનો પ્રશ્ન વળી શાનો?’ જે કદાચ પોતાને પણ ‘કમાલની’ સમજતી હશે અંદર ક્યાંક, એવી સુમિત્રા કહે છેઃ ‘સાચી વાત કહું?’ ત્યાં વાત પૂરી થઈ હોત તો? નથી થતી. વસુધા સુમિત્રાને કહે છેઃ ‘ અને આખી વાત કહો.’ (પા. ૭૭ -૭૮.). સાચી જ નહીં, આખી વાત કહેવાની આ કેવી કપરી કસોટી. દરેક સાચા લેખક સામે આવતી આ કેવી અશક્ય સરત ! સુમિત્રા તો પોતાની વાત આગળ ચલાવે છે. વર્જીનિયા વુલ્ફના સમયથી સચ્ચાઇ અને હિમ્મતથી કહેવાતી વાત ગુજરાતીમાં ફરી કહેવાય છે. સ્વાગત. પણ વસુધા અને વાચક વરતી ગયાં હોય કે ‘આખી વાત’ કહેવી, એ મૂકી મુકાય નહીં, ઊંચકી ઉંચકાય નહીં એવી, પ્રત્યેક સાચા સર્જક સામે આવતી અંતિમ કસોટી છે. કુન્દનિકા કાપડીઆ એ જાણે છે. – વાર્તાકાર, નવલકથાકાર અને આધ્યાત્મમાર્ગપ્રવાસિની કુન્દનિકા કાપડીઆ આ કસોટી સામે વસુધા રૂપે (ન કે સુમિત્રા રૂપે), જ્યાં જ્યાં પેશ થાય છે, ત્યાં ત્યાં ગુજરાતી સાહિત્યને અને સંસ્કૃતિને એમણે કરેલું સાચું પ્રદાન શોભી ઊઠે છે. વ્યક્તિનું અવસાન એની સમગ્રતાને, એના આંતરવિરોધો અને એની વિકાસશીલતા સહિત, એક નજરે નિહાળવાનો અવસર આપે છે. શોકના આ પ્રસંગે સકલદર્શનની જવાબદારી સ્વીકારી, ગુજરાતી સાહિત્ય પરિષદ સ્વ. કુન્દનિકા કાપડીઆને શ્રધ્ધાંજલી અર્પે છે. સમા, વડોદરા.
|
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.