ઈ-ન્યુઝલેટર | # ૧ - જાન્યુઆરી ૨૦૧૯

ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯

એકસો ચૌદ વરસથી સક્રિય એવી ગુજરાતની પ્રમુખ સાહિત્યિક સંસ્થા, ગુજરાતી સાહિત્ય પરિષદ દર આંતરે વરસે સાહિત્ય અને સંસ્કૃતિ અંગેના જ્ઞાનસત્રનું આયોજન કરતી આવી છે. તારીખ ૧૧થી ૧૩ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન સૂરત મુકામે આ વર્ષનું જ્ઞાનસત્ર શ્રી સિતાંશુ યશશ્ચંદ્રના પ્રમુખપદે મળશે.

નિમંત્રણ : ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯
કાર્યક્રમની વિગત માટે ક્લીક કરો


આ જ્ઞાનસત્ર ત્રણ રીતે અનેરું છે. એક, પરિષદના બારમા પ્રમુખ (૧૯૩૬), રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦ની જયંતીના અવસરે આ જ્ઞાનસત્રની રચના ‘ગાંધીસઘન જ્ઞાનસત્ર’ રૂપે કરવામાં આવી છે. સત્રમાં વિશેષ ઉપસ્થિતિ ચાર આંતરરાષ્ટ્રિય સન્માન પ્રાપ્ત સંસ્કૃતિ ચિંતક લેખકોની હશે. વિખ્યાત સંસ્કૃતિ મીમાંસક, બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય, પ્રોફેસર લોર્ડ ભીખુભાઈ પારેખ, ‘સેવા’ આંદોલનનાં પ્રણેતા, ગૂજરાત વિદ્યાપીઠનાં ચાન્સેલર અને મેગ્સેસે પુરસ્કારથી વિભૂષિત ડૉ. ઈલાબહેન ભટ્ટ, સ્થાપત્ય માટેનો સર્વોચ્ચ પુરસ્કાર, પ્રિત્સ્કર એવોર્ડ જેમને અપાયો છે એવા સમર્થ આર્કિટેક્ટ ડૉ. બાલકૃષ્ણ દોશી, અને કન્નડ ભાષાના પ્રખ્યાત ભારતીય કવિ-નાટ્યકાર, રાષ્ટ્રિય સાહિત્ય અકાદેમીના અધ્યક્ષ પ્રો. ચંદ્રશેખર કમ્બાર એ ચારે સર્જકો આ જ્ઞાનસત્રમાં ભાગ લેશે.

બીજી વિશિષ્ટતા એ છે કે આ જ્ઞાનસત્રમાં ત્રણ ઉત્તમ સંસ્થાઓની ત્રિવેણી રચાઈ છે. એકસો ચૌદ વરસથી જે સંસ્થા સાહિત્ય પદાર્થનું સંવર્ધન સ્વાયત્તતાપૂર્વક કરતી આવી છે, તે ગુજરાતી સાહિત્ય પરિષદ. જેની સ્થાપનાની શતાબ્દી ઉજવાઈ રહી છે તે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.ટી. બી.આર્ટ્‌સ કૉલેજ, સૂરત અને સૂરતની એંસી વરસ જૂની ‘નર્મદ સાહિત્ય સભા’, એ ત્રણે સંસ્થાઓ આ આયોજનમાં સહભાગી બની છે.

જ્ઞાનસત્રનું ત્રીજું મહત્ત્વનું પાસું ત્રણે દિવસોની એની બેઠકોની ગૂંથણીનું છે. ગુજરાતની ચાલીસથી વધુ શ્રેષ્ઠ પ્રતિભાઓ, સમર્થ સર્જકો, વિવેચકો, ચિંતકોઆ બેઠકોમાં પોતાનાં વક્તવ્યો રજૂ કરશે અને વિચાર વિમર્શ કરશે.

અર્વાચીનભારતીય સંસ્કૃતિના ઈ.સ.૧૮૫૭થી આજ સુધીના વિવિધ તબક્કાઓમાં આપણી સાંસ્કૃતિક કટોકટી, તેના પડકારો અને તેની ઉપલબ્ધિઓના અનુબંધમાં ગુજરાતી સાહિત્ય કઈ રીતે વિકસ્યું એની મીમાંસા ગુજરાતનાં ઉત્તમ સર્જકો-વિચારકો રજૂ કરશે. પ્રથમ પડાવ, ૧૮૫૭ના સ્વતંત્રતા સંગ્રામથી ૧૯૧૫ સુધીનો, જે વરસે ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા ત્યારબાદ ૧૯૧૫થી ૧૯૪૭ ભારત આઝાદ થયું ત્યાં સુધીનો અને ૧૯૪૭થી ૨૦૧૮ સુધી એટલે કે આજ સુધીનો. આ ત્રણ મહત્ત્વના વળાંકો અને અંતે આજથી આવતીકાલે લગીનું ભવિષ્ય એ આ તપાસના વિષયો છે.

દરેક બેઠકને અંતે પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો છે. આ બેઠકો અને ચર્ચા સભાઓ જ્ઞાનસત્રના આયોજનમાં નવી ભાત ઉમેરે છે.

આ સત્રમાં યુવા ચેતનાને વિશેષ સ્થાન આપતો ‘યુવામંચ’ યોજાયો છે. આ ‘યુવામંચ’ પર નવોદિતો લેખકો અને વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓ થશે. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરીમાં ગાંધી કાવ્યગાન થશે. સત્ર દરમિયાન પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું છે. સત્રની પહેલી સાંજે સંમોહક સંગીત - ગાયકી અને કવિતાની ઊંડી રસજ્ઞતાનો સંગમ જેમની કલામાં થયો છે એવા પ્રતિભાવંત સંગીતકાર શ્રી અમર ભટ્ટ ગાંધી ચેતના ધરાવતાં કાવ્યોનું ગાન રજૂ કરશે. બીજી સાંજે અનુકંપા અને અહિંસાના પરમ ઉદ્‌ગાતા ગૌતમ બુદ્ધ વિષેનું એક સરસ નાટક સૂરતના કલાકારો રજૂ કરશે. ગુજરાતભરના સાહિત્ય પ્રેમીઓ, લેખકો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉત્સાહથી સક્રિય ભાગ લે, જ્ઞાનસત્ર બધી રીતે લોકભાગીદારીનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડે એ માટે સહુને સવિનય નિમંત્રણ પાઠવીએ છીએ.

Follow on Facebook - ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯

રવીન્દ્રભવનઃ
તૃપ્તિ મિશ્રા દિગ્દર્શિત રવીન્દ્રનાથનું 'ડાકઘર'. બુધવાર, તા.9 જાન્યુઆરી, સાંજે 6 વાગ્યે, ગુજરાતી સાહિત્ય પરિષદ.






પરબ



આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad