ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મોહનદાસ ક. ગાંધી - ગાંધીજી


મોહનદાસ ક. ગાંધી - ગાંધીજી  M. K. Gandhi - Gandhiji

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મોહનદાસ કરમચંદ ગાંધી, ગાંધીજી (૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮): આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, સામયિક સંપાદક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક, શામળદાસ કોલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩માં આફ્રિકા ગયા. ૧૮૯૪માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સતોયના સાદગી અને સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪માં ફિનિક્સ આશ્રમની અને ૧૯૧૦માં તોલ્સતોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫માં હિંદ આવ્યા પછી એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી. ૧૯૧૭માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯માં રોલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨માં અંગ્રેજો દ્વારા રાજદ્રોહનો આરોપ મુકાયો અને એમની ધરપકડ થઈ, પણ ૧૯૨૪માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે વિશ્વવિખ્યાત દાંડીકૂચ આરંભી. ૧૯૩૬માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુધ્ધ ભારતના ભાગલા પડ્યા અને કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફની એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર તેમની હત્યા કરી અને 'હે રામ'ના ઉદગાર સાથે એમણે પ્રાણ છોડ્યા.

લોકશિક્ષણના માધ્યમ તરીકે ગાંધીજીએ આજીવન લખતા રહીને વિપુલ ગદ્યલેખન કર્યું છે. તેમાં ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’, ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’, ‘મંગળ પ્રભાત’, ‘હિન્દ સ્વરાજ’, ‘પાયાની કેળવણી’ જેવાં જીવનનાં વિવિધ પાસાંને સ્પર્શતા એમના પુસ્તકો વિશેષ ઉલ્લેખનીય છે. સ્પષ્ટ અને સીધું તાકતા વિચારને એવી જ સાફ અને સરળ ભાષામાં વ્યક્ત કરવાનું કૌશલ્ય એમની આત્મકથામાં જોઈ શકાય છે. સાદગી અને સરળતાના મૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યયુગને આથી જ ‘ગાંધીયુગ’ નામ અપાયું છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.