ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : સુરેશ જોશી


સુરેશ જોશી Suresh Joshi

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

સુરેશ હરિપ્રસાદ જોશી (૩૦-૫-૧૯૨૧, ૬-૯-૧૯૮૬): કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, સંપાદક, અનુવાદક. જન્મ બારડોલી તાલુકાના વાલોડ ગામે. બાળપણ સોનગઢમાં. ૧૯૪૩માં એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. ૧૯૪૫માં એમ.એ. પ્રારંભમાં કરાંચીની ડી.જે. સિંઘ કોલેજમાં અધ્યાપન. ૧૯૪૭માં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ગુજરાતમાં વલ્લભવિદ્યાનગરના વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલયમાં અધ્યાપક. એ પછી ૧૯૫૧થી વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં વ્યાખ્યાતા અને એ જ વિભાગના પ્રોફેસર તથા અધ્યક્ષ તરીકે અંતે ૧૯૮૧માં નિવૃત્ત. નર્મદ સુવર્ણચંદ્રક. ૧૯૭૧માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૩માં મળેલા સાહિત્ય અકાદમી, દિલ્હીના પુરસ્કારની એમના દ્વારા અસ્વીકૃતિ. ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ’ વગેરે સામયિકોના તંત્રી. કીડનીની બીમારી અને હૃદયરોગથી નડિયાદની હૉસ્પિટલમાં અવસાન.

સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગના પુરસ્કર્તા છે. કવિતા, ટૂંકી વાર્તા, નવલકથા, લલિત ગદ્ય, વિવેચન અને સાહિત્યિક પત્રકારત્વ જેવાં સઘળાં ક્ષેત્રોમાં નવા પ્રસ્થાનો આરંભનાર સુરેશ જોશીના સાહિત્યવિચારમાં રૂપનિર્મિતિ એક અતિ મહત્ત્વપૂર્ણ લક્ષ્ય છે. તેમણે વિવિધ સાહિત્યિક સામયિકો દ્વારા આધુનિકતાની વિભાવનાની સ્થાપના અને મીમાંસા કરી છે. રવીન્દ્રશૈલીને અનુસરતા હોવા છતાં યુરોપીય સાહિત્યના સંસ્પર્શથી સંવેદનશીલ ગદ્યનો સર્જનાત્મક વિનિયોગ કરતા એમના લલિતનિબંધો, ઘટનાને ઓગાળી નાખી, કપોળકલ્પિતને પ્રયોજતી એમની ટૂંકી વાર્તાઓ, અરૂઢ રચનારીતિ ધરાવતી નવલકથાઓ, અછાંદસની દિશા ખોલતી એમની કવિતાઓ, આધુનિકતાવાદી વલણો પરત્વે અભિમુખ બનાવતું એમનું તત્ત્વદર્શી વિવેચન – આ બધાં યુગપ્રવર્તક લક્ષણોથી એમણે શુદ્ધ સાહિત્યનો આદર્શ તાગવા પ્રયત્ન કર્યો અને ઉત્તમ સાહિત્યિક મૂલ્યોની ખેવના અને એની સભાનતા ઊભી કરવામાં પુરુષાર્થ રેડ્યો.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.