ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ઝવેરચંદ મેઘાણી


ઝવેરચંદ મેઘાણી  Zaverchand Meghani

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭): કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી). પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઈંગલેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી તેમનો પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ. ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્ર’માંથી છૂટા થયા. ૧૯૩૦માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ’ સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ ‘ફૂલછાબ’ને રાજકીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ ‘જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ’ કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ’માં જોડાઈને તંત્રી બન્યા. ૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન.

તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો – સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટ્યો છે. સમાજને છેવાડે ઊભેલા દલિત-પીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી’ જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.