પિતા રાજ્યના ઉચ્ચ અધિકારી. એમનું માધ્યમિક શિક્ષણ વડોદરા અને મુંબઈમાં. ગુજરાતી મુખ્ય-સંસ્કૃત ગૌણ વિષયો સાથે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. ૧૯૬૫માં એ જ વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઈટ સ્કોલરશિપ મેળવી અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી ’સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં ફરી એમ.એ.ની ડીગ્રી મેળવી. પછી ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન નીચે ’નાટયાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી.ની પદવી મેળવી. એક વર્ષ ફ્રાન્સમાં રહી ફોર્ડ ફેલોશિપ હેઠળ આયનેસ્કોના ’મેકબેથ’ નાટકને ગુજરાતીમાં અનુદિત કર્યું. અને શેક્સપિઅરના ’મેકબેથ’ સાથે તેનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨થી ૧૯૭૭ દરમિયાન મુંબઈની મીઠીબાઈ આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી. નવી દિલ્હી તરફથી તૈયાર થઈ રહેલા ’ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ’ પ્રકલ્પમાં સંપાદક તરીકે જોડાયા. ૧૯૭૭માં રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન નીચે ’રમણીયતાનો વાગ્વિકલ્પ’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. ૧૯૮૩થી વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે નિયુક્ત થયા. ત્યાર પછી ત્રણ વર્ષ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં કુલપતિપદે.
૨૦૦૦-૦૧ના વર્ષ માટે ગુજરાતીના અધ્યાપક સંઘના અધ્યક્ષ. તેમ જ દેશ પરદેશની યુનિવર્સિટીઓમાં મુલાકાતી અધ્યાપક તરીકે તે અવારનવાર નિમંત્રણો પામતા રહ્યા. જેમાં કલકત્તાની જાદવપુર યુનિવર્સિટી, પેરિસની સોર્બોન યુનિવર્સિટી, અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટી વગેરેનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ વર્ષ, સાહિત્ય અકાદમી દિલ્હીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલના સભ્ય તથા ગુજરાતી સલાહકાર સમિતિના સંયોજક તરીકે રહ્યા. ૨૦૧૮થી ૨૦૨૦ના વર્ષો દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે તેમની વરણી થઈ છે. ’સંદર્ભ’ સામયિકનું પ્રબોધ પરીખ સાથે સંપાદન અને નિવૃત્તિ પછી ફાર્બસ ગુજરાતી સભાના સામયિક ’ફાર્બસ ત્રૈમાસિક’નું સંપાદન અને તંત્રી. સિતાંશુ યશશ્ચંદ્રના ’સીમાકંન અને સીમોલ્લંઘન’ (૧૯૭૭), ’રમણીયતાનો વાગવિકલ્પ’ (૧૯૭૯), ’ઓડિસ્યસનું હલેસુ’ (૧૯૭૯)ને ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પારિતોષિક. ’પ્રલય’ (૧૯૮૪) કાવ્યસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક. ’જટાયુ’ (૧૯૮૭) કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક. કુસુમાગ્રજ એવોર્ડ, નેશનલ હાર્મની એવોર્ડ (૧૯૯૬), ’કેમ મકનજી ક્યાં ચાલ્યા’ નાટકને ૧૯૯૭થી ૨૦૦૧ના વર્ષ માટે નર્મદ ચંદ્રક, ’કબીર સન્માન’ (૧૯૯૮) ’ખગ્રાસ’ (૧૯૯૯) નાટકને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર. ચંદ્રવદન મહેતા એવોર્ડ (૨૦૦૫)માં પદ્મશ્રી, સન્માન ભારત સરકાર દ્વારા ૨૦૦૬માં. આદ્યકવિ નરિંસહ મહેતા એવોર્ડ, જૂનાગઢ (૨૦૦૮)માં આ એવોર્ડનો તેમણે અસ્વીકાર કર્યો.
સિતાંશુ પાસેથી ’ઑડિસ્યુનું હલેસું’ (૧૯૭૪),’જટાયુ’ (૧૯૮૬), ’વખાર’ (૨૦૦૯) નામના કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે. તેઓ ગુજરાતી કવિતાને પરાવાસ્તવવાદૃી (Surrealistic) વળાંક આપે છે. ભાષાની ખમીરવંતી, ચિંતનપ્રેરિત વસ્તુલક્ષી ચાલ આ ગતિશીલ કવિની કાવ્યબાનીને વિશિષ્ટ મુદ્રા એનાયત કરે છે. પરાવાસ્તવિક અનુભૂતિને અભિવ્યક્ત કરવા માટે કવિ ભાષા, છંદ અને લયના પરિચિત સંકેતોને તોડીને નવો ખેલ રચે છે. સરરિયલ કવિતાની રચનાની પ્રક્રિયા માનવચિત્તના જેવી સંકુલ છે. સરરિયલ કવિતામાં કવિનો પ્રયાસ બૌદ્ધિક પ્રતીતિમાં પુરાઈ રહેલી અનુભૂતિને તેના આદિમ બિંદુ સુધી લઈ જવાનો જણાય છે. કવિ આવશ્યકતાનુસાર બાલવાર્તા, લોકકથા, દંતકથા, પુરાણકથા, પુરાકલ્પન વગેરે વિવિધ ઘાટીઓનું મિશ્રણ કરે છે. તેને લીધે અભિવ્યક્તિની અનેકવિધ શક્યતાઓનું વિશાળ ક્ષેત્ર આ કવિ સમક્ષ ખુલ્લું થાય છે. પ્રથમ સંગ્રહમાં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનો, સ્વયં-સ્ફુરણો, સ્વપ્નો, સંમોહન, અનૈતિહાસિક સમય, અતર્ક, અસંગતિ, તરંગલીલા તથા ઇન્દ્રિયભ્રમોને અનાયાસ અનુસરે છે. વાણીના સૂક્ષ્માતિસૂક્ષ્મ સંચારોના કાવ્યાત્મક વિનિયોગથી કવિ ક્યારેક વિચારપ્રેરક ને રસપ્રદ ચમત્કારો સર્જે છે. સંગ્રહનાં મગનકાવ્યોમાં કવિની વેદના વિડંબનાત્મક રીતે રજૂ થઈ છે. આ કાવ્યોમાં પણ અન્ય કાવ્યોની જેમ નગરજીવનની ભીંસથી સર્જાયેલી આત્મઘાતક પરિસ્થિતિ સામેનો કવિનો વિદ્રોહાત્મક સૂર સાંભળી શકાય છે.
’એક સરરિયલ સફર’, ’યમદૂત’, ’દૂકાળ’, ’પોમ્પાઈ’ અર્થાત બોમ્બાઈ નગરમાં એક ખેલ યાને વહાણ નામે ભૂલ, ’મૃગજળ અને જળ’, દા.ત. મુંબઈ, ’મગન અને ગાજર’ જેવાં કાવ્યો કવિની કાવ્યરચનાની વિશિષ્ટ પોતવાળી શૈલીનાં દ્યોતક છે.
’સંસ્કૃતિ’ (ઓગસ્ટ ૧૯૭૦)માં પ્રકાશિત ’મોંએ-જો-દડો’ સિતાંશુની સરરિયલ રચનાકૌશલની ઉલ્લેખનીય ઉપલબ્ધિ છે. ’મૃત્યુ : એક સર્રિયલ અનુભવ’ અને ’હોચી મિન્હ માટે એક ગુજરાતી કવિતા’માં કવિએ ભાષાનો વિશિષ્ટ પ્રયોગ કર્યો છે. ’મૌન સરોવર છલકયાં’ નોંધપાત્ર ગીત છે. તેમાં કહેવાયું છે તેમ સિતાંશુનો કવિ તરીકેનો પુરુષાર્થ મનના મૂળ સમયની શીશી ફોડીને પ્રગટ કરવાનો - અચેતન અને અર્ધચેતન સ્તરોની સૃષ્ટિને શબ્દમાં કંડારવાનો છે. ’જટાયુ’નાં રૂપરંગ પ્રથમ સંગ્રહથી ભિન્ન છે. પ્રત્યેક કાવ્યગુચ્છે કશુંક નવું સિદ્ધ કરવાની મથામણ સિતાંશુની કાવ્યસૃષ્ટિનું ધ્યાનાકર્ષક લક્ષણ છે. આ સંગ્રહના ૮ ખંડોમાં ભિન્ન ભિન્ન ભાવવિશ્વ અને કવિનો નોખો નોખો મિજાજ પ્રગટ કરતી ૩૪ રચનાઓ ઉપલબ્ધ થઈ છે. સાતમાં ખંડમાં જે ૪ કાવ્યો છે તેમાં કવિએ સભાનતાપૂર્વક મધ્યકાલીન ભાષાશૈલી, આખ્યાન-નિરૂપણની પદ્ધતિ અને લયઢાળોને પોતાની રીતે પ્રયોજ્યાં છે. આ કાવ્યગુચ્છનું સર્વોચ્ચ શિખર ’જટાયુ’ છે. એ કાવ્યમાં કવિએ અત્યંત અંગત અનુભૂતિને સફળતાપૂર્વક પુરાકલ્પની બિનંગત વસ્તુતામાં પ્રગટાવી છે. ’પ્રલય’ જેવી દીર્ઘ રચનાએ યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા મથામણ કરી છે. આધુનિક પ્રયોગશીલ ગુજરાતી કવિઓમાં સિતાંશુનો અવાજ અનોખો અને અગ્રેસર છે.
’વખાર’ સાત ઘટકોમાં વહેંચાયેલો છે. આ સંગ્રહનાં કાવ્યો મુખર થઈને પણ પ્રભાવક નીવડ્યા છે. શાંત ઉપહાસ અને ઉગ્ર આક્રોશ અહીં પરસ્પર પૂરક બને છે. દીર્ઘ રચનાઓ સાથે અહીં સુબદ્ધ લઘુરચનાઓ પણ ધ્યાન ખેંચે છે.
સિતાંશુની સર્જક ચેતના નાટ્યલેખન-નાટ્યરૂપાંતરક્ષેત્રે પણ પ્રવૃત્ત થઈ છે. ૧૯૯૯માં તેમનાં ૬ નાટકો એકસાથે પ્રગટ થયા છે. ’છબીલી રમતી છાનુંમાનું’ (૧૯૯૯), ’કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’ (૧૯૯૯), ’લેડી લાલકુંવર’ (૧૯૯૯), ’આ માણસ મદ્રાસી લાગે છે’ (૧૯૯૯), ’તોખાર’ (૧૯૯૯) અને ’ખગ્રાસ’ (૧૯૯૯). આ બધાં જ નાટકો રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાયેલાં છે. આ નાટકો પૈકી ’કેમ મકનજી ક્યાં ચાલ્યા ?’ - અમે અમથાલાલને ત્યાં ચાલ્યા રેડિયોનાટક તરીકે લખાયું હતું.
’તોખાર’ પિટર શેફરકૃત ’એક્વસ’ પર આધારિત છે. આ ઉપરાંત તેમણે ટૉમસ હાર્ડીની વાર્તા પરથી થયેલી નાટ્યકૃતિનું રૂપાંતર ’વૈશાખી કૉયલ’ નામે કર્યું હતું. જે રંગભૂમિ પર ભજવાયું હતું. ’નરિંસહ’ (૨૦૦૮) ’અખાની ઓળખાણ’ (૨૦૦૯) જેવાં તેમણે નાટકો આપ્યા છે. ’ગ્રહણ’ અને ’અશ્વત્થામા’ તેમનાં અન્ય નાટકો છે, જે હજુ અપ્રકાશિત છે. ’નાટય-કેસૂડાં’ નામનું સંપાદન પણ તેમણે કર્યું છે. જે સમયે પ્રયોગશીલ ગુજરાતી નાટ્યલેખકો ઍબ્સર્ડ નાટકની લપસણી ભૂમિ પર સરકી રહૃાા હતા અને પરંપરાગત નાટ્યલેખકો પોતાના જ નિ:સત્ત્વ, અનુકરણમાંથી ઊંચા આવી રહ્યા ન હતા ત્યારે સિતાંશુએ રંગમંચક્ષમતા, સાહિત્યિકતા, નાટ્યાત્મકતા વચ્ચે સંતુલન સાધી માનવજીવનની વિસ્મયજનક સંકુલતાને પોતાની આગવી નાટ્યસૃષ્ટિમાં વ્યક્ત કરવાનો સમર્થ પ્રયાસ કર્યો.
સિતાંશુની આ નાટ્યસૃષ્ટિ ગુજરાતી નાટક - સાહિત્યનો એક નોંધપાત્ર ઉન્મેષ છે. પ્રયોગશીલ કવિ અને પ્રતિભાશાળી નાટ્યકાર સિતાંશુ અરૂઢ શૈલીનાં વિવેચનો પણ આપે છે. ’સીમાંકન અને સીમોલ્લઘંન’ (૧૯૭૭)ના વિવેચનલેખોમાં તેઓ સૌન્દર્યમીમાંસાની શોધ કરે છે. સંરચનાને લગતી છણાવટ સંગ્રહના ૭ લેખોમાં જોવા મળે છે.
છેલ્લા લેખ ’સીમાંકન અને સીમોલ્લંઘન’માં ઉમાશંકર જોશી અને ઍલન ગિન્સબર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યો છે.
સીમાંકન અને સીમોલ્લંઘન - એ બંનેથી તેમ તેના અંગેની વ્યવસ્થાથી પર રમણીયતા કવિના શબ્દથી સિદ્ધ થાય છે એ સ્થાપના સિતાંશુએ ’રમણીયતા કવિના શબ્દથી સિદ્ધ થાય છે એ સ્થાપના સિતાંશુએ રમણીયતાનો વાગ્વિકલ્પએ શોધપ્રબંધમાં કરી છે. નાના ફલક પર તુલનાત્મક સૌન્દૃર્યમીમાંસાના વિષયમાં પાયાના વિભાવોને તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. તેમણે પાશ્ચાત્ય સૌન્દર્યમીમાંસાના ’આકાર’ના સંપ્રત્યય સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના ’સમાધિ’ના વિભાવનો તેમજ કાવ્યનુભવ સાથે ’ક્રીડા’ અને ’રમણીયતા’ના વિભાવનો તુલનાત્કમ અભ્યાસ કર્યો છે. ગુજરાતીમાં ’આકાર’ની મહત્તાની ઐકાન્તિક ચર્ચાના કે આકૃતિ અને અંત:તત્ત્વના દ્વૈત પર થતી ચર્ચાના સંદર્ભે સિતાંશુની નવી ભૂમિકા પરથી થયેલી સ્થાપના ધ્યાનાર્હ છે. તેમજ ’અસ્યા : સર્ગવિદ્યૌ’ (૨૦૦૨) નામે ત્રીજો વિવેચનગ્રંથ આપે છે. જે મુંબઈ વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના ઉપક્રમે યોજાતાં શ્રી ઠર વસનજી વ્યાખાનમાળા અંતર્ગત આપેલા પાંચ વ્યાખ્યાનોનો સંચય છે.