સાહિત્યસર્જક: ગુણવંતરાય આચાર્ય
સવિશેષ પરિચય:
ફોટો : ગુણવંતરાય આચાર્ય-રમેશ મ. શુકલ દરિયાલાલ (૧૯૪૧): ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસના વિશિષ્ટ વસ્તુને આલેખતી નવલકથા. એમાં ઈતિહાસનાં કેટલાંક તથ્યોનો ને પાત્રોનો આધાર લેવાયો છે, તો કિંવદન્તિઓનો પણ ઉપયોગ થયો છે. લધાભાની પેઢી ગુલામોનો વેપાર કરે છે, જંગબારમાં, રામજીભા એમનો મદદકર્તા વિશ્વાસુ માણસ છે, પણ એકવાર પકડી લવાતા વીસ ગુલામો ગેંડાથી માર્યા જાય છે, એ ઘટનાથી રામજીભામાં રહેલો ‘મનુષ્ય’ જાગી ઊઠે છે, તેઓ ગુલામોનો વેપાર નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લે છે ને લધાભાની પેઢી છોડીને જંગબારનાં જંગલોમાં વસતા લોકોને ખેતી માટે જાગૃત કરે છે. લવિંગાદિની ખેતી કરાવીને ગુલામોને મુક્ત કરવાની સફળ યોજના પાર પાડે છે. હાલારપ્રેમ, માનવતા, સોંપેલાં કાર્ય પાર પાડવાની નિષ્ઠા-આ બધાં સારુ રામજીભા જીવસટોસટનાં સાહસ કરે છે. હાલારની બાઈ રુખીને ચાંચિયા અબુ હસને બાન રાખ્યાનું જાણે છે ત્યારે તેઓ તેને છોડાવવા લાલિયા ઘંટ જેવા વરુ-વૃત્તિના માણસ સાથે બાથ ભીડે છે. ડંકર્ક અને મંગો યાર્કને શોધે છે. જંગલનાં ને દરિયાનાં સાહસો ખેડી વધુ ને વધુ ગુલામોને મુક્ત અને માણસ બનાવે છે. નવલકથામાં કથાનું આયોજન ચુસ્ત, નાટ્યાત્મક અને આકર્ષક છે. વર્ણનો અને વસ્તુ વાસ્તવનિષ્ઠ છે. ઉપરાંત, ભાષાનું નોંધપાત્ર બળ દાખવી આ નવલકથા આપણી અલ્પ દરિયાઈ સાહસકથાઓમાં નોંધપાત્ર છે. -મણિલાલ પટેલ અલ્લાબેલીઃ (૧૯૪૨): રંગભૂમિ ઉપર એ જમાનામાં સફળ રીતે ભજવાયેલા, ગુણવંતરાય આચાર્યના આ ત્રિઅંકી નાટકનું વસ્તુ ઐતિહાસિક છે. નાટક મૂળ માણેકના શૌર્યવાન, ટેકીલા તથા વતનપ્રેમી વ્યક્તિત્વને અને એની નિષ્ઠા તથા બહાદુરીને આ નાટક ઉપસાવે છે. નાટકની દ્રશ્યયોજના સફળ છે. લેખકના ચિત્રપટની દુનિયાના અનુભવોનો લાભ પણ આ નાટકને મળ્યો જણાય છે. ચિત્રાત્મક આલેખન, ગતિશીલ સંવાદો તથા ક્રમશઃ સંઘર્ષ પ્રતિ ગતિમાન કથા-વસ્તુની ગૂંથણી આ કૃતિની વિશેષતાઓ છે. -મણિલાલ પટેલ વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી