સાહિત્યસર્જક: જ્યોતીન્દ્ર દવે
સવિશેષ પરિચય:
ફોટો: જ્યોતીન્દ્ર દવે-જયંત ગાડીત રંગતરંગ- ભા.૧ થી ૬ (૧૯૩૨, ૧૯૪૧, ૧૯૪૧, ૧૯૪૨, ૧૯૪૪, ૧૯૪૬) : જ્યોતિન્દ્ર હ. દવેની હાસ્યરસિક નિબંધિકાઓના સંગ્રહો. હાસ્યરસનાં વિવિધ રૂપો અને પ્રકારોને એમણે અહીં અજમાવ્યાં છે. નિર્દંશ ઉપહાસની પ્રાજ્ઞ હાસ્યરસ પ્રગટ કરતા કેટલાક ઉત્તમ કોટિના એમના હાસ્યલેખોમાં ‘ગઝલમાં ગીતા’, ‘જીભ’, ‘છત્રી’, ‘આળસ’, ‘કરકસર’, ‘ઊંઘની દવા’ વગેરે નોંધપાત્ર છે. સૂક્ષ્મ નિરીક્ષણ, વેધક દ્રષ્ટિ, અનપેક્ષિત સાદ્દશ્યકલ્પના, કુતૂહલપ્રેરક સંવાદલીલા, સમૃદ્ધ તરંગલીલા અને દ્રષ્ટાંતખચિત સ્મરણશક્તિ- આ બધું હાસ્યરસને અનુકૂળ એવી ભાષાશૈલીમાં અહીં પ્રગટ્યું છે. લેખકનો નર્મમર્મ પાછળનો ફિલસૂફ ચહેરો ગુજરાતી સાહિત્યમાં આજ દિન સુધી અપૂર્વ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા જ્યાં ત્યાં પડે નજર મારી (૧૯૬૬) : જ્યોતીન્દ્ર હ. દવેના હાસ્યનિબંધોનો સંગ્રહ. વિષય અને નિરૂપણની રીતે વિવિધ પ્રકારે હાસ્યના નમૂનાઓ અહીં હાજર છે. મુખ્યત્વે એમનું હાસ્ય નિર્દંશ છે. ક્યારેક તર્ક, ક્યારેક શબ્દરમત, ક્યારેક પ્રતિકાવ્ય, ક્યારેક રેખાંકન, ક્યારેક સંવાદ, ક્યારેક ડાયરી, ક્યારેક આત્મકથાના અંશો- એમ પ્રયોગનાવીન્યથી એમનું હાસ્ય સજીવ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અમે બધાં (૧૯૩૬) : જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા દ્વારા આત્મકથનાત્મક શૈલીએ લખાયેલી નવલકથા. અહીં કથાનાયક તેમ જ નિરૂપક વિપિનના જન્મ પૂર્વેની ક્ષણોથી માંડીને લગ્ન પછીની કેટલીક ક્ષણો સુધીનું કથા-કથન જોવા મળે છે. કથાની પશ્વાદભૂમાં આવતી તત્કાલીન ભૌગોલિક-સાંસ્કૃતિક બાબતોની ચર્ચા રસપ્રદ છે. એમાં ભૂતકાળ-પ્રીતિની ઊંચી માત્રા જોવા મળે છે. બે સર્જકો દ્વારા થયેલું આ પ્રકારનું સહલેખન ગુજરાતી કથાસાહિત્યમાં કદાચ પ્રથમ છે. રમણભાઈ નીલકંઠની ‘ભદ્રં ભદ્ર’ હાસ્યનવલ પછી આપણા હાસ્યસાહિત્યમાં આ બીજી મહત્વપૂર્ણ કૃતિ બને છે. સર્જકદ્વયની ઉચ્ચ કક્ષાની વ્યંગ્યવૃત્તિ, પરિષ્કૃત શૈલી, તત્કાલીન સમય અને સ્થળને અભિવ્યક્ત કરવા માટેનો સૂરતી બોલીનો સક્ષમ વિનિયોગ, કથાવસ્તુનું તાર્કિક અને રૈખિક નિરૂપણ, સ્થૂળ તેમ જ સૂક્ષ્મ બંને પ્રકારનાં પાત્રોનું વ્યવસ્થાબદ્ધ આલેખન વગેરેના કારણે કૃતિ આસ્વાદ્ય બની છે. -હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી