સાહિત્યસર્જક: નરસિંહરાવ દિવેટિયા
સવિશેષ પરિચય:નરસિંહરાવ દિવેટિયાદિવેટિયા નરસિંહરાવ ભોળાનાથ, ‘જ્ઞાનબાલ’, ‘દૂરબીન’, ‘નરકેસરી’, ‘પથિક’, ‘મુસાફર’, ‘વનવિહારી’, ‘શંભુનાથ’ (૩-૯-૧૮૫૯, ૧૪-૧-૧૯૩૭) : કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી.''' જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૮૮૦માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ત્યારબાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ, ૧૯૮૪માં ખેડામાં આસિસ્ટન્ટ કલેકટર. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને પ્રભાવિત કર્યું. આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટને કારણે બોલીઓનો ખ્યાલ આવ્યો. થોડો વખત ઍક્ટિંગ કલેકટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેકટર તરીકે નોકરી કરી. ૧૯૧૨માં નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત. ૧૯૧૫માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૨૪માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા. ૧૯૨૧ થી ૧૯૩૫ સુધી ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. અંગ્રેજી સાહિત્યના પ્રભાવથી પ્રેરાયેલી નર્મદ પછીની કાવ્યાભિવ્યક્તિ આ કવિને કારણે વધુ પક્વતા અને પ્રૌઢિ તરફ વળે છે. એમના ‘કુસુમાવાળા’ (૧૮૮૭) કાવ્યસંગ્રહમાં ગુજરાતી ઊર્મિકવિતાનું સ્વરૂપ આરંભદશાની કચાશથી દૂર હઠીને પહેલી વાર શિષ્ટતા અને સંસ્કારિતાથી પ્રગટ થયું છે. પશ્ચિમી સંગદર્શિતા તેમ જ સંસ્કૃતસાહિત્ય-સંસ્કારનો સમન્વય આત્મલક્ષી બનીને પરિણામગામી બન્યો છે. પ્રકૃતિ, પ્રણય, ભક્તિ અને ચિંતન આ સંગ્રહની મુખ્ય સામગ્રી છે. ‘હૃદયવીણા’ (૧૮૯૩)માં રીતિ એની એ છતાં આત્મલક્ષિતા ઘટી છે. ‘સર્જતરાયની સુષુપ્તિ’ (૧૯૧૨) માં વિનોદ કેન્દ્રમાં છે. ‘નૂપુરઝંકાર’ (૧૯૧૪)માં મુખ્યત્વે કાન્તની પ્રેરણાથી લખાયેલાં ખંડકાવ્યો સંગ્રહાયાં છે. જે પૈકીનાં ‘ચિત્રવિલોપન’ તથા ‘ઉત્તરા અને અભિમન્યુ’ જાણીતાં થયાં છે. ‘સ્મરણસંહિતા’ (૧૯૧૫) અંગ્રેજ કવિ ટેનિસનના ‘ઈન મેમોરિયમ’ ને આધારે પુત્રશોકથી જન્મેલી કરુણપ્રશસ્તિ છે. એમાં અંગત શોક સંવેદનશીલતાથી કાવ્યસામગ્રીમાં રૂપાંતર પામ્યો છે. ‘બુદ્ધચરિત’ (૧૯૩૪) અંગ્રેજી કૃતિ ‘લાઈટ ઑવ એશિયા’ નો અનુવાદ છે. એકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું અપૂર્વ મહત્વ એમને આર્વાચીન ઊર્મિકાવ્યના પિતા ગણવા પ્રેરે છે. એમનાં સઘળાં કાવ્યોમાંથી ચૂંટેલા કાવ્યોનો સંગ્રહ ‘કાવ્યકુસુમ’ (સં. સુસ્મિતા મ્હેડ) એમનાં કેટલાંક મહત્વનાં કાવ્યોનો આસ્વાદ આપે છે. એમની વિવેચના ‘મનોમુકુર’ના ચાર ગ્રંથો (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮), ‘અભિનયકલા’ (૧૯૩૦) અને ‘કવિતાવિચાર’ (૧૯૬૯)માં સંગ્રહાયેલી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યથી માંડી સમકાલીન-અનુકાલીન સાહિત્ય એમના વિવેચનપરિઘમાં વિસ્તરેલું છે. ગુણજ્ઞતા, રસજ્ઞતા, પ્રતિપક્ષીનેય ન્યાય ઘટે એવી સમતોલવૃત્તિ અને સત્યનિષ્ઠા એમની વિવેચનાનાં મુખ્ય લક્ષણો છે. એમની શૈલીમાં ક્યારેક સુદીર્ઘતા અને શિથિલતા પ્રવેશ્યાં છે, પરંતુ સાહિત્યના નિર્ભીક પહેરગીર અને દુરારાધ્ય તરીકે એમણે સાહિત્યતત્વ, સંગીત, સાહિત્યપ્રવાહો અને કૃતિઓનું વિશ્વસનીય વિવેચન કર્યું છે. પ્રસિદ્ધ થયેલાં પ્રેમાનંદના નાટકોની બાહ્ય અને આંતરિક કસોટી કરી એમણે એના સંદિગ્ધ કર્તુત્વને સ્પષ્ટ કરી આપ્યું અને પ્રાચીન સાહિત્યની પ્રસિદ્ધિમાંય વિવેકદ્રષ્ટિ મહત્વની છે તે સિદ્ધ કર્યું. ન્હાનાલાલની અપૂર્વ પ્રતિભાની પ્રશંસા કરવા સાથે તેમની ઈન્દ્રધનુની ભભકવાળી ડોલનશૈલીના કાલક્ષમ તત્વના અભાવ સામે એમણે આંગળી ચીંધેલી. ‘ગુજરાતનો નાથ’ના વિસ્તૃત ઉપોદઘાતમા એમની ઊંચીઆસ્વાદ-વિશ્લેષણરુચિ પ્રગટ થઈ છે. ‘જોડણી વિશે નિબંધ’ (૧૮૮૮)માં ભાષાવિષયક અન્વેષણની શાસ્ત્રીય પદ્ધતિએ તુલનાત્મક અભ્યાસ અને પ્રમાણભૂત મનાય તેવાં મંતવ્યો મળે છે. ભાષાશાસ્ત્રમાં અત્યારે શાસ્ત્રીય દ્રષ્ટિએ જે ખેડાણ થાય છે તેમ જ એમના અનુગામીઓએ જે કામ કર્યું છે તે જોતાં એમનું કામ પ્રાથમિક લાગે છતાં મૂલ્યવાન છે. પ્રતિસંપ્રસારણનું એમનું દર્શન, વિવૃત્તવિધાનની અશેષચર્ચા, લઘુપ્રયત્ન ‘હ’, ‘ય’ અને અલ્પપ્રયત્ન ‘અ’ ની ચર્ચા, કોમલ અને તીવ્ર અનુસ્વરોના ભેદ, ગુજરાતીમાં વિભક્તિના પ્રત્યયોનાં મૂળ અને ગુજરાતી ભાષાનું સીમાંકન, ભાષાની સૈદ્ધાંતિક વિચારણા, વ્યુત્પત્તિની ચર્ચા, ગુજરાતી ભાષાનું ઘડતર વગેરેનું વિવરણ એમનું નોંધપાત્ર પ્રદાન ગણાય. એમનું અન્વેષણ સંશોધકની શિસ્ત, ધૈર્ય, ચીવટ, ખંત અને તટસ્થતાના ગુણો દાખવે છે. ‘સ્મરણમુકુર’ (૧૯૨૬) ગુજરાતી સાહિત્યમાં રેખાચિત્રોના સ્વરૂપમાં પ્રથમ છે. એક બાજુ ઐતિહાસિક દ્રષ્ટિએ તેમાં લગભગ અર્ધી સદીના ગુજરાતી સામાજિક-સાંસ્કૃતિક ઇતિહાસનું આલેખન છે; તો બીજી બાજું ટૂંકાં, આછાં, માર્મિક આ રેખાચિત્રોમાં ક્યાંક એમનું વાંકદેખું મુકુર લેખકના અહમ્ ને છતો કરવા સાથે કેટલીક ક્ષોભકર, અરુચિકર હકીકતો પણ નોંધે છે. ‘જ્ઞાનબાલ’ના નામે રસળતી શૈલીમાં લખાયેલ ‘વિવર્તલીલા’ (૧૯૩૩)માં એમના વ્યક્તિત્વ અને જીવનદર્શનનું પ્રતિબિંબ પડેલું છે. જ્ઞાનમનનના વિવર્તરંગોને બાલસહજ નિખાલસતા અને પાંડિત્યથી દર્શાવ્યા છે. વાતચીતની શૈલી, વિશ્વઘટનાઓ સાથે કરેલું સમાધાન તથા શ્રદ્ધા તેનાં મુખ્ય અંગ છે. એમની ‘રોજનીશી’ (સં. ધનસુખલાલ મહેતા, રામભાઈ બક્ષી, ૧૯૫૩)માં ૧૮૯૨ થી ૧૯૩૫ સુધીની વિગતવાર ચોકસાઈપૂર્વકની નોંધ લખાયેલી છે. તેમાં એમનાં અંતરંગ-માનસિક, પારિવારિક, સામાજિક, રાજ્કીય, સાહિત્યિક અને ભાષાશાસ્ત્રીય ક્ષેત્રોનાં વલણો નોંધાયાં છે. સંપાદનમાં કેટલીક મૂલ્યવાન નોંધો બિનમહત્વની નોંધો સાથે વળાઈ-ચળાઈ ગઈ છે છતાં રોજનીશીનું મૂલ્ય ઓછું નથી થતું. એમના ઘડાતા જતા વ્યક્તિત્વનો તેમ જ વિકાસમાન સર્જકનો એમાંથી ખ્યાલ આવે છે. સાથે સાથે એમના ગમાઅણગમા, સજ્જડ પૂર્વગ્રહો પણ છતા થાય છે. સમગ્રતયા ‘રોજનીશી’ એક સત્યનિષ્ઠ વિચારપુરુષનું, કલામર્મજ્ઞનું અને ભક્તજનનું આંતરબાહ્ય પ્રગટ કરે છે. -સુસ્મિતા મ્હેડ કુસુમમાળા (૧૮૮૭) : કવિ નર્મદના અવસાન પછી બીજે વર્ષે, આજથી લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલ અર્વાચીન ગુજરાતી કવિતાક્ષેત્રે એખ સીમાચિહ્ન(*) અંકિત કરતો નરસિંહરાવ દિવેટિયાનો કાવ્યસંગ્રહ. પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ દ્વારા અંગ્રેજી કવિઓની ઊર્મિકવિતામાંથી સીધી પ્રેરણા મેળવી રચાયેલાં આ કાવ્યોમાં રોચક કલ્પનાઓ, ઊર્મિનું બારીકીભર્યું આલેખન, ભાષા તેમ જ છંદનું સુઘડ સંયોજન ગુજરાતી ઊર્મિકવિતામાં સૌપ્રથમ કંઈક અંશે કલાત્મક રીતે પ્રયોજાયેલાં છે. ઊર્મિકવિતા અંગે સાચી દિશામાં દોરવણી આપી એ એનું જમાપાસું છે. ‘મેઘ’, ‘ચંદા’, ‘મધ્યરાત્રિએ કોયલ’ વગેરે કાવ્યોએ વિદ્વાનો તેમ જ કાવ્યરસિકો-ઉભયને પ્રસન્ન કર્યા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘કુસુમમાળા’માં સૌપ્રથમ પ્રગટ થયેલી શુદ્ધ પ્રકૃતિકવિતાને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે જ નરસિંહરાવને ‘સૂર્ય,ચંદ્ર અને તારાના કવિ’ તરીકે ઓળખાવ્યા છે. રમણભાઈ નીલકંઠને ‘ગુજરાતી કવિતાના સાહિત્યમાં રણમાં એક મીઠી વીરડી’ જેવી ‘કુસુમમાળા’ની કવિતા સ્પર્શી ગઈ હતી, એ પણ નોંધવું જોઈએ. -રમેશ ત્રિવેદી મનોમુકુર – ગ્રંથ. ૧, ૨, ૩, ૪ (૧૯૨૪, ૧૯૩૬, ૧૯૩૭, ૧૯૩૮) : નરસિંહરાવ દિવેટિયાના ગદ્યલખાણોના સંગ્રહો. વિવેચન, રસચર્ચા વગેરેના આ બુદ્ધિપરાયણ લેખોમાં એમના વ્યક્તિત્વનંે પ્રતિબિંબ જોઈ શકાય છે. વિસ્તારપૂર્વકની વિષયમાંડણી અને ઝીણું પૃથ્ક્કરણ એમની શક્તિ અને મર્યાદા છે. ગ્રંથ ૧માં ગ્રંથાવલોકન, કલાતત્વાન્વેષણ, જીવનદર્શન, ધર્મ અને તત્વદર્શન, હાસ્ય, વ્યાકરણ અને ભાષા સંબંધી લેખો છે; એમાં ‘અસત્ય ભાવારોપણ’ તેમ જ ‘ગુજરાતી કવિતા અને સંગીત’ જેવા લેખો મહત્વના છે. ગ્રંથઃ ૨માં ‘જયાજયન્ત’નું અવલોકન નોંધપાત્ર છે. ગ્રંથઃ ૩ માં ‘ગુજરાતનો નાથ’ નું વિવરણ તેમ જ ‘ફૂલડાંકટોરી’ નું અર્થઘટન દ્યોતક છે. ‘કાવ્યની શરીરઘટના’ પરનો લેખ કીમતી છે. ગ્રંથઃ ૪ માં ‘કવિતા અને સંગીત’ તથા ‘રમણભાઈ કવિ’ એ લેખો ધ્યાનપાત્ર છે. બુદ્ધિપૂત વિશદ ચર્ચા આ લખાણોનું વ્યાવર્તક લક્ષણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સ્મરણમુકુર (૧૯૨૬) : નરસિંહરાવ દિવેટિયાનું સ્મૃતિચિત્રોની લેખમાળા આપતું પુસ્તક. પોતાની સાથે પરિચયમાં આવેલી મહત્વની સાહિત્યિક વ્યક્તિઓનાં આ ચિત્રોમાં લેખકની આત્મસંપર્કની છાયા ઓછીઝાઝી પ્રવેશેલી છે. કેટલાંક ચિત્રો ઝાંખા છે; કેટલાંક અર્ધસ્પષ્ટ રેખાવાળાં છે; તો કેટલાંક સ્પષ્ટરેખ છે. ભોળાનાથ સારાભાઈ, મહીપતરામ રૂપરામ, નવલરામ, નંદશંકર, મનઃસુખરામ સૂર્યરામ, કાન્ત, મણિલાલ દ્વિવેદી, હરિ હર્ષદ ધ્રુવ, ગોવર્ધનરામ ત્રિપાઠી, નારાયણ હેમચન્દ્ર- જેવાનાં ચિત્રોની પડછે ૧૯મી સદીના સાહિત્યિક-સાંસ્કૃતિક જીવનના અણસાર સાંપડે છે. આ પ્રકારનું સ્મૃતિચિત્રો આપતું ગુજરાતી સાહિત્યનું આ પહેલું પુસ્તક છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સ્મરણસંહિતા (૧૯૧૫) : પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાતનિમિત્તે અવતરેલી નરસિંહરાવ દિવેટિયાની કરુણપ્રશસ્તિ. ત્રણ ખંડમાં વિસ્તરેલી આ પ્રશસ્તિ નિકટના લોહીના સંબંધની સાચી લાગણીમાંથી સંયત અને સુભવગ, કલાત્મક આકાર ધારણ કરી શકી છે. સાદી અને અસરકારક ભાષામાં થયેલું કરુણ, શાંત તેમ જ ભક્તિરસનું નિરૂપણ; ખંડ હરિગીતનો પ્રમુખ અને પ્રશસ્ત પ્રયોગ; પ્રકૃતિનું યથોચિત આલેખન; તત્વચિંતનની આર્દ્ર સામગ્રી; અનુલક્ષણ માટે લીધેલો શૃગાલશા ને એની પત્ની સન્ધયાવતીની પરિચિત કથામાંનો સારભાગ-આ બધું કૃતિને કેવળ શોકોદગાર બનતી અટકાવે છે અને રુદનને પ્રશ્ચાદભૂમાં મૂકે છે. આથી કાવ્યને એક પ્રકારની સુશ્લિષ્ટતા મળી છે. ટેનિસનના ‘ઇન મૅમોરિયમ’ કાવ્યના મૉડેલને અનુસરતું હોવા છતાં ગુજરાતી ભાષાનું આ શ્રેષ્ઠ શોકકાવ્ય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી