સાહિત્યસર્જક: રઘુવીર ચૌધરી
સવિશેષ પરિચય:
ફોટો : રઘુવીર ચૌધરી-ધીરેન્દ્ર મહેતા અમૃતા (૧૯૬૫) : રઘુવીર ચૌધરીની પાત્રપ્રધાન કીર્તિદા નવલકથા. ત્રણ સર્ગો અને અઢાર પ્રકરણોમાં વિસ્તરેલી આ કથામાં ત્રણ પાત્રો છેઃ ઉદયન, અમૃતા અને અનિકેત. તેમને વિભિન્ન પરિસ્થિતિમાં મૂકીને તેમની અરસપરસ ક્રિયા-પ્રતિક્રિયા કે ભાવ-પ્રતિભાવ રૂપે જ કૃતિ વિકસે છે. ત્રણે પાત્રો ઉચ્ચકોટિની બુદ્ધિમત્તા ધરાવે છે, પરંતુ એમનાં દ્રષ્ટિબિન્દુ ભિન્ન છે; એટલું જ નહીં, જીવન પ્રત્યેના વિશિષ્ટ અભિગ્રહો પણ છે, જે તેમની વચ્ચે સૂક્ષ્મ સંઘર્ષ પ્રેરી તેમના સંબંધોમાં સંકુલતા લાવે છે. અમૃતાની વરણી એનું નિમિત્ત બને છે. પરંતુ એ ત્રણેય પાત્રો સ્વાભિમાન, સ્વતંત્ર વ્યક્તિત્વ અને આત્મનિર્ણયનો પુરસ્કાર કરનારાં હોઈ આ સંઘર્ષ સ્થૂળ થવાને બદલે સૂક્ષ્મ થતો ગયો છે. એ રીતે ચરિત્રોમાં આવતા મનોગત વળાંકો અને તેમનો વિકાસ કથાને રસપ્રદ બનાવે છે. કથાના આરંભે તેમના વાર્તાલાપોમાં વ્યક્ત થયેલાં તેમનાં દ્રષ્ટિબિન્દુ ઉત્તરોત્તર સંવેદનનું રૂપ પામતાં ગયા છે અને એમાં તીવ્રતા સધાતી ગઈ છે. અંતે સધાતા દ્રષ્ટિબિન્દુઓના સંવાદમાં લેખકની જીવનદ્રષ્ટિનો સંકેત જોઈ શકાય; પરંતુ પ્રભાવ પડે છે, જિદગીને પૂરી નિષ્ઠાથી જીવી ગયેલા ઉદયનના મૃત્યુથી સરજાતા અવકાશનો. ચેતનાપ્રવાહ, સ્મૃતિ, સ્વપ્ન, પુરાકલ્પન જેવી પ્રયુક્તિઓ અને સુબદ્ધ ગદ્ય, તેમ જ સ્થળકાળનાં પ્રમાણભૂત નિરુપણો લેખકની સજ્જતાનો પરિચય આપે છે. -ધીરેન્દ્ર મહેતા ઉપરવાસ-સહવાસ-અંતરવાસ (૧૯૭૫) : ત્રણ ભાગમાં વિસ્તરતી પોતાની આ બૃહદ્ કથાને રઘુવીર ચૌધરીએ ‘વતનની આત્મકથા’ તરીકે ઓળખાવી છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના ગાળામાં જે રીતે નવાં રાજ્કીય, સામાજિક અને આર્થિક પરિબળો આપણે ત્યાં ગતિશીલ થયાં અને તેના પરિણામે વતનના લોકજીવનમાં જે બાહ્ય અને આંતરિક પરિવર્તન આરંભાયું તેની આ દસ્તાવેજી કથા છે. ૧૯૪૭ થી ૧૯૭૨ સુધીનો સમયગાળો લઈ તેમાં ચૂંટણીઓનું રાજકારણ, મહાગુજરાતની ચળવળ અને ગુજરાત રાજ્યની સ્થાપના, સેવાદળ, સરકારી પ્રવૃત્તિ જેવી અનેક ઘટનાઓ લેખકે અહીં રજૂ કરી છે; પણ એક સર્જક લેખે રઘુવીરનો મુખ્ય રસ તો, આ બધાં નવીન પરિબળોએ માનવચારિત્ર્ય પર તેમ જ માનવી-માનવી વચ્ચેના વ્યવહારો અને સંબંધો પર જે રીતની અસરો પાડી છે તેનું સચ્ચાઈભર્યું આલેખન કરવામાં છે. પિયુ ભગત, કરસન મુખી, મગા મનોર, દોલીચા વગેરેની આથમતી પેઢી; નરસંગ, ભીમો, લાલો, જેઠો, કંકુ, વાલી વગેરેની વચલી પેઢી; અને દેવુ, લવજી, હેતી, રમણ, જેમિની વગેરેની તરુણ પેઢી –એમ ત્રણ પેઢીની કથા એમણે સહેતુક રજૂ કરી છે. નરસંગ, દેવુ, રમણ અને લવજી જેવાં અગ્રણી પાત્રોનાં મનોમંથનોમાં કે તેમની મથામણોમાં વિઘટિત થતા સમાજજીવનનું માર્મિક ચિત્ર જોવા મળે છે. વળી, જૂની માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓને લઈને જીવન ગુજારતાં જૂની પેઢીનાં પાત્રો સામે નવા વિચારો, નવી લાગણીઓ અને નવી સભાનતા ધરાવતાં તરુણપાત્રો આ કથામાં આગવો પરિપ્રેક્ષ્ય રચી આપે છે. સર્જક પાસે વતનના લોકજીવનનો વિશાળ અનુભવ હોવાથી ભિન્ન-ભિન્ન પ્રકૃતિવાળાં પાત્રોનું ભાતીગળ વિશ્વ એ ઊભું કરી શકયા છે; અલબત્ત કેવળ દસ્તાવેજી દ્રષ્ટિએ સ્થાન પામેલી અનેક વિગતો જિવાતા જીવનને અહીં સપાટીએ જ સ્પર્શે છે, તેમ જ કથામાં સ્થાન પામેલાં મુખ્ય-ગૌણ સર્વ વૃત્તાંતોનું સંકલન પણ શિથિલ રહી જવા પામ્યું છે, એ તેની ચોક્કસ મર્યાદાઓ છે. અલબત્ત, સમયના પ્રભાવને સભાનપણે ઝીલવા મથતી આ સમાજકથા એકંદરે પ્રભાવક છે. -પ્રમોદકુમાર પટેલ તમસા (૧૯૬૭; સંવ.આ.૧૯૭૨) : આછંદસ, સંસ્કૃત વૃત્તો, માત્રામેળ છંદો, દીર્ધકાવ્યો, મુક્તકો, ગીત, ગઝલ, એવું સ્વરૂપ વૈવિધ્ય ધરાવતો રઘુવીર ચૌધરીનો કાવ્યસંગ્રહ. વેદના આ કાવ્યોનો મુખ્ય ભાવ છે. એ વેદના કેન્દ્ર ગુમાવી બેઠેલા મનુષ્ય માટેની, તરડાતા જતા માનવ-સંબંધો માટેની છે; તેમ નગરજીવનના વિકાસની સાથેસાથ થતા સાંસ્કૃતિક વિચ્છેદને કારણે પણ છે. ‘મને કેમ ના વાર્યો ?’ ‘ઇતિહાસ’, ‘ચીલો’ આદિ આનાં દ્રષ્ટાંતો છે. આ વેદના કવિમાં હતાશાને બદલે શ્રદ્ધા અને સાહસ પ્રેરે છે, તો ક્યારેક એ કટાક્ષરૂપે પણ વ્યક્ત થાય છે. અનેક જગ્યાએ સંવેદન ચિંતનમાં રૂપાંતરિત થઈ પુનઃ સંવેદનરૂપે પમાય છે. પુરાકલ્પનો અને ઐતિહાસિક સંદર્ભો પણ એમાં મદદે આવે છે. સુગ્રથિત કલ્પનોનું સંયોજન તથા પ્રશિષ્ટ અને અભિજાત સંસ્કારોથી યુક્ત પદાવલિ પણ એનો વિશેષ છે. -ધીરેન્દ્ર મહેતા ડીમલાઈટ (૧૯૭૩) : રઘુવીર ચૌધરીનો એકાંકીસંગ્રહ. એમાંનાં પાંચ એકાંકીઓમાં બોલચાલની ભાષાની નજીક જવાનો પુરુષાર્થ, તત્કાલીન સામાજિક વાસ્તવને ઉપસાવવાની મથામણ અને સંવાદોને જીવંત રીતે સાંકળી લેતું કટાક્ષનું ઘટનબળ આગળ તરી આવે એવાં છે. ‘ડીમલાઈટ’ અને ‘ઢોલ’ એકાંકીઓ વિશેષ નોંધપાત્ર છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સહરાની ભવ્યતા (૧૯૮૦) : રઘુવીર ચૌધરીએ કરેલાં રેખાચિત્રોનો સંગ્રહ. મૂળે ‘ગ્રંથ’ માં ‘તસ્વીર’ શ્રેણી હેઠળ ઉમાશંકર જોશી અને જયંતી દલાલ વિશે લખેલું. ત્યાર પછી પ્રસંગોપાત્ત અને ચાહીને જે વ્યક્તિચિત્રો થયાં તે સર્વને અહીં એકસૂત્રે બાંધનારું કોઈ તત્ત્વ હોય તો તે લેખકની સર્જકવ્યક્તિત્વોને ઝીલવાની વિલક્ષણ દ્રષ્ટિ છે. અંગતતાની સાથે ભળેલો લેખકનો વ્યંગ કે નર્મનો કાકુ કલાકારોની દુનિયામાં ડોકિયું કરાવી એની નકારાત્મક સમૃદ્ધિને અને જગતના ઉધારપાસાના સંવેદનને સરસ ઉઠાવ આપે છે. પન્નાલાલ, સુરેશ જોશી, નિરંજન ભગત, રાવજી, સુન્દરમ્, પ્રિયકાન્ત વગેરેનાં ચિત્રો મર્મીલાં છે.-ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી