સાહિત્યસર્જક: રમણલાલ જોશી
સવિશેષ પરિચય:
ફોટો: રમણલાલ જોશી-બળવંત જાની ગોવર્ધનરામ-એક અધ્યયન (૧૯૬૩) : રમણલાલ જોશીનો મહાનિબંધ. એ પાંચ ખંડોમાં વહેંચાયેલો છે. એમાં ગોવર્ધનરામના જીવનનાં સમગ્ર પાસાં આવરી લેવાયાં છે. ખંડ ૧ ‘પ્રાક કથન’માં ગોવર્ધનરામના જન્મસમયની સાંસ્કૃતિક-ઐતિહાસિક પૃષ્ઠભૂમિનું નિરૂપણ થયું છે. ખંડ ૨ ‘સ્નેહજીવન’ બે પ્રકરણોમાં આલેખાયેલો છે અને એમાં ગોવર્ધનરામની ૧૮૫૫ થી ૧૮૮૩ સુધીની જીવનકથાનું વિગતે નિરૂપણ કરીને, એમની ‘વિધિકુણ્ઠિતમ્’, ‘હૃદયરુદિતશતકમ્’ અને ‘સ્નેહમુદ્રા’ જેવી સંસ્કૃત અને ગુજરાતી કૃતિઓની સર્જક-જીવનકથાના સંદર્ભમાં તપાસ કરવામાં આવી છે. ‘સાક્ષરજીવન’ નામના ત્રીજા અને ચોથા ખંડોમાં જીવનકથાનો બીજો અને ત્રીજો ભાગ રજૂ થયો છે અને ‘સરસ્વતીચંદ્ર’ જેવી મહત્વની કૃતિ અંગે વિસ્તારથી વાત થઈ છે. તદુપરાંત ‘સાક્ષરજીવન’ આદિ સુદીર્ઘ રચનાઓ, લેખો, વ્યાખ્યાન-નિબંધો વગેરે પ્રકીર્ણ કૃતિઓનું અવલોકનાત્મક નિરૂપણ છે. છેલ્લા, પાંચમા ખંડ ‘અધ્યાત્મજીવન’માં ગોવર્ધનરામના આધ્યાત્મિક ચિંતનનું એમના કૃતિગત તેમ જ જીવનગત સંદર્ભોને આધારે નિરૂપણ થયું છે. પુસ્તકનું મહત્વનું પ્રદાન એ છે કે ગોવર્ધનરામનાં અંગ્રેજી લખાણોનો અહીં પ્રવાહી શૈલીમાં સારગ્રાહી પરિચય કરાવ્યો છે. ગોવર્ધનરામ વિશેનાં પૂર્વે લખાયેલાં લખાણોમાં રહેલા વિગતદોષોની પણ અનેક સ્થળે શુદ્ધિ થઈ છે. ગોવર્ધનરામની ઇતિહાસ દ્રષ્ટિ, એમનો કલા તેમ જ જીવન પ્રત્યેનો અભિગમ, એમની તત્વવિચારણા વગેરેનું સર્વાંગી નિરૂપણ કરતો આ ગ્રંથ તદ્રિધ સાહિત્યમાં મહત્વનું પ્રદાન છે. -હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી