સાહિત્યસર્જક: રાવજી પટેલ
સવિશેષ પરિચય:રાવજી પટેલપટેલ રાવજી છોટાલાલ (૧૫-૧૧-૧૯૩૯, ૧૦-૮-૧૯૬૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર. જન્મ ખેડા જિલ્લાના વલ્લવપુરામાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં. અમદાવાદની નવચેતન હાઈસ્કૂલમાંથી એસ.એસ.સી. આર્ટસ કૉલેજમાં બે વર્ષ સુધીનો અભ્યાસ. અમદાવાદની કાપડ મિલમાં, ગૂજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં, ‘કુમાર’ કાર્યાલયમાં-એમ વિવિધ સ્થળે નોકરી. થોડો સમય ‘સંદેશ’ અને ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન. મૃત્યુ પહેલાંના સાત-આઠ મહિના અમરગઢના ક્ષયચિકિત્સાલયમાં. અમદાવાદમાં અવસાન. ગ્રામીણ કૃષિચેતના અને આધુનિક ચેતનાના સંયોજનથી મનોહર ભાષારૂપો અવતારતી આ કવિની રચનાઓમાં અંગત વેદના અને મૃત્યુની અનુભૂતિઓ ઈન્દ્રિયવ્યત્યયોની તેમ જ પ્રતીકોની રમણીય સંદિગ્ધતાઓ રચે છે. ભાવતર્ક અને શબ્દસાહચર્યનાં અવલંબનો પર ઘૂંટાતા લયની તરેહો એનું મુખ્ય આકર્ષણ છે. ઊર્મિકાવ્યો અને ગીતકાવ્યોથી માંડી દીર્ઘકાવ્યો પર્યંત બુદ્ધિ કરતાં લાગણીનું ને આયાસ કરતાં સહજાનુભૂતિનું રંગદર્શી વર્ચસ નોખું તરી આવે છે. ક્યાંક કટાક્ષનો ભળતો સૂર પણ આસ્વાદ્ય છે. મૃત્યુ અને જિજીવિષાની ધરીઓએ આ કવિની સર્જકતાને વેગ આપ્યો છે. એમના મરણોત્તર કાવ્યસંગ્રહ ‘અંગત’ (૧૯૭૦)માં ‘આભાસી મૃત્યુનું ગીત’, ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, ‘સંબંધ’ જેવી કેટલીક યશસ્વી રચનાઓનો સમાવેશ છે. ‘અશ્રુઘર’ (૧૯૬૬) એમની નવલકથા છે. ક્ષયગ્રસ્ત નાયકના રોગમૃત્યુની કરુણકથાનો, આમ તો સામાન્ય ગણી શકાય એવો વિષય કલ્પનસંવેગથી ભરીને ભાષાની કવિત્વપૂર્ણ અભિવ્યક્તિથી નિરૂપણમાં એકદમ વિશિષ્ટ બન્યો છે. એમની ‘ઝંઝા’ (૧૯૬૭) નવલકથા પૂર્વાર્ધના વિકાસ પછી ઉતરાર્ધમાં કથળતી જતી રીતિગતિનો અનુભવ કરાવે છે. છતાં ડાયરી, નવલ રચાતી હોય એવો રચનાપ્રપંચ અને કાવ્યાત્મક ગદ્ય-એ સર્વ, નાયક પૃથ્વી જે રીતે અભિવ્યક્ત થવા માગે છે તેમાં રાક્ષમ નીવડ્યાં છે. ‘વૃત્તિ અને વાર્તા’ (૧૯૭૭) રઘુવીર ચૌધરીના ટૂંકા આમુખ સાથેનું એમનું મરણોત્તર પ્રકાશન છે. એમાં આઠમા પ્રકરણે અધૂરી રહેલી નવલકથા ‘વૃત્તિ’ અને અગિયાર ટૂંકીવાર્તાઓનો સમાવેશ થયો છે. ‘વૃત્તિ’માં જાનપદી અને નગરજીવનની ભૂમિકાની પડછે ઊપસેલું ભાષાકર્મ આસ્વાદ્ય છે; તો એમની વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. ‘કીડી કેમેરા અને નાયક’ જેવી પ્રયોગશીલ વાર્તા કે ‘છબિલકાકાનો બીજો પગ’ જેવી પ્રભાવક વાર્તા નોંધપાત્ર છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અંગત (૧૯૭૧) : રાવજી પટેલનો છાંદસ, અછાંદસ, ગીત, ગઝલ અને દીર્ઘ રચનાઓને સમાવતો મરણોત્તર કાવ્યસંગ્રહ. ઉત્તમ અને લોકપ્રિય તત્વોના સંમિશ્રણમાંથી જન્મેલું રાવજીની કવિતાનું ક્લેવર ‘દગ્ધ ઋષિકવિ’નું છે. અહીં નગરમાં આવી પડવાથી છિનવાઈ ગયેલા ગ્રામીણ અસબાબની ઝંખા છે. ક્ષયની શય્યાગ્રસ્ત રુગ્ણતા અને નિષ્ક્રયતા સાથે બહારના જગતના થયેલા વિયોગની વેદના છે તેમ જ મૃત્યુનું વૈયક્તિતક વેદન છે. રાવજીની કવિતામાં શબ્દબળ સાથે રહેલું ઈન્દ્રિયબળ પણ નોંધપાત્ર છે. અહીં પરંપરાનું જમા પાસું છે, તો શબ્દના અર્થને પરંપરાની તર્કસીમામાંથી છોડાવવાની જહેમત પણ છે. મૃત્યુનો હળવો ઉપહાસ રચતી ‘સ્વ. હુંશીલાલની યાદમાં’, ભિન્ન ભિન્ન મિજાજમુદ્રાઓ અને બદલાતાં વાસ્તવ પરિમાણો બતાવતી ‘સંબંધ’ અને આરંભથી અંત સુધી ઈન્દ્રિયગત ચમત્કૃતિઓની હારમાળા સર્જતી ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ મહત્વની રચનાઓ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા અશ્રુધર (૧૯૬૬) : રાવજી પટેલની પહેલી નવલકથા. ક્ષયથી પીડાતા કથાનાયક સત્યનું પાત્ર કથાના કેન્દ્રમાં છે. સૅનેટોરિયામથી વતન ભણી અને ફરીને વતનથી સૅનેટોરિયમ ભણીની નાયકની યાત્રા વચ્ચે આપ્તજનની હૂંફ જેવું પાત્ર છે નાયિકા લલિતાનું. પરંતુ લલિતાની પ્રથમ પ્રાપ્તિથી માંડી લલિતાની અંતિમ પ્રાપ્તિ વચ્ચે વેદનાની જે ગતિવિધિ નવલકથાકારે ઉપસાવી છે, ભાવવળાંકો અને ભાવસંક્રમણો જે રીતે નિરૂપ્યાં છે, અભિવ્યક્તિની જે તાજગી અને ભાષાની જે કાવ્યાત્મકતા ઉપસાવી છે તે આ નવલકથાને આકર્ષક ઠેરવે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ઝંઝા (૧૯૬૬) : રાવજી પટેલની નવલકથા. ક્યાંક બેએક પત્રનો આશ્રય લેવાયો છે, એ સિવાય મુખ્યત્વે મુખ્યપાત્ર પૃથ્વીની ડાયરીરૂપે આ કથા રજૂ થઈ છે. આ કથામાં નાયકનું અસ્તિત્વ સંબંધોનાં સંવેદનો વચ્ચે ઉપસાવવાનો પ્રયત્ન છે. સંબંધોને જ લક્ષમાં રાખી નાયકનો શરૂનો ગૃહત્યાગ અને અંતનો ગૃહપ્રવેશ મૂલવી શકાય. પૂર્વાર્ધ સુધી વિકસતી રહેલી આ નવલકથાનું ઈન્દ્રિયસંવેદ્ય ગદ્ય એનું બળુકું અંગ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી