પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

જૂન ૨૦૦૮

  • તા.૨૩-૪-૨૦૦૮ના રોજ પરિષદના ઉપક્રમે કૉપીરાઈટ દિન તેમજ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે, નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાતી પ્રકાશક મંડળના પ્રમુખશ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ 'લેખક-પ્રકાશક વચ્ચે કૉપીરાઈટ' વિશે વ્યાખ્યાન આપ્યું હતું.. સ્થાનિક પ્રકાશકોની હાજરી નોંધપાત્ર રહી અને વક્તવ્ય પછી લેખક-પ્રકાશક સંબંધ વિશેના રજૂ થયેલા મુદ્દાઓ વિશે સારી ચર્ચા થઈ, કેટલીક સ્પષ્ટતા થઈ. શ્રી રઘુવીર ચૌધરીએ સમાપન કર્યું. શ્રી ભારતી દવી પરિચય આપ્યો હતો.
  • તા.૨૬-૪-૨૦૦૮: પ્રમુખશ્રી નારાયણભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં દલિત સાહિત્યના તેમજ મુસ્લિમ, પારસી અને આદિવાસી સાહિત્યના સર્જકો સાથે મિલન ગોઠવાયું હતું. અગાઉ થયેલાં સૂચનોની વાત થયા પછી વિચારણા-ચર્ચા દરમ્યાન અન્ય ભલામણો થઈ. અંતે જે સૂચનો તાત્કાલિક કાર્યાન્વિત કરી શકાય તેને પ્રાથમિકતા આપી કાર્ય આગળ ચલાવવું એમ નક્કી થયું અને એ દિશામાં બેત્રણ પ્રસ્તાવ પણ કરાયા.
  • તા.૨૭-૪-૨૦૦૮: પ્રમુખની ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ સબળ બનાવવા અંગેની સમિતિના સભ્યોનું મિલન થયું. બધાં જ આ વિશે ચિંતિત હતા અને માર્ગ કાઢવા ઘણા પ્રકારનાં જુદાં જુદાં સૂચનો થયાં. વધારે મહત્ત્વાકાંક્ષી સૂચનોને હમણાં રહેવા દઈ, તત્કાળ જે કાર્ય હાથ પર લઈ શકાય તે લેવું એમ પ્રમુખશ્રીએ ભારપૂર્વક જણાવ્યું. એ માટે નાની સમિતિની રચના થઈ.
  • સદગત વ્રજલાલ દવે વ્યાખ્યાનમાળાનું શિક્ષણ વિષયક વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી સુદર્શન આયંગરે તા.૨૯-૪-૦૮ના રોજ સાંજે પરિષદ ભવનમાં આપ્યું, આધુનિક સમયના તંત્ર-યંત્ર આદારિત શિક્ષણની - વહીવટની - ઊણપો દર્શાવી, એ પૂરવા જીવનલક્ષી - ઉદ્યોગલક્ષી શિક્ષણને અનિવાર્ય બનાવવું જોઈએ એવું મંતવ્ય પ્રકટ કર્યું. શિક્ષણના સરકારીકરણને લીધે ઊભી થતી મર્યાદાઓ પણ ચીંધી બતાવી. શ્રી રતિલાલ બોરીસાગરે વક્તાનો પરિચય આપ્યો અને ઉપપ્રમુખશ્રી હરિકૃષ્ણ પાઠકે સમાપન કર્યું.
  • કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તીની ઉજવણીના ભાગ રૂપે તા.૩૦-૪-૨૦૦૮ના રોજ કવિશ્રી નિરંજન ભગતે તેમના નવા પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ 'પુનશ્ચ'માંથી કેટલાંક કાવ્યોનું પઠન કર્યું. તેની ભૂમિકા સમજાવી. પરિષદભવનના કવિલોક ટ્રસ્ટના ખંડમાં કાર્યક્રમ યોજાયો હતો.
  • તા.૧-૫-૨૦૦૮: રાષ્ટ્રીય આદિવાસી ભાષાસાહિત્ય સંમેલન પરિષદ પ્રમુખશ્રી નારાયણ દેસાઈની અધ્યક્ષતામાં દાંડી મુકામે યોજાયું હતું. શ્રી ગણેશ દેવી તેમજ અન્ય વક્તાઓએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યાં. આદિવાસી સાહિત્યના અભ્યાસીઓએ પોતાનાં સંશોધનોની, મૌખિક પરંપરાની વાતો કરી. પરિષદના અન્ય હોદ્દેદારો તેમજ આદિવાસી અકાદમી અને ભાષાસંશોધન કેન્દ્રના સભ્યોએ સાથે બેસીને પરિષદના સહયોગમાં કેવા કારુઅક્રમો યોજી શકાય તેની વિચારણા કરી.
  • તા.૭-૫-૨૦૦૮ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી નિરંજન ભગતે રવીન્દ્રનાથ ટાગોરના અંતિમ ગીત 'હે નૂતન' વિશે વક્તવ્ય આપ્યું. તે પછી અંગ્રેજીમાં અનુવાદિત ગીતનું ગાન લગભગ રવીન્દ્ર સંગીતના સૂરોમાં કેસેટ દ્વારા સંભળાવવામાં આવ્યું.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.