આપનો સહકાર

સહકાર

સહકાર આપવાના આપના વિચાર માટે ધન્યવાદ.

દાન અને સહકાર આપવા વિશે

ગુજરાતી સાહિત્ય પરિષદને તેના સ્થાપનાકાળથી આજપર્યન્ત વ્યાપક સહકાર મળતો રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકારે પરિષદને તેના ગોવર્ધનભવન માટે વિનામૂલ્યે જમીન આપી છે, એટલું જ નહીં, પણ પરિષદની વિવિધ પ્રવૃત્તિઓ સ્વનિર્ભર કરવા માતબર દાન પણ આપેલું છે. આમ છતાં પરિષદની થાપણોના ઘટેલા વ્યાજદર અને પ્રવૃત્તિઓના સતત વધતા વ્યાપને કારણે પરિષદનું અનામત ભંડોળ વધારવું અનિવાર્ય બન્યું છે. પરિષદને આપેલું કોઈ પણ દાન ૮૦-જી હેઠળ આવકવેરામુક્તિને પાત્ર છે. પરિષદ તરફથી લેખકો-ગ્રંથકારોને ઉત્તેજન મળે, ગુજરાતી સાહિત્યની અભિવૃધ્ધિ થાય અને ઉચ્ચ કોટિનું સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થાય - એ હેતુથી વ્યાપક પ્રજાકીય દાન દ્વારા વિવિધ વિષયો અને સાહિત્યસ્વરૂપલક્ષી ૩૬ પારિતોષિકો, પરિષદના દર બે વર્ષે યોજાતા જ્ઞાનસત્રમાં અપાય છે તથા શ્રેષ્ઠ સાહિત્યના સર્જક અને કર્મશીલ સારસ્વતને પ્રતિવર્ષ સ્વામી સચ્ચિદાનંદ સન્માન અપાય છે. પરિષદને પ્રકાશન પ્રવૃત્તિ માટે દાન મળેલાં છે. તેમાંથી વિવિધ પ્રકાશનશ્રેણીઓમાં પુસ્તકો પ્રકાશિત થાય છે. ગુજરાતી સાહિત્યના કેટલાક પ્રશિષ્ટ પણ હાલ અપ્રાપ્ય દ્રંથો પણ પરિષદે પુનર્મુદ્રિત કરીને પ્રજાને સુલભ કરી આપ્યા છે. વળી, તે નવોદિત અને સન્માન્ય સર્જકોની કૃતિઓ પ્રગટ કરે છે. રાજ્ય સરકારની આર્થિક સહાયથી ગુજરાતી સાહિત્ય પરિષદે ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ અભ્યાસી વિદ્વાનોના સહયોગથી પ્રકાશિત કર્યો છે. આ કાર્યમાં ચિમનલાલ ત્રિવેદીની સેવાઓ ખાસ ઉલ્લેખનીય છે. પ્રા.જયંત કોઠારી અને ડૉ.ચંદ્રકાન્ત શેઠના નેજા નીચે આરંભાયેલો અને ત્રણ ખંડોમાં વિભાજિત થયેલો ‘ગુજરાતી સાહિત્યકોશ’ ચંદ્રકાન્ત ટોપીવાળાના સંપાદનમાં પૂરો થયો છે. પરિષદને નરસિંહ મહેતા, ઝવેરચંદ મેઘાણી, હેમચંદ્રાચાર્ય, કનૈયાલાલ મુનશી, ભોગીલાલ સાંડેસરા, ઉમાશંકર જોશી -નાં નામે સ્વાધ્યાયપીઠોનાં દાન મળ્યાં છે. આ સ્વાધ્યાયપીઠો અંતર્ગત સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી પરિષદને મેઘાણી જ્ઞાનપીઠ અને મેઘાણી પ્રાંગણને અનુલક્ષીને રૂ.૫૧,૦૦,૦૦૦.૦૦ માતબર દાન મળેલ છે. જેમાં મેઘાણીનાં સર્જનવિવેચન તેમજ લોકસાહિત્યના સંશોધન-સંપાદનને લગતી વિશિષ્ટ પ્રવૃત્તિઓ થાય છે. પરિષદના પરિસરમાં નદી કિનારે, ખુલ્લો રંગમંચ ધરાવતું વિશાળ મેઘાણી પ્રાંગણ છે. જેમાં લોકસાહિત્ય, સુગમસંગીત, નાટક, ફિલ્મ અને પુસ્તકમેળાના કાર્યક્રમો યોજાય છે. ગુજરાતી ભાષાસાહિત્યના વિવિધ વિષયો પર અધિકૃત વિદ્વાનોનાં વ્યાખ્યાનો યોજવા માટે પરિષદને સર્જક-પરિવારો તેમજ પ્રજા દ્વારા દાન મળ્યાં છે. તેમાંથી પરિષદ દર વર્ષે તેર વ્યાખ્યાનો સમગ્ર ગુજરાતમાં યોજે છે. આ ઉપરાંત ગુજરાતી ભાષામાં સ્નાતક કક્ષાએ પ્રથમ સ્થાન મેળવનારાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને પરિષદ પુરસ્કાર આપે છે. પરિષદના ગોવર્ધનભવનમાં ૩૨૫ બેઠકો ધરાવતું રા.વિ.સભાગૃહ છે. શહેરની સાહિત્યિક - કલા સંસ્થાઓ દ્વારા તેનો ઉપયોગ થાય છે. શ્રી.એન.એમ.ત્રિપાઠીના સદ.ધ્રુમનભાઈ ત્રિવેદીના પ્રયત્નોથી પરિષદે ગોવર્ધનભવનના ભોંયતળિયે ‘ગોવર્ધનસ્મૃતિમંદિર’ બાંધીને તેમાં ગોવર્ધનરામની આરસની પ્રતિમા મૂકેલી છે. પરિષદના આ સઘળા પરિસંવાદખંડો વિદ્વાનોના વક્તવ્યોથી અને સંસ્થાઓના પરિસંવાદોથી ધમધમતા રહે છે. પૂર્વે ‘કુમાર’ કાર્યાલયમાં બચુભાઈ રાવતની નિશ્રામાં ‘કવિઓની બુધસભા’ યોજાતી હતી. ઈ.સ.૧૯૮૦ની સાલમાં બચુભાઈએ એ બુધસભા પરિષદને સોંપી હતી. જે ધીરુ પરીખની ઉપસ્થિતિમાં નિયમિત યોજાય છે. વળી, પાક્ષિકીની શનિવારીય બેઠકોમાં વિવિધ સાહિત્યસ્વરૂપોની સર્જાતી કૃતિઓનાં પઠન-સમીક્ષા થયાં છે. આ પ્રકારના ‘આપણો કવિતા વારસો’ ઉપક્રમમાં નિરંજન ભગત અને લાભશંકર ઠાકર દ્વારા ગુજરાતીના દિવંગત મૂર્ધન્ય કવિઓનાં કાવ્યપઠન તથા આસ્વાદમૂલક વક્તવ્યો યોજાયાં છે. તેમજ ‘આપણો સાહિત્યવારસો’ અંતર્ગત વિદ્યમાન સર્જકો એમની રચનાઓનું પઠન કરે છે, આ પ્રવૃત્તિની શરૂઆત કવિશ્રી રાજેન્દ્ર શાહના કાવ્યપઠનથી થયેલી અને તેના સંયોજક તરીકે કવિશ્રી મનહર મોદીની સેવાઓ મળેલી. દ્રશ્યશ્રાવ્ય પ્રવૃત્તિ અંતર્ગત શ્રી પરેશ નાયકે ત્રણ સર્જકો - શ્રી રાજેન્દ્ર શાહ, ‘દર્શક’ તથા મકરંદ દવેની ફિલ્મો તૈયાર કરી આપી છે અને તે ઉપરાંત કેટલાક કાર્યક્રમોનું આયોજન કરેલું.

ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ તેમ જ સર્જાતા સાહિત્યની કૃતિઓ ભાવકોને સુલભ કરાવી આપવા માટે સાહિત્ય પરિષદે શતાબ્દી પ્રકાશનશ્રેણીનો આરંભ કર્યો છે. આ ઉપરાંત પરિષદ દ્વારા ઈ.સ.૧૯૯૧થી વાર્ષિક ગુજરાતી કવિતાચયનો તથા ઈ.સ.૧૯૯૪-૯૫થી ગુજરાતી નવલિકાચયનો પ્રગટ થાય છે. ગુજરાતી ભાષાનાં નીવડેલાં પુસ્તકો હિંદી, અંગ્રેજી, આદિ અન્ય ભાષાઓમાં પ્રગટ કરવાનો પરિષદનો સંકલ્પ છે. આ સંદર્ભે સદ.એચ.એમ.પટેલના શતાબ્દીવર્ષમાં પરિષદે શ્રી એચ.એમ.પટેલ અનુવાદ અને પ્રકાશન કેન્દ્રની સ્થાપના કરીને તેની કાર્યવાહી આરંભી છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકરો છેલ્લાં વર્ષોમાં ભૂકંપ રાહત અને પુનર્વસનની કામગીરીમાં પણ સંકળાયા હતા. તેની ફલશ્રુતિરૂપે સહાસ્તિત્વની ઝંખના સેવતી રચનાઓનું સંપાદન ‘ભાવભૂમિ’ પ્રગટ થયું છે.

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.