લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

સપ્ટેમ્બર ૨૦૦૮
- નારાયણ દેસાઈ

માત્ર ગુજરાતીનું જ નહીં પણ સર્વ ભારતીય ભાષાઓના સહિયારા હિતનો વિચાર કરવાનો સમય ક્યારનોયે થઈ ચૂક્યો છે. જ્યાં જ્યાં માધ્યમ તરીકે માતૃભાષાનું સ્થાન અંગ્રેજી લઈ રહ્યું છે ત્યાં ત્યાં સંકટ ઊભું થઈ ચૂક્યું છે. એ સંકટ માત્ર ભાષા સામેનું નહીં, એ ભાષાઓ હજાર કે તે કરતાંયે વધારે વર્ષોથી જે ઉત્તમ સંસ્કૃતિનો વારસો ઝીલતી આવી છે તે સંસ્કૃતિ સાથેનું છે. માટે પુરુષાર્થ પણ સહિયારો કરવાનો છે. જોકે આ પુરુષાર્થ સારુ કોઈના સંગાથની વાટે જોવાની જરૂર નથી. આપણે એકને એક બે થઈશું તો બેના બાવીસ પણ થશેજ. કારણ સર્વ ક્ષેત્રોમાં ઓછેવત્તે અંશે ચેતના જાગી ચૂકી છે. એક પછી એક સરિતાનો સંચય થતો જશે. તેમાંથી જ સુરસરિતા અવતરશે.

મારો આશય આંતરભારતી વિષે છે. મહારાષ્ટ્રમાં સાને ગુરુજીએ એ આંદોલનના શ્રીગણેશ કરેલા. એ આંદોલને ગુજરાતને પણ સ્પર્શ કર્યો જ છે. મહારાષ્ટ્રમાં એણે ઠીક ઠીક કાઠું કાઢ્યું હતું અને આજેય એની ધારા વહે છે.

ગુજરાતીને આન્તરભારતી બનાવી આપણે ભારતની વિવિધ ભાષાઓના ઉત્તમ સાહિત્યની શક્તિ આપણી ભાષામાં સમાવીશું. આ પ્રક્રિયા એકમાર્ગી નથી, તેથી આપણે પણ આપણી ભાષાની તાકાત અન્ય ભારતીય ભાષાઓને પૂરી પાડીશું.

આપણા દેશની ઘણીખરી ભાષાઓની એક કમજોરી એ છે કે તેમાં અંગ્રેજી ભાષામાંથી જેટલા અનુવાદો થાય છે એની સરખામણીમાં ભારતીય ભાષાઓમાંથી બહુ ઓછા થાય છે. ગુલામી કાળના એ પ્રસાદ આજે પણ આપણે મમળાવતા રહીએ છીએ. કદાચ ભારતની તમામ ભાષાઓમાંથી ગુજરાતીમાં થતા અનુવાદ કરતાં અંગ્રેજીમાંથી થતા અનુવાદો વધી જતા હશે. અંગ્રેજીમાંથી થતા અનુવાદ અંગે મારી ફરિયાદ નથી. વિશ્વને ખૂણે ખૂણેથી સુવિચાર પ્રવાહોને આપણે જરૂર આવકારીએ. પણ તેમ કરતાં પાડોશીને ભૂલી ન જઈએ. આપણી ભગિની ભાષાઓ પાસે પણ વિશ્વસાહિત્યમાં ગૌરવભેર સ્થાન પામે એવું સાહિત્ય છે. આપણે એનાથી લગભગ પૂરેપૂરા વંચિત રહી જઈએ છીએ, તે કેમ પોષાય?

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - સપ્ટેમ્બર ૨૦૦૮

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.