લેખ
પ્રમુખશ્રીનો પત્ર
પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે
- નારાયણ દેસાઈ, ઑગસ્ટ, ૨૦૦૮
પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે. દુનિયાની આશરે છએક હજાર ભાષાઓમાંથી દર વર્ષે ઓછામાં ઓછી દસ કાળગ્રસ્ત થાય છે. ભાષાશાસ્ત્રીઓ માને છે કે જે ભાષા બોલનારા એક લાખથી ઓછા હોય એ ભૂંસાવાના વર્તુળમાં આવી જાય છે. આજે દુનિયામાં ત્રણેક હજાર બોલીઓ બોલનારા લોકોની સંખ્યા દશ હજાર કરતાં ઓછી છે.
ગુજરાતી બોલનારાઓની વસ્તી જોતાં આપણા પછીની અનેક પેઢીઓને આમ ભૂંસાવાનો ભય તત્કાળ જણાતો નથી. પણ ભાષાને ભૂંસી નાખનાર તત્ત્વોમાં એક મોટું તત્ત્વ શિક્ષણનું માધ્યમ બની શકે છે. યુનેસ્કોના શિક્ષણ વિભાગના ઉપનિયામક ઝૉન ડેનિયલ માને છે કે આખી દુનિયામાં માતૃભાષા સિવાયની અન્ય ભાષા લાદવાનાં મુખ્ય બે કારણો હોય છે: કોઈ એક સમુદાય કે શાસનનો બળજબરીથી કોઈ દેશની ભાષા બદલવાનો પ્રયાસે અથવા ‘આધુનિકતા’ અંગેનો ભ્રમ ભરેલો ખ્યાલ.
શિક્ષણના માધ્યમનો વિષય ત્રણ બાબતો સાથે સંકળાયેલો છે: બાળકોની જ્ઞાન ગ્રહણ કરવાની સમતા, બાળકોનું ચારિત્ર્યઘડતર અને પોતાની સંસ્કૃતિ સાથે બાળકોનો સંબંધ.
દુનિયાના અનેક દેશોના શિક્ષણશાસ્ત્ર સંશોધકો વર્ષોના અભ્યાસ પછી એ નિર્ણય પર આવી ચૂક્યા છે કે માતૃભાષાના માધ્યમે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ શરૂઆતથી છેવટ સુધી માત્ર ભાષામાં જ નહીં, પણ બીજા વિષયોમાં પણ સારી પ્રગતિ દેખાડે છે. નિરક્ષર પ્રૌઢોને પણ સાક્ષર બનાવવામાં માતૃભાષા જ વધુ સરળ, ઝડપી અને કારગત નીવડે છે. માધ્યમનો સંબંધ જેટલો જ્ઞાન સાથે છે એટલો જ, કે એનાથી વધારે, વિદ્યાર્થીની ભાવના સાથે છે. જ્ઞાનવર્ધન અને ભાવનાની ખિલવણીથી એનું ચારિત્ર્ય ઘડાય છે. ઇંગ્લૅંડના ભાષાશાસ્ત્રની ‘સમર ઇન્સ્ટિટ્યૂટ’ના માજી વડા ડચર મ્લિન્ટન રૉબિન્સન પોતાના અનુભવને એમ રજૂ કરે છે કે જે બાળકોને બીજી ભાષા મારફત ભણવું પડે છે, તેમના મન પર બે છાપ પડે છે: જો એમને બૌદ્ધિક સફળતા મેળવવી હોય તો તે, પોતાની ભાષા દ્વારા કદી નહીં મેળવી શકે અને બીજી છાપ એ કે તેમની માતૃભાષા તદ્દન નકામી છે. આ બંને છાપ બાળકના માનસમાં હીનતાનો ભાવ જન્માવે છે.
- વધુ વાંચવા નીચે ક્લીક કરો:
પ્રશ્ન ભાષાના મહત્ત્વનો નહીં, ભાષાના અસ્તિત્વનો છે
આર્કાઈવ્ઝ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.