લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

ગિરાગુર્જરીને વિશ્વગુર્જરી બનાવીએ (ડિસેમ્બર ૨૦૦૭)
- નારાયણ દેસાઈ, ૪૪મું અધિવેશન : ગાંધીનગર તા. ૨૦-૨૧-૨૨ ડિસેમ્બર, ૨૦૦૭

ગુજરાતી સાહિત્યના પ્રેમીજનો,

પોતાનું ભાષણ પહેલેથી લખી આપીને પછી બોલવાનું મને બહુ ગોઠતું નથી. મને શ્રોતાઓની આંખો જોઈને બોલવાનું ગમે છે. હું રહ્યો કથા કરનારો. એટલે એમ વિચારતો હતો કે આ પ્રસંગે પણ કથા જ કેમ ન કહેવાય? પણ પછી વિચાર્યું કે કથા કરવામાં વખત વધારે જોઈએ. એટલે સો વર્ષની પ્રણાલીને તોડવાનો આ પ્રસંગ આવતો હતો તે ન આવ્યો. જોકે લખેલું ભાષણ હું પૂરેપૂરું વાંચવા નથી ધારતો. એમ કરતાં મને મૂળ ભાષણમાં થોડાઘણા ફેરફારો કરવાની છૂટ રહેશે !

ગુજરાતી ભાષાની જેમણે મારાથી ઘણી વધારે સેવા કરી છે, ગુજરાતી સાહિત્યની સેવા એ જ જેનો મુખ્ય સ્વધર્મ છે, એવા અનેક લોકોને મારી સામે બિરાજેલા જોઉં છું ત્યારે પરિષદ-પ્રમુખ તરીકે બોલતાં ખૂબ સંકોચ અનુભવું છું. સાહિત્યપદાર્થની જેમને ઊંડી પરખ છે તેમની આગળ બોલનાર હું તે વળી કઈ વાડીનો મૂળો? વળી મેં આ જવાબદારી સ્વીકારી તેનાથી કેટલાય વડીલ મિત્રોને નવાઈ લાગે છે. કેટલાકે તો મને પૂછ્યું પણ છે કે, ભલા ભાઈ, તેં આ ઉંમરે આ નવી ઉપાધિ કાં વહોરી લીધી? આ મિત્રોને મારે એટલું જ કહેવાનું કે જેને કોઈ મિશન મળ્યું હોય છે, તેને ઉમર નડતી નથી. મેં ગાંધીની વાત, એટલે કે સત્ય-અહિંસાના વિચારનો પ્રસાર કરવાને, મારું મિશન માન્યું છે અને હું આશા રાખું છું કે સાહિત્ય પરિષદ મારફત એ મિશનને મદદ મળશે. તેથી જ હું મિત્રોના આગ્રહને વશ થયો છું. મને લાગે છે કે સાહિત્યમાત્રનો આધાર સત્ય છે. સાહિત્યકાર સત્યને પોતાની દષ્ટિએ જુએ છે, અનુભવે છે અને વ્યક્ત કરે છે. અને સાહિત્યકાર સફળ ત્યારે જ થાય છે જ્યારે એ પાઠક સાથે, ભાવક સાથે, એકાત્મ્ય સાધે છે. સામાની સાથે એકાત્મ્યની અનુભૂતિને જ હું અહિંસા માનું છું. આમ, મને સાહિત્ય મારફત સત્ય-અહિંસાના પ્રસારની પારાવાર શક્યતાઓ લાગે છે.

હા, મારો સંકોચ એની જ્ગ્યાએ કાયમ છે. પરંતુ સાહિત્યક્ષેત્રે મારાથી વધુ અનુભવી એવા ત્રણ ત્રણ મિત્રોએ પરિષદ-સભ્યો તરફથી સૂચવાયેલાં પોતાનાં નામો પાછાં ખેંચી મને પ્રમુખ થવાનો આગ્રહ કર્યો તેમાં માત્ર પ્રેમભર્યો પક્ષપાત જ નહોતો, પણ ગાંધીજી પ્રત્યેનો તેમનો આદરભાવ પણ હતો એમ હું માનું છું. આ મિત્રો જ્યારે મને આગ્રહ કરી રહ્યા હતા ત્યારે મેં તેમને અકબર ઈલાહાબાદીનો એક શેર સંભળાવ્યો હતો:

બુધ્ધુમિંયા ભી આજકલ ગાંધી કે સાથ હૈ :
ગો ગર્દે-રાહ હૈ, લેકિન આંધી કે સાથ હૈ !
તુલસીદાસે એ અવસ્થાને
‘ગગન ચઢહિ રજ પવન પ્રસંગા’ કહીને વર્ણવી છે.

ગાંધીની સત્સંગતિ મળી એમાં મારો કોઈ પુરુષાર્થ નહોતો. મને એ જન્મજાત પ્રાપ્ત થઈ હતી. અરે, મને ક, ખ, ગ, ઘ લખતાંય આવડતું નહોતું ત્યારથી મને ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો હતો.

ગાંધીજી જેલમાં હતા. દર અઠવાડિયે તેઓ આશ્રમવાસીઓને પત્રો લખતા. તેમાં એક પત્ર અમને સૌ બાળકોને ‘વહાલાં પંખીડાં’ એવા સંબોધન સાથે લખતા. કોઈ વાર જો કોઈ બાળકે જરા ધ્યાન ખેંચે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો બાપુ એને નામે સ્વતંત્ર કાગળ પણ લખતા. બાપુનો એવો કાગળ આવે ત્યારે અમારે માટે એ ગૌરવનો વિષય થઈ પડતો. એવો એક કાગળ મને પણ મળેલો. એના બધા શબ્દો તો યાદ નહોતા, પણ પાછળથી મહાદેવભાઈની ડાયરીમાંથી એ મળી આવ્યા.

અમારા પ્રેમાળ સંગીત-ગુરુજી, પંડિત નારાયણ મોરેશ્વર ખરે, અમારા લહિયા બનીને અમારા વતી કાગળ લખી આપતા અને બાપુના જવાબ આવે તે પાઠક બનીને અમને વાંચી સંભળાવતા. મારો કાગળ પણ મેં મારા આ લહિયા મારફત જ લખાવેલો. તે કાંઈક આવો હતો: “બાપુ, આપણા આશ્રમમાં ગીતા ગવાય છે. એમાં અર્જુન એકાદ શ્લોકમાં ટૂંકો ને ટચ સવાલ પૂછે છે, પણ શ્રી ભગવાન એના લાંબા ને લચ જવાબો આપે છે. અહીં અમે તમને લાંબા લાંબા પ્રશ્નો પૂછીએ છીએ, પણ તમે કેમ એના સાવ ટૂંકા જવાબો આપો છો?” પંડિતજીએ કહ્યું હતું કે બાબલાના કાગળનો જવાબ બાપુ જરૂર નોખો લખશે. આગલા અઠવાડિયા સુધી બાબલાએ એની આતુરતાપૂર્વક રાહ પણ જોયેલી. અને ખરેખર બીજે અઠવાડિયે બાપુનો જવાબ આવી પણ પહોંચ્યો. બનતાં સુધી તે પત્ર ચિ.બાબલાને બદલે ‘ચિ.નારાયણ રાવ’ને સંબોધીને હતો:

“કૃષ્ણને પૂછનાર એક જ અર્જુન, એટલે તેને બધા મલાવા કાં ન સૂઝે? ને વળી કૃષ્ણ રહ્યો જ્ઞાની, હું રહ્યો થોડા જ્ઞાનવાળો, ને પૂછનારા અર્જુન કેટલા ? ગણ જોઈએ! બધાય ને થોડું થોડું વહેંચી દઉં તો કેવી રીતે અને કેટલી ગીતા થાય? કેમકે કૃષ્ણને એક જ વાર પૂછાયું, મને તો આટલા અર્જુન દર અઠવાડિયે પૂછે.”

આમ હું તો આપની સમક્ષ આવ્યો છું ગાંધીના અર્જુન તરીકે અથવા એમ કહો કે એમના ખેપિયા તરીકે, કે એમના કોસિયા તરીકે. ગાંધી આપણા સાહિત્યને, આપણી આખી સંસ્કૃતિના સારને કોસિયા સુધી, સામાન્યજન સુધી પહોંચાડવા માગતા હતા. સામાન્યજન સુધી કઈ ભાષા, કયું સાહિત્ય પહોંચે? માત્ર સરળ ભાષા? પ્રૌઢ શિક્ષણ સારુ ભાષાને સરળ બનાવીને તૈયાર કરેલું સાહિત્ય કેમ સામાન્યજન સુધી પહોંચતું નથી? અને કબીર, જ્ઞાનેશ્વર, ત્યાગરાજ અને નરસિંહની ભાષા હંમેશાં અરળ નહોતી, છતાં કેમ સામાન્યજન સુધી પહોંચી? કારણ એમની વાણી માત્ર સરળ ભાષા નહોતી, સરળ હૃદયની ભાષા હતી. ઋજુ હૃદય ઉપર ઝિલાયેલું જ્ઞાન ઋજુ હૃદયના સામાન્યજન સુધી પહોંચે છે. સામાન્યજન સુધી પહોંચવા માત્ર ભાષાને જ નહીં, અંતરને સ્વચ્છ કરવાની જરૂર હોય છે. કોસિયા પાસે પહોંચનાર સાહિત્ય માત્ર કોસના દોરડા સુધી જ પહોંચનાર નહીં, પણ કોસિયાના અંતરને સીંચનાર હોવું જોઈએ.

ઉત્તર-કર્ણાટકના ઊંડાણના એક આશ્રમમાં ધોધમાર વરસાદ વચ્ચે ગાંધીજીની નિશ્રામાં એક ઉત્સવ ઊજવાયો હતો ૧૯૩૭માં. આ ઉત્સવનાં કેન્દ્રવર્તી પાત્રો હતાં મનુબહેન હરિલાલ ગાંધી, નિર્મળા હરિભાઈ દેસાઈ એટલે મારાં ફોઈ, મારા કાકા, પરમાનંદ હરિભાઈ દેસાઈ અને હું. બે બહેનોનાં લગ્ન અને બે બટુકોનાં જનોઈ એક જ છાપરા નીચે ગાંધી સેવા સંઘની મિટિંગ વખતે ગોઠવાયાં હતાં. મારા સ્મરણ મુજબ બંને લગ્નો દીઠ કુલ ખર્ચ છ-છ રૂપિયા થયું હતું અને જનોઈના ખર્ચનો હિસાબ મંડાયો નહતો. પણ આ ખર્ચમાં બે દંપતીઓ અને બે બટુકો એમ છ જણને ગાંધીજીએ આપેલી બબ્બે ચોપડીઓની ભેટની કિંમત નહોતી ગણાઈ. ગાંધીજીનું ગાંધીપણું તો એમાં હતું કે એ બારેબાર પુસ્તકોમાં તેમણે બાર જુદા જુદા સંદેશાઓ લખીને સહી કરી હતી. એમાં મને મળેલાં પુસ્તકો પર એમણે કરેલું લખાણ મને આજે સિત્તેર વરસ પછી પણ યાદ છે – ‘આશ્રમ ભજનાવલિ’ પર તેમણે લખ્યું હતું – આનાં બધાં ભજનો સમજીને, મોઢે કરી લેજે. આમ એક જ વાક્યમાં બધાં ભજનો, સમજીને કંઠસ્થ કરવાનો એ આદેશ તે વખતે મને ખાસ અઘરો લાગ્યો નહોતો. પણ બીજા પુસ્તક – ‘અનાસક્તિયોગ’ પર લખેલ સંદેશ કોઈ સૂત્ર જેવો અર્થગંભીર હતો. તેમાં લખું હતું: “તારે વિષે જે આશાઓ રાખી છે તે પૂરી કરજે.” જીવનના દરેક વળાંક વખતે આ સૂત્રે મને પડકાર્યો છે. આજે એ પડકારને જરા વ્યાપક બનાવીને આપણા સૌની સમક્ષ મૂકી શકું ખરો? આપણા એ પૂર્વ-પ્રમુખ આપણને સૌને એમ કહી ન શકે કે તારે વિષે આશા રાખી છે તે પૂરી કરજે?

આજના સંદર્ભમાં બાપુની એ આશા, આકાંક્ષા, અપેક્ષા શી હશે? એ અપેક્ષાને જરા ગૌરવશાળી શબ્દોમાં રજૂ કરવી હોય તો એમ કહી શકાય કે ગિરગુર્જરીને આપ સૌ મળી વિશ્વગુર્જરી બનાવો. જે ભાષા સામાન્યજનના અંત:સ્તલ સુધી પહોંચી શકે એ જ વિશ્વની ક્ષિતિજો આંબી શકે. ગુજરાતી ભાષાને આપણે વિશ્વની ક્ષિતિજો માપનાર કેમ ન બનાવી શકીએ?

વિશ્વની ક્ષિતિજો માપનાર સાહિત્ય કેવું હોય? એ એવું હોય કે જેની આડે કોઈ વંડી કે વાડ ન આવતી હોય. જે સાહિત્ય જાતિના, સંપ્રદાયના, ધર્મના, રંગના, લિંગના, સ્વાર્થના કે રાષ્ટ્રના ભેદોને ભૂંસી શકે તે ભાષા વિશ્વની ભાષા બને. આપણે શું આ સંમેલનમાં ગુજરાતી ભાષાને વિશ્વગુર્જરી બનાવવાનો સંકલ્પ કરી શકીએ? વિશ્વસાહિત્યકારનું સાહિત્ય વિશ્વના બરનું હોવું જોઈએ અને એને માટેની મુખ્ય શરત એ છે કે સાહિત્યકારનું વ્યક્તિત્વ એ બરનું હોવું જોઈએ. આપણે ત્યાંની ભાષાઓમાં વ્યાસ, વાલ્મીકિ, કબીર, તુલસી, જ્ઞાનેશ્વર, ચૈતન્ય વગેરે એવા વ્યક્તિત્વવાળા થઈ ગયા કે જેમનું વાડ્મય જાગતિક સ્તરનું હતું. સાહિત્યકાર કરતાં એનું સાહિત્ય ઊંચું હોઈ શકે કે નહીં એ વિવાદમાં પડ્યા વિના અને સાહિત્ય અને સાહિત્યકારના ચારિત્ર્યને કશો સંબંધ હોય કે નહીં એ પ્રશ્ન તમારા નિર્ણય પર છોડી હું અહીં મારો એ વિશ્વાસ વ્યક્ત કરવા માગું છું કે આપણે જો ગુજરાતી સાહિત્યને વિશ્વસ્તરનું બનાવવું હશે, અને બનાવવું છે – તો આપણે આપણાં વ્યક્તિત્વ પણ વિશ્વસ્તરનાં કરવં પડશે, આપણા સંકુચિત વાડા તોડવા પડશે. તેમ કરવામાં આપણી અસ્મિતા ઘટવાની નથી; બલ્કે તે વધુ ઊંચી ઊઠશે.

આપણને એકબીજાંથી અલગ રાખનારી વાડો ગમે તેટલી સગવડવાળી હોય, ગમે તેટલી લોભામણી હોય, પણ તે આપણને સીમિત અને સંકુચિત જ રાખે છે. વાડો તોડવાનું કામ આપણને ક્રાંતિકારી લાગી શકે. આ ક્રાંતિ એવી છે કે જેની શરૂઆત આપણી જાતથી જ થાય છે અને આગળ જતાં એ વર્તુળ વધતું જશે. આપણે જાણ્યે-અજાણ્યે આપણી આસપાસ કૂંડાળા બનાવતાં હોઈએ છીએ. એ કૂંડાળું પોતાના અહંકારનું હોઈ શકે, બીજા વિષે દ્વેષ કે ઈર્ષાનું હોઈ શકે, પ્રતિસ્પર્ધાનું હોઈ શકે અને એનાં ક્ષેત્રો ચંદ્રક કે પુરસ્કાર, સમ્માન કે બહુમાન, પદ કે પદાધિકાર, સમિતિઓ કે સવલતો ને સગવડો હોઈ શકે. જે સાહિત્યકાર, કર્મચારી કે હોદ્દેદાર આવાં સંકીર્ણ કૂંડાળામાં ફસાયેલો રહેશે તે ગમે તેટલી નામના સાથે પણ કૂપમંડૂક જ રહેશે. એને પૃથ્વીની ક્ષિતિજ સૂઝશે જ નહીં. ગાંધી આપણને કહી ગયા છે કે સત્યને પ્રેમ સિવાય બીજી કોઈ રીતે પહોંચવું અશક્ય છે. પ્રેમ પૂરેપૂરો ત્યારે જ વ્યક્ત થઈ શકે જ્યારે માણસ પોતાની જાતને શૂન્યવત બનાવી દે. આ પહેલું સોપાન. પરિષદનું પરિસર, (વિનોબાની ભાષા વાપરી કહું તો) ‘પ્રેમક્ષેત્ર’, જ્યાંજ્યાં વસે એક ગુજરાતી ત્યાંત્યાં સુધી વિસ્તરેલું હોવું જોઈએ. સંચારના માધ્યમો જ્યારે આટલાં વિપુલ અને સુલભ બન્યાં છે ત્યારે પરિષદ અમદાવાદની કે વડોદરાની, ગુજરાતની કે મુ6બઈની એવા પ્રશ્ન જ ન ઊઠવાં જોઈએ. આવા પ્રશ્નો ઊઠે છે એનો અર્થ જ એ થાય છે કે આપણું સામૂહિક વ્યક્તિત્વ એટલું ઊણું પડે છે. આપણે સૌએ બાંયો ખોલવી પડશે. કૂંડાળામાં જે જ્યાં ઊભું હોય ત્યાંથી એને તોડવું પડશે અને ગૂંચો ઉકેલવી પડશે.

આદિવાસી સાહિત્ય અને બિનઆદિવાસી સાહિત્ય, દલિત સાહિત્ય કે બિનદલિત સાહિત્ય, મુસ્લિમ સાહિત્ય –બિનમુસ્લિમ સાહિત્ય – આ અને આવાં વિશેષણો જે બધાંનું વિશેષ્ય, ‘સાહિત્ય’ છે, તેને સંકુચિત કરે છે, સીમિત કરે છે. એ તમામ સીમાઓથી મુક્ત થઈ અને તમામનો ઉમળકાભેર સમાવેશ કરી આપણે ગુજરાતી સાહિત્યને સમૃધ્ધ અને સમર્થ બનાવવું છે. વિશ્વસ્તર પર જવા માટેનું આ બીજું સોપાન હશે.

ત્રીજું સોપાન આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે – ખાસ કરીને શાસન પ્રત્યેનું ઓશિયાળાપણું. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન-મરતબા કે પુરસ્કારો આપતું હોય તો એની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવી મૂકી ન શકીએ. શાસનની દેખીતી ભૂલો કે ઈરાદાપૂર્વક શાસને ભરેલાં ખોટાં પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠા રહેવું કે એ પોતાનો વિષય નથી એમ માનીને મૌન જાળવવું એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. ઓશિયાળી વ્યક્તિ પોતે તો પોતાનું સ્વમાન ગુમાવે જ છે પણ જેની તે ઓશિયાળી બને છે તેને પણ નૈતિક રીતે નીચે લાવે છે. બીજાને હીન દેખાડનાર અથવા બીજા પ્રત્યે તુચ્છકારભર્યો વ્યવહાર કરનાર પોતે કદી નૈતિક રીતે ચડિયાતો સિધ્ધ થતો નથી, હેઠે જ પડે છે. એક દાખલો લઈએ. સાહિત્ય, કળા કે સંસ્કૃતિને લગતી સંસ્થાઓમાં તે-તે વિષયના કળાકારો જ ચૂંટાઈને જાય એ સર્વથા ઈષ્ટ છે. આપણે ત્યાં એને સારુ ઉમાશંકર અને દર્શક જેવાઓએ જહેમત પણ ઉઠાવી છે. જો કોઈ પણ શાસન આમ પ્રતિનિધિઓની સંસ્થાને પોતાના નીમેલા પ્રતિનિધિઓથી જ ભરવા માગે અથવા બીજી રીતે દખલગીરી કરે અને એ અંગે આ સંસ્થાઓ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ચૂપ બેઠા રહે તો એને ઓશિયાળાપણું કે લાચારી કહેવાય. આવી લાચારીને ફગાવી દેતાં આપણે શીખીશું તો જ ગુજરાતી સાહિત્યકારનું ખમીર પ્રગટશે. અને વિશ્વગુર્જરી બનાવનાર સાહિત્યકાર ખમીરવંતો તો હોવો જ જોઈએ ને?

આ અંગે મારી એક ચિંતા વ્યક્ત કરવા ઈચ્છું છું. ગુજરાતીના ‘શિષ્ટ’ સાહિત્યનો વ્યાપ હજી ઘણા મર્યાદિત વર્ગ સુધી જ પહોંચવા પામ્યો છે. આપણી કવિતા, આપણી વાર્તા, આપણી નવલકથાનું વિષયવસ્તુ મુખ્યત્વે શહેરો કે કસ્બાઓના મધ્યમ વર્ગના માનસથી કેટલું આગળ વધ્યું છે? આપણી પહોંચ હજી ગામડાં સુધીય માંડ ગઈ છે. આદિવાસી, દલિત, મુસ્લિમ સમાજનું જીવન આપણા સાહિત્યનું ક્ષેત્ર ભાગ્યે જ બનવા પામ્યું છે. નારીના પ્રશ્નો – મધ્યમ વર્ગની નારીના પ્રશ્નો સુધ્ધાં – આપણે નારીવાદી લેખિકાઓ કે કવયિત્રીઓ પૂરતા મર્યાદિત નથી રાખ્યા? મારા આ વિધાનમાં થોડા સામાન્યીકરણ – જનરલાઈઝેશન – નો અંશ છે, એ હું સ્વીકારું છું, એટલે કે આ બાબત કેટલાક અપવાદ છે, એમ આપણે દેખાડી શકીએ એમ છીએ. પણ આ અપવાદો જ શું સામાન્ય પ્રવર્તતી પરિસ્થિતિના દ્યોતક નથી? બીજી રીતે જોઈએ તો આપણું આજનું સાહિત્ય આપણા આજના વેરવિખેર થતા સમાજના દર્પણ સમું જણાય છે. એમાં અમદાવાદ શહેરના અન્ય ભાગોથી જુહાપુરા અલગ દેખાય છે, દલિતોનું દરદ એમને મુખે જ બોલે છે; અને આદિવાસી સાહિત્ય તો જાણે કે આપણી પૂર્વપટ્ટીની ટેકરીઓની પછવાડે જ લપાઈ રહ્યું હોય એમ નથી લાગતું? કોઈક કહેશે કે આમાં એ વર્ગોની પણ નબળાઈ છે, જે વર્ગો પૂરતું માથું નથી ઊંચકતા. પરંતુ આ દલીલ તો પેલા સામ્રાજ્યવાદીઓ જેવી લાગે છે કે જે કહેતા કે ‘અમે તો સ્વતંત્રતા આપવા રાજી છીએ, સંસ્થાનોની વસ્તી જ એને સારુ લાયક નથી બની.’

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

ગિરાગુર્જરીને વિશ્વગુર્જરી બનાવીએ

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.