સાહિત્યસર્જક: ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ
સવિશેષ પરિચય:
ફોટો: ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ-ચંદ્રકાન્ત ટોપીવાળા પનઘટ (૧૯૪૮) : ‘સ્નેહરશ્મિ’ નો, એમના ‘અર્ધ્ય’નો અનુગામી કાવ્યસંગ્રહ. ‘સૂરજ આવોને !’, ‘હરિ આવોને !’, ‘કોણ ફરી બોલાવે ?’, ‘કોણ રોકે ?’ જેવાં મધુર ને અર્થવાહક ઊર્મિગીતો, ‘અગ્નિસ્નાન’ અને ‘ઘડાતા ઇતિહાસનું એક પાનું’ જેવાં દીર્ઘકાવ્યો તેમ જ થોડાંક રોચક સૉનેટો આ સંગ્રહનું આકર્ષણ છે. ઉપરાંત, તત્કાલીન સામાજિક સંપ્રજ્ઞતા અને સ્વાધીનતાપરક સંવેદનો દર્શાવતી રચનાઓ પણ અહીં છે. અહીં પ્રણય, સૌન્દર્ય અને સંસ્કારિતાનાં મૂલ્યોનું પ્રાધાન્ય છે અને એમાં ચિંતન કરતાં ઊર્મિનું નિરૂપણ વધુ સુભગ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સોનેરી ચાંદ રૂપેરી સૂરજ (૧૯૬૭) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’નો ૩૫૯ હાઈકુ અને ૬ તાંકા કાવ્યો સમાવતો હાઈકુસંગ્રહ. હાઈકુના સ્વરૂપની એમાં પ્રતિષ્ઠા છે. મૂળ તાંકામાંથી ઊતરી આવેલો જાપાની કાવ્યપ્રકાર હાઈકુ સત્તર શ્રુતિની લાઘવયુક્ત રચના છે. ક્ષણનો સૌંદર્યાનુભવ એમાં કલ્પનરૂપે અભિવ્યક્તિ પામ્યો હોય છે. ઘટકતત્વોની સ્પર્શક્ષમતા વસ્તુલક્ષિતા, સ્ફોટકતા ને તાજગી એની લાક્ષણિકતા છે. આ સંગ્રહમાં ઉક્ત લક્ષણો સાથે કવિકલ્પના અને કવિત્વશક્તિનો સુપેરે પરિચય થાય છે. અનેક રચનાઓ એનાં લાઘવ, સફાઈ, લયની પરખ અને હાઈકુના સ્વરૂપ પરની કવિની હથોટીની પ્રતીતિ કરાવે છે. અનેક કૃતિઓમાં કલ્પનાના પ્રાબલ્ય સાથે વ્યંજકતા પ્રગટે છે. અન્યોક્તિની ક્ષમતા પણ ઠેરઠેર વરતાય છે. -દક્ષા વ્યાસ ગાતા આસોપાલવ (૧૯૩૪) : સ્નેહરશ્મિનો વાર્તાસંગ્રહ. આ વાર્તાઓ છે એથી વધુ વાતો છે. અહીં કુલ સત્તર વાતો મૂકી છે. લેખકે જેલના એકાન્તવાસ દરમિયાન જે જોયું, અનુભવ્યું, સાંભળ્યું ને વાંચ્યું તેમાંથી નીપજેલા અનેક પ્રશ્નો અને પ્રસંગોને આ ટૂંકી વાર્તામાં વણ્યા છે. આ બધામાં, ‘હસનની ઈજાર’ રશિયનમાંથી કરેલો ગુજરાતી અનુવાદ છે અને ‘કવિ’ આ જ વાર્તા પરથી સૂચિત રીતે કહેવાયેલી વાત છે. ‘ગરીબનો દીકરો’ એક સાચી બનેલી ઘટના છે. ઊર્મિલ રજૂઆત, વાયવી સૃષ્ટિ, ભાવુક પાત્રો, કાવ્યાભાસી ગદ્ય અને જીવનમૂલ્યોની મુખરતા એ આ વાતોનાં મુખ્ય લક્ષણો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા મારી દુનિયા (૧૯૭૭)/ સાફલ્યટાણું (૧૯૮૩) : ઝીણાભાઈ દેસાઈ, ‘સ્નેહરશ્મિ’ ની આત્મકથા. વતન ચીખલીથી આરંભાતી આ કથાનો પ્રથમ ખંડ માતા, પિતા, મામા, ગામ ને નદીનો પરિવેશ, શાળાઓ શિક્ષકોના અનુભવોની દુનિયાનું આલેખન કરે છે. એમાં નિખાલસ કબૂલાત કરતા સંવેદનશીલ રીતે જીવતા કિશોરનું વ્યક્તિત્વ તો ઊપસે જ છે, સાથે સાથે તત્કાલીન રાજ્કીય, સામાજિક અને શૈક્ષણિક વ્યવસ્થાનો અણસાર પણ સાંપડે છે; તેમ જ એમની કેટલીક કૃતિઓના જીવનસંદર્ભોની સામગ્રીનો પરિચય થાય છે. ‘મારી દુનિયા’ ૧૯૨૦ ની આસપાસ અસહકારની લડત આગળ શાળાજીવનની વિદાય સાથે પૂરી થાય છે; તો ‘સાફલ્યટાણું’ અસહકારના આહવાનથી શરૂ થઈ ૧૯૩૩ ની આસપાસ સમાપ્ત થાય છે. તેર વર્ષની આ કથામાં ગાંધીજીનો, ગાંધીજીપ્રેર્યા વાતાવરણનો, ગાંધીજીની આસપાસની વ્યક્તિઓનો અને આઝાદીની લડતનો દસ્તાવેજી પ્રત્યક્ષ ચિતાર છે. સ્નેહરશ્મિના ઘડતરનાં આ વર્ષોમાં ગૂજરાત વિદ્યાપીઠનો જીવંત ઇતિહાસ ધબકે છે. લેખકની તકેદારી અને સમજદારીને સતત વ્યક્ત કરતી પ્રવાહી ગદ્યશૈલી આસ્વાદ્ય છે. એમની આત્મકથા આ પછી ‘ઊઘડે નવી ક્ષિતિજ’ અને ‘દિવસ ઊગ્યો અને’ ના વધુ ભાગોમાં આગળ ચાલે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી