વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: અંધારું - ચંદ્રકાન્ત ટોપીવાળા



પ્રવેશ્યું અંધારું પદતલ વીંધી સોય સરીખું
ચઢી ખાલી, થોડી ઝણ ઝણ, પછી ઘૂંટી પ્રસર્યું
નળાઓમાં આવ્યું, સીસું બની ગયું, ઘૂંટણ ચડ્યું
હવે બે જાંઘોને સજડ કરતું લોહ-ચૂડથી !

પડ્યું ઝાઝા વેગે ઉપર ચઢી આવી ઉદરમાં
ધસારે એનાથી સકલ અવકાશો ધમધમ્યા
બધા આખ્ખે આખ્ખા હલબલી ગયા પીઠમણકા
કલેજું ડૂબાડ્યું, યકૃતય ડૂબ્યું, આંતરડું યે!

ચઢ્યું છાતી આવી હૃદય કચડ્યું, ફેફસું ય તે
ગળે આવ્યું ત્યાંથી અસહ બળથી મસ્તકભર્યા-
ઊંડા પોલાણોમાં ત્વરિત અથડાયું ધડૂસથી.
ભર્યું મોં બેસ્વાદે ફટ દઈ તૂટ્યા કાનપડદા!

અને અંતે આવ્યું ઉપર ચઢી આંખે, તરત ત્યાં
કડાકો, અંધારું ઊડી ગયું કશા વીજઝાટકે!


(શબ્દસૃષ્ટિ : માર્ચ-૨૦૦૯)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.