વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
ગઝલ
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'
સાદ પાડે માંહ્યલી દેરી મને,
આમ ઊભો થઉં છું ખંખેરી મને.
એક વળગણ એમ કૈં છૂટી ગયું,
કોઈ પહેરણ જેમ લઉં પહેરી મને.
વાદળાં જેવું જ દુ:ખ કાળું છતાં
કોર દેખાઈ છે રૂપેરી મને.
જાત ઢંઢોળ્યા કરું છું હરવખત,
ઊંઘ ગઈ છે એમ ભંભેરી મને.
ઉકેલ્યો તો ઉકલ્યા સાતે જનમ,
કોઈ દેખાતું નથી વેરી મને.
ક્યાંય ના લાગું મને હું એકલો,
કોણ ઊભું હોય છે ઘેરી મને?
('શબ્દસૃષ્ટિ' : એપ્રિલ ૨૦૦૫)
વાચનકક્ષમાં ઉમેરો: નવેમ્બર ૨૦૦૮
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.