વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: કેમેરા ઑન છે - લાભશંકર ઠાકર




શી-ઈ-ઈ-ઈ-!
શીતલ પવનની પીઠ પરેથી લસરે છે
લીંબુરંગનો તડકો
બોરસલીની ડાળ પરે ચમકે છે પૂંછડી શ્યામ
શ્વેત રંગના સંયોજનમાં : શી-ઈ-ઈ-ઈ-!
શુભ્ર પતાસા જેવું પેટ, દૈયડ
મેગપાઈ રોબિન, આવ -
તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો
શીતળ પવન ને કામ. આવ -
દૈયડ અતીતમાંથી આ ક્ષણમાં સામે.
હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ
તારા અવાજથી ઊઘડી છે મારી આંખ
તાકવા તને, મારી એકલતાની ડાળે
સ્મૃતિશ્રુતિના ફળિયામાં સકામ કેમેરાનાં
આંખકાનની સામે મીડ શૉટમાં.
તારી પ્રતીક્ષામાં કેમેરા ઑન છે. આવ
શી-ઈ-ઈ-ઈ-!



ભગ્ન સ્વપ્નના ટુકડામાંથી
ઊપસીને
ફ્રેમમાં ખાય બગાસું
મીડ શૉટમાં ગાંધી.
થાય ઊભા.
ડગ ભરતા ભરતા-;
હી ગોઝ આઉટ ઑફ ધ ફ્રેમ.
પૂછ પોતાને

કેમ ગયા ચાલી
તારી ભાવદૃષ્ટિની ફ્રેમમાંથી?


(૧. પરબ, એપ્રિલ ૨૦૦૯, ૨. શબ્દસૃષ્ટિ, એપ્રિલ ૨૦૦૯)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.