વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
>અઘરી વાત છે
-મહેન્દ્ર જોશી
રોજ મનને વારવું એ છેક અઘરી વાત છે,
કોઈના શરણે જવું એ છેક અઘરી વાત છે!
કોઈના ખભે ચઢીને એટલું જોઈ શક્યા,
વેંત છેટું ભાળવું એ છેક અઘરી વાત છે.
આ ચરણનું મૂળ તો પાતાળ લગ પૂગી ગયું
મૂળ આ ઉચ્છેદવું એ છેક અઘરી વાત છે.
ચાંચ હો તો ચણ ન હો ને પાંખ હો તો નભ ન હો
તો ય પંખી પાળવું એ છેક અઘરી વાત છે.
આંખ દાબી કોઈ વર્ષા બાદ પૂછે કોણ હું?
નામ ત્યારે ધારવું એ છેક અઘરી વાત છે.
આ નદીમાં આંખના બે દીવડા તરતા મૂકી
આંસુને સંતાડવું એ છેક અઘરી વાત છે.
(શબ્દસૃષ્ટિ: જૂન ૨૦૦૫)
વાચનકક્ષમાં ઉમેરો: એપ્રિલ ૨૦૦૯
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.