વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય



>પગ


-યજ્ઞેશ દવે


દોડી રહ્યા છે જે સદીઓથી
ખૂંદી રહ્યા છે ખંડો
આકાશમાં જેણે મૂકી છે દોટ
તે પગ
જંપી જઈ સૂઈ જાય છે તારી સાથે.
* * *
કોઈનાય પાદપંકજ
કે ચરણકમળ
મેં જોયા નથી
મેં તો જોયા છે માત્ર પગ
માત્ર પગ.
* * *
પૂરપાટ દોડતાં દોડતાં
થૈ...થૈ ઊભું દેખાયું એક બાળક
થંભી ગયા પગ.
* * *
સાંજે
કહ્યામાં નથી હોતા મારા પગ.
એકને જવું હોય છે ઘર ભણી
બીજાને આકાશભણી.


(સમીપે-૧: સપ્ટેમ્બર ૨૦૦૫)



વાચનકક્ષમાં ઉમેરો: મે ૨૦૦૯

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.