વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
પદ્ય: સૌને હવે લાગવું જોઈએ - ચંદ્રકાન્ત શેઠ
બંધિયાર પાણીમાં પડ્યો રહું
ને મને લીલ ચડ્યાં કરે, ચડ્યાં કરે...
જરાયે મંજૂર નથી એ મને!
મારા થકી કોઈને ઠોકર લાગે
કોઈનું હાડ તૂટે, માથું ફૂટે
ને એમ સૌને નડતો રહું ને વાગતો રહું...
એય મંજૂર નથી લેશ પણ મને!
મારે ચણાવું નથી કોઈના/ની ભેદની ભીંતોમાં,
મારે બંધાવું નથી કોઈ કંજૂસની કાઠી કોટડીમાં,
મારે જડાવું નથી કોઈ માણભૂખ્યાના મતલબી પગથિયામાં,
મારે નથી ખોડાવું પાખંડની પ્રતિમા થઈને
કોઈ મઠાધીશના ઠાકરદ્વારે!
મારે તો રૂંવે રૂંવે પાણીના ટશિયા ફૂટે
એવા થઈ રહેવું છે લીલાછમ!
આમ તો કુળેમૂળે છું પથ્થર જ,
પણ મારામાં કેવું છે પાણી તેનું ભલે થઈ જાય પારખું
મારી પડખે ચડનાર હરકોઈની આગળ!
સૌને હવે હાડોહાડ લાગવું જોઈએ -
પાણીને જીવતું રાખવા
મારા જેવા પથ્થરનેય જીવતો રાખવો જોઈશે...
(પરબ : પરબ જુલાઈ ૨૦૦૯ )
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.