વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
પદ્ય: શક્યતા - સેજલ શાહ
ગઈ કાલે જ મેં
મારા ઘરની દીવાલ ખેસવીને
ગુલમહોર અંદર લઈ લીધાં
બહાર ઉગેલા બટમોગરાં મેં
રોપી દીધાં મારામાં
જીવાય છે થોડું
આ વૃક્ષોની ભીનાશમાં
અને દીવાલના ખરબચડાપણામાં...
મૂળાક્ષરો તો
વિખરાયેલા
પડ્યા છે
ચાદરોની સળમાં
અને
બારીમાં બાઝેલ જાળમાં.
થોડા તો
ફ્રીઝમાં ય
મારી રાહ જોતાં;
ઠંડાગાર.
થોડા
બાથરૂમની દીવાલો પર
ઘરમાં સમાવેલા વૃક્ષની નસોમાં
ઊપસી આવ્યા છે થોડાક હરિતકણો
કવિતા લખાશે
કદાચ.
(પરબ : નવેમ્બર -૨૦૧૮)
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.