વાચનકક્ષ આર્કાઈવ્ઝ
પદ્ય
થઈ જઈએ
- ગુણવંત ઉપાધ્યાય
ઘણી યે વાર એવું થાય કે અપવાદ થઈ જઈએ,
નિયમની ભારના અક્ષર લખી નિર્નાદ થઈ જઈએ.
કશું પણ ભાર કે અંદર નથી હોતું, ન હોવાનું;
અસલ અસ્તિત્વનું સ્પષ્ટીકરણ એકાદ થઈ જઈએ.
સતત છું દાવમાં ને દાવ પણ આપ્યા સતત કરતો,
ન ઈચ્છા દાવ લેવાની, ભલે બરબાદ થઈ જઈએ.
સ્વયં પોતે જ રમતું હોય એવું છું રમકડું તો,
ઘડીભર કોઈ માટે મામૂલી મરજાદ થઈ જઈએ.
નથી કોઈ એવું સ્થળ પહોંચી જ્યાં તમે કહેશો,
ફક્ત એકાર્ધ ક્ષણ માટેય તો આઝાદ થઈ જઈએ.
જરૂરી આમં તો ઉકેલવી છે આંખ પોતાની,
સમયનાં વ્હેણના સાક્ષી મટી ફરિયાદ થઈ જઈએ.
સમયમાં કે સ્વયંમાં આખરે 'ગુણવન્ત' અટવાતાં,
અદબને છોડી આદમકદ ઊંચા ઉસ્તાદ થઈ જઈએ.
('શબ્દસૃષ્ટિ': ઑગસ્ટ ૨૦૦૫)
વાચનકક્ષમાં ઉમેરો: એપ્રિલ ૨૦૦૮
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.