સંશોધન કેન્દ્ર

ક.લા.સ્વાધ્યાયમંદિર

સંશોધન

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા થતાં ગુજરાતી ભાષા-સાહિત્યનાં, ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ ગ્રંથશ્રેણી તેમ જ ‘ગુજરાતી સાહિત્યકોશ’નાં સંશોધન અને સંપાદનનાં કાર્યો વધુ વ્યવસ્થિત રીતે અને વેગપૂર્વક થઈ શકે એ હેતુથી ગુજરાતી સાહિત્ય પરિષદે, એક સંશોધન સંસ્થાની રચના-સ્થાપના કરવા અંગેનો રજૂ કરેલો પ્રસ્તાવ સ્વીકારીને સદ.કસ્તૂરભાઈ લાલભાઈનાં પરિવારજનોએ પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું અને નવેમ્બર, ૧૯૮૧માં ગુજરાત યુનિવર્સિટીની માન્યતા મેળવીને પરિષદે ‘શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સ્વાધ્યાયમંદિર’ની સ્થાપના કરી. આ ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ગુજરાતી સાહિત્યકોશ, શબ્દકોશ, તુલનાત્મક ભાષાસાહિત્યનું અધ્યયન-અધ્યાપન, ગુજરાત તેમ જ ગુજરાત બહાર ગુજરાતી ભાશાનું સંવર્ધન, સંગોપન અને સંરક્ષણ તથા ગુજરાતી ભાષાસાહિત્યમાં સંશોધન કરનારા પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન - જેવાં વિષય ક્ષેત્રોમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાનો પરિષદનો સંકલ્પ છે.

ક.લા.સ્વાધ્યાયમંદિરના માનાર્દ નિયામક તરીકે સાહિત્ય પરિષદના મંત્રી ડૉ.રઘુવીર ચૌધરીએ માન્યતા અને અનુદાનની કામગીરી બજાવી પછી પૂરા સમયના નિયામક તરીકે ડૉ.ચંદ્રકાન્ત શેઠની સેવા પ્રાપ્ત થઈ હતી. એ પછી ૧૯૮૪થી ૧૯૯૬ સુધી ડૉ.ચન્દ્રકાન્ત ટોપીવાળાએ ૧૨ વર્ષો સુધી નિયામક તરીકે સેવા આપી હતી. ક.લા.સ્વાધ્યાયમંદિરને રીડર અને વ્યાખ્યાતા તરીકે ડૉ.જયન્ત ગાડીત, ડૉ.રમણ સોની, શ્રી પરેશ નાયક તથા ડૉ.રમેશ ર. દવેની સેવા મળી છે. હાલ ક.લા.સ્વાધ્યાયમંદિરમાં ડૉ.રમેશ ર. દવે (નિયામક), ડૉ.પારુલ કંદર્પ દેસાઈ (રીડર) અને પ્રા.ઈતુભાઈ કુરકુટિયા (વ્યાખ્યાતા) સેવા આપે છે.

યુનિવર્સિટી દ્વારા માન્યતાનાં ક્ષેત્ર ૧.કમ્પેરટિવ લિંગ્વિસ્ટિક્સ ૨. કમ્પેરટિવ લિટરેચર ૩.ગુજરાતી લેન્ગવેજ એન્ડ લિટરેચર ૪.ઈન્સાક્લિપીડિયા ઑફ ગુજરાતી લિટરેચર ૫. ડિક્શનરિ:

ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા સંપાદિત ‘ગુજરાતી સાહિત્યકોશ’ ગ્રંથશ્રેણીના ત્રણ ખંડો પૈકી પહેલા અને બીજા ખંડમાં મધ્યકાલીન તેમ જ અર્વાચીન-આધુનિક ગુજરાતી સાહિત્યનાં કર્તા અને કૃતિઓ તેમ જ ત્રીજા ખંડમાં ગુજરાતી ભાષાસાહિત્યની, કર્તા અને કૃતિ ઈતર એવી સિધ્ધાંતવિવેચન, વિવિધ વાદો અને યુગો, સાહિત્યસ્વરૂપો અને પ્રકારો તથા સાહિત્યિક સંસ્થાઓ અને સામયિકો - જેવી સામગ્રી રજૂ થઈ છે. પરિષદ દ્વારા પૂર્વ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ’ ગ્રંથશ્રેણીના ચાર ખંડોના અનુસંધાનમાં, ગુજરાતી સાહિત્યનાં ગાંધીયુગીન અને અનુગાંધીયુગીન સાહિત્યકારો વિશેના આલેખો પાંચમા અને છઠ્ઠા ખંડમાં પ્રકાશિત થયા છે. આ ઉપરાંત બી.કે.મજમૂદાર ગ્રંથશ્રેણી અંતર્ગત નવ્યસર્જકોનાં કવિતા, વાર્તા અને નિબંધ જેવાં સાહિત્ય સ્વરૂપોનાં ૨૦ પ્રથમ પુસ્તકો પ્રકાશિત થયાં છે તથા ક.લા.સ્વાધ્યાયમંદિરમાં સંશોધન-અભ્યાસ કરીને ૮ વિદ્યાર્થીઓએ ૧૯૯૬ સુધીમાં પી.એચ.ડી.ની ઉપાધિ મેળવી છે. હાલ ક.લા.સ્વાધ્યાયમંદિર અને મેઘાણી જ્ઞાનપીઠના મુખપત્ર રૂપે પ્રગટ થતા ‘પરબના તત્ત્વજ્ઞાન અને વિવેચન પરિસંવાદ’ વિશેષાંક, ‘બંધારણવાદી વિવેચન’ વિશેષાંક, ‘નારીવાદ’ વિશેષાંક, ‘રવીન્દ્ર’ વિશેષાંક, ‘વાર્તાવિવેચન’ વિશેષાંક, ‘સાહિત્ય અને પત્રકારત્વ’ વિશેષાંક, ગુજરાતી માધ્યમની પચીસી, સદીનું સરવૈયું (વિશેષાંક), ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો વિશેષાંક, ‘નર્મદ આજના સંદર્ભમાં’ વિશેષાંક, ‘બાળસાહિત્ય’ વિશેષાંક, ‘હેમચંદ્રાચાર્ય’ વિશેષાંક, નારીવાદ વિશેષાંક, ગુજરાતી સાહિત્યનો નવમો દાયકો વિશેષાંક-૧,૨ વગેરે ૨૧ વિશેષાંકો પ્રકાશિત થયાં છે તેમ જ તે પૈકી ૧૨ પુસ્તકો પ્રકાશિત થયાં છે. ક.લા.સ્વાધ્યાયમંદિરના ઉપક્રમે ભોગીલાલા સાંડેસરા સ્વાધ્યાયપીઠના માનાર્દ સંશોધક-અધ્યાપક શ્રી કાંતિભાઈ બી. શાહ દ્વારા થયેલો સંશોધન-સ્વાધ્યાય હરજી મુનિક્રિત ‘વિનોદચોત્રીસી’ ગ્રંથરૂપ પામ્યો છે.

ગુજરાતી યુનિવર્સિટી વ્યાખ્યાન, અનુઆધુનિકતાવાદ, તુલનાત્મક કાવ્યશાસ્ત્ર, સંપાદક સંગોષ્ઠિ અને નારીવાદી સાહિત્ય જેવા વિવિધ વિષયો પરના પરિસંવાદ તેમ જ વિશિષ્ટ પુસ્તકોના પરિચયલક્ષી ગ્રંથગોષ્ટિના માસિક કાર્યક્રમો ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતા રહ્યા છે. શ્રી છોટાલાલ જે. શેઠ તરફથી મળેલા ૫૦,૦૦૦/- રૂપિયાના દાનમાંથી ક.લા.સ્વાધ્યાયમંદિરમાં સંશોધન અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની જોગવાઈ છે. સંશોધન સંસ્થા માટે અત્યંત આવશ્યક એવા સંદર્ભગ્રંથોથી સુસજ્જ અને સમૃધ્ધ નાનું ગ્રંથાલય પણ ક.લા.સ્વાધ્યાયમંદિરમાં છે જે સંશોધક-અભ્યાસીઓને મૂલ્યવાન સંદર્ભસામગ્રીસેવા (રેફરન્સ સર્વિસ) પૂરી પાડે છે.

 

 


વધુ માહિતી માટે અમને સંપર્ક કરી શકો છો.