'પરસ્પર': સેપ્ટ યુનિવર્સિટી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ
અમદાવાદ તેની વિદ્યાકીય અને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે જાણીતું શહેર છે. હમણાં હમણાં જ્યાં રસિકજનો ભેગાં મળીને કલા-કૃતિઓને તેનાં દરેક સ્વરૂપમાં માણે - આસ્વાદે અને પોતાનો ઉલ્લાસ બીજી સમાન રસ
ધરાવતી વ્યક્તિઓ સાથે વહેંચે એવા એક ફોરમની જરૂરિયાત અનુભવાય છે. એમ પણ લાગવા માંડ્યું છે કે આવું એક આવકાર્ય ફોરમ અન્ય રસ ધરાવતી વ્યક્તિઓ માટે એક તક ઊભી કરે, વિશેષે કરીને યુવાપેઢી માટે,
જેથી તેઓ પણ આવી કૃતિઓથી પરિચિત થાય. આમ રસને માણવા, વહેંચવા અને સર્જવા એક મંચ ઊભો કરવા સેપ્ટ યુનિવર્સિટી, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગમાં આવા ફોરમ ‘પરસ્પર’ની ઘોષણા કરે છે.
સહયોગ ‘પરસ્પર’ ભાષા-સંસ્કૃતિના સીમાડાઓને વળોટી સાહિત્યનાં મર્મ અને મિજાજને ઉલ્લસિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. ફોરમનો હેતુ ભારત અને પરદેશોમાં દીર્ઘ સમય પર પથરાયેલી પ્રશિષ્ટ સાહિત્યિક રચનાઓનાં મર્મ
અને સૌન્દર્યને સાથે મળીને સંશોધિત કરવાનો છે અને તે સમજવા / આસ્વાદવા એક સંવાદની, સહચિંતનની ભૂમિકા ઊભી કરવાનો છે.
કાર્યક્રમ પરસ્પરના ભાવ-પ્રતિભાવનાં સ્વરૂપની બેઠકમાં આયોજિત કરવામાં આવશે, જેમાં રસ ધરાવનાર વ્યક્તિઓને સંવાદમાં અને ચર્ચામાં સક્રિયપણે ભાગ લઈ શકશે, અથવા એ જ રીતે શાંતિથી બેસીને - સાંભળીને,
સક્રિય થયા વિના પણ ભાગ લઈ શકશે. ફોરમનો હેતુ ધ્યાનમાં રાખીને આમંત્રિત વક્તા અને તેમના સાથીદારો વિશેષે તો રચનાનો સામાન્ય ખ્યાલ આપતી રજૂઆત કરશે અને રચનાથી સઓને પરિચિત કરશે. તેઓ પહેલી વાર આવનાર કે
જાણકાર રસિકજન - બન્નેને માટે કૃતિની વિશિષ્ટતાઓને રસપૂર્વક અને આસ્વાદ્ય બને એ રીતે ઉદઘાટિત કરી આપશે.
હાલતુરત તો જે કંઈ વિશ્લેષિત કરવા ધાર્યું છે, તેમાં ભારતીય ભાષાઓની પ્રશિષ્ટ રચનાઓ, યુરોપિયન અને અંગ્રેજી સાહિત્યની પ્રશિષ્ટ રચનાઓ, મધ્યકાલીન ભારતીય સાહિત્ય, ભારતીય સાહિત્યના તજજ્ઞો/નિર્માતા અને
આધુનિક તથા સમકાલીન વિશ્વ સાહિત્ય સમાવિષ્ટ છે. અમે થયેલાં કામોના હેવાલનું લેખિત પાઠરૂપે અથવા ઑડિયો-વિડિયો પર ધ્વનિરૂપે દસ્તાવેજીકરણની આશા રાખીએ છીએ. આ બધું વેબસાઈટ પરથી સૌને પ્રાપ્ત થશે અને તેમાં ભાગ લેનાર
વ્યક્તિઓનાં લેખ અને સમીક્ષાઓ ઉમેરી વધુ સમૃદ્ધ કરવામાં આવશે. વેબસાઈટને કારણે રસ ધરાવનાર સૌને એક સામૂહિક સ્ત્રોત મળશે, તેમજ કાર્યક્રમ થઈ ગયા પછી પણ ચર્ચા-સંવાદ-વિચારણાને ચાલુ રાખવાનું સાતત્ય જળવાશે, તેમજ
વધુ ને વધુ સંદર્ભો પરસ્પર બધાંને મળતા રહેશે.
આ આયોજન બધાં માટે ખુલ્લું છે; તે સેપ્ટ યુનિવર્સિટીના કેમ્પસ પર મહિને એકવાર, શુક્રવારે સાંજે ૬ વાગે યોજવામાં આવશે. કાર્યક્રમ ૬૦ થી ૯૦ મિનિટ સુધીનો હશે. સમગ્ર પરિકલ્પનાને વધુ ફળદાયક અને સમૃદ્ધ બનાવવા પુસ્તકો,
તથા લેખોની નકલો જેવી જરૂરી સામગ્રી સ્થળ પરથી ખરીદી શકાશે.
જેમ જેમ થોડા આગળ વધીશું તેમ તેમ અમે ભાગ લેનાર વ્યક્તિઓ પાસેથી મળતાંકૃતિઓ, વિષયો, વક્તાઓ વિશેના કિંમતી સૂચનોને સમાવવાની ઈચ્છા રાખીએ છીએ. સમય જતાં, ‘પરસ્પર’ સાહિત્યથી આગળ
જઈ આંતર્વિદ્યાકીય વિષયો, અન્ય કલાઓ અને માનવજાતની સર્જનાત્મક શોધોને આવરી લેવાનું લક્ષ્ય રાખે છે.
તમે અમારી સાથે જોડાવ એવી અપેક્ષા છે.
સેપ્ટ યુનિવર્સિટી કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ યુનિવર્સિટી રોડ, નવરંગપુરા અમદાવાદ ૩૮૦ ૦૦૯ ગુજરાત ટેલી: +૯૧(૭૯) ૨૬૩૦ ૨૪૭૦, ૨૬૩૦ ૨૭૪૦
ગુજરાતી સાહિત્ય પરિષદ ગોવર્ધનભવન, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ ગુજરાત ટેલી: +૯૧(૭૯) ૨૬૫૮ ૭૯૪૭