સાહિત્યયાત્રા

૨૦૦૮ - ૨૦૦૯

 

  • સાહિત્યયાત્રા: જુલાઈ ૨૦૦૯
  • સાહિત્યયાત્રા-૩ના તારીખ અને સ્થળ નીચે મુજબ નક્કી થયા છે: આપ સહભાગી થશો એવી આશા અને વિનંતી.
    • તા.૪-૭-૦૯: મોડાસા
    • તા.૫-૭-૦૯: હિંમતનગર
    • તા.૬-૭-૦૯: ઈડર
    • તા.૭-૭-૦૯: વિસનગર
    • તા.૮-૭-૦૯: મહેસાણા
    • તા.૯-૭-૦૯: પાલનપુર
    • તા.૧૦-૭-૦૯: ડીસા
    • તા.૧૧-૭-૦૯: પાટણ

  • સાહિત્યયાત્રા: એપ્રિલ ૨૦૦૯
  • સાહિત્યયાત્રા-૩, સક્રિય સાહિત્યિક વાતાવરણ રચવા માટે:
    તા.૧૬-૪-૦૯ થી તા.૨૫-૪-૦૯, મધ્ય ગુજરાતમાં
    સાહિત્યયાત્રા-૩નું આયોજન તા.૧૬-૪-૦૯ થી તા.૨૫-૪-૦૯ સુધી મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, વલ્લભવિદ્યાનગર, ધંધૂકા, ધોળકા, બાવળ, સાણંદ, વીરમગામ અને અમદાવાદ સ્થળો સમાવવામાં આવ્યાં છે.
    રસ ધરાવતાં સાહિત્યકારોને ભાગ લેવા વિનંતી. શ્રી નારાયણ દેસાઈની પ્રેરણાથી શરૂ થયેલી આ યાત્રા સક્રિય સાહિત્યિક વાતાવરણ રચવા માટે પ્રાણસમી બની છે.

  • સાહિત્યયાત્રા: જુલાઈ ૨૦૦૮
  •  

    સાહિત્યયાત્રા ઊર્ફે સંવેદનયાત્રા ઊર્ફે સંવાદયાત્રા
    - રાજેન્દ્ર પટેલ
    તા. ૫ જુલાઈના રોજ કલાપી જન્મસ્થળ લાઠીથી, કલાપીતીર્થધામથી આરંભાયેલા અને તા.૧૧ જુલાઈના રોજ ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં રાત્રે ૮.૦ વાગે પૂરી થયેલી આ યાત્રા, ગુજરાતી સાહિત્ય ઇતિહાસમાં એક અવિસ્મરણીય સાહિત્યિક ઘટના - પ્રયોગ સાબિત થયાં છે. અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર એમ મુખ્યત્વે સાત શહેરોમાંથી પસાર થયેલી આ સાહિત્યયાત્રાએ નવું ધબકતું સાહિત્યનું વાતાવરણ રચ્યું. ગુજરાતી સાહિત્ય અને ભાશા માટેની એક નવી ચેતના આખા સૌરાષ્ટ્રમાં સ્પંદિત થઈ ઊઠી. એક સ્થળે અભુતપૂર્વ આવકાર સાંપડ્યો. એ પછી કલાપીતીર્થના સાંગણામાં સ્વાગત અર્થે ઉભેલાં સંસ્થાના પ્રમુખ ઘનશ્યામસિંહજી રાણા અને બીજા હોદ્દેદારો સાથે કવિ, વાર્તાકાર શ્રી મનોહર ત્રિવેદી હોય કે પછી ભાવનગરમાં વરસતા વરસાદમાં નીકળેલી સાહિત્યફેરી હોય કે સાયલ આ ગામની છેવાડાની સ્કૂલની કન્યાઓ હોય કે પછી જામનગરમાં રાત્રિબેઠકમાં ઉપસ્થિત ૨૦૦ પ્રબુદ્ધ નગરજનો હોય, બધે જ બધે સાહિત્યપ્રેમી પ્રજા પોતાના સાહિત્ય માટે, પોતાની ભાષા માટે કામ કરતાં સાહિત્યકારો અને એમની આ પ્રકૃતિને હૃદયથી સત્કારવા અને સ્નેહ વરસાવવા તત્પર હતાં.

    યાત્રાનો પહેલો પડાવ અમરેલી , કવિ રમેશ પારેખનું ગામ. શ્રી કિશોર મહેતા, કવિ હર્ષદ ચંદારાણા, દિલીપ ભટ્ટ વગેરે સ્વાગત માટે રાહ જોઈ ઉભાં હતાં. પટેલ સંકુલના પ્રથમ જ કાર્યક્રમમાં ૨૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત ! સાથે શિક્ષકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ તો ખરાં જ. નારાયણભાઈ, રાજેન્દ્ર શુક્લ, અનિલાબહેન દલાલ, ઉષાબહેન ઉપાધ્યાય, મનોહર ત્રિવેદી અને રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા. ઉષાબહેને પ્રથમ જ સાહિત્યયાત્રાનો હેતુ અને ઉદ્દેશ સ્પષ્ટ કરતાં માતૃભાષાનો મહિમા કહ્યો. તો નારાયણભાઈએ ગાંધીજીની વાત કરતાં આખી વાતનું મહત્ત્વ દર્શાવ્યું. વિદ્યાર્થિનીઓએ અનેક સુંદર પ્રશ્નો પૂછ્યા અને રાજેન્દ્ર શુક્લ અને મનોહરભાઈએ પોતાના ગીત દ્વારા સૌને રસતરબોળ કર્યા. હજુ આ કાર્યક્રમ પૂરો થાય તે પહેલાં પ્રત આપરાય આર્ટસ કૉલેજ, કમાણી કૉલેજથી ફોન આવ્યો. જલ્દી આવો. વિદ્યાર્થીઓ કાગડોળે રાહ જુએ છે. નારાયણભાઈને આરામ મળે તે માટે સહેતુક એમને પાછળ મૂકી અમે જલ્દી પહોંચ્યાં. હજુ તો રાજેન્દ્ર શુક્લની ગઝલથી બધાં ભીંજાય એ પહેલાં નારાયણભાઈ દોડતાં જ હાજર! એમના વક્તવ્યમાં મોડા પડ્યાનો વસવસો દર્શાવતાં કહે: વાંક મારો એટલો કે આ બધાથી હું વહેલો જન્મ્યો છું. અનિલાબહેને સુંદર માંડણી કરી. આપણા સાહિત્યમાંથી અને વિશ્વસાહિત્યમાંથી દ્રષ્ટાંતો ટાંકી, શબ્દ અને સાહિત્યનું માહાત્મ્ય બતાવ્યું. સાહિત્ય ચિંતનમાં કેવી રીતે કામ કરે છે તે જણાવ્યું. રાજેન્દ્ર પટેલે ભાષા વિકાસનું ચાલક બળ કેવી રીતે છે તે વૈજ્ઞાનિક અભિગમથી જણાવ્યું. હજુ આ કાર્યક્રમ પત્યો ન પત્યો ને પહોંચ્યાં બાલભવન, ગિરધરભાઈ ગ્રંથાલયમાં. નવસર્જકો, સાહિત્યરસિકો અને સાહિત્યકારો વચ્ચે નારાયણભાઈએ ત્રણ મુદ્દા ઉપર ભાર મૂક્યો. (૧) માતૃભાષા પ્રતિ સજાગતા વધે તે માટે બધાએ પ્રવૃત્ત થવું, (૨) સાહિત્યકારોએ સમાજની વચ્ચે જવું અને (૩) અમરેલીમાં ગુ.સા.પ.નું એક સક્રિય કેન્દ્રની રજૂઆત થાય તેવો પ્રયત્ન કરવો. રમેશ પારેખનું સ્થાયી સ્મારક જોવું. પ્રબુદ્ધ નગરજનો જોડે અનૌપચારિક વાતોની એક આખી સેશન થઈ. થાક્યાપાક્યા દિવસ પૂરો કરીએ ત્યાં ઉષાબહેને રાત્રિ કવિસંમેલન યોજ્યું. અમરેલીના મિત્રોએ એટલો જીવ રેડેલો જો કૃતજ્ઞતા વ્યક્ત કરીએ તો એમને ગમે નહીં. અમરેલીના કાર્યક્રમના કાર્ડમાં એક શેર આમ હતો અમરેલી નામ પાડીએ હરએક શહેરનું તો ક્યાંય આ રમેશથી ભૂલા નહીં પડાય.

    હજુ તો આંખ મિંચાઈ ન મિંચાઈને જાગ્યાં. નીકળી પડ્યાં જૂનાગઢ તરફ. હેમન્ત નાણાંવટી રૂપાયતનમાં રાહ જોઈને જ બેઠેલા. આગલા દિવસે રમેશ ર.દવે, સંજય ચૌધરી, ભારતી દવે, નિરંજન રાજ્યગુરુ, મનોજ રાવળ અને નાથુભાઈ ગોહિલ તો પહોંચી હયાં હતાં. પહેલો કાર્યક્રમ રૂપાયતનમાં યોજાયો હતો. જેમાં શિક્ષકો અને અધ્યાપકો જોડે સંગોષ્ઠિ યોજાઈ હતી. બીજો કાર્યક્રમ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓ સાથે હતો. ઉપસ્થિત સૌ સાહિત્યકારોએ સાહિત્ય અંગેની વિશિષ્ટ વાતો કરી. ત્રીજો કાર્યક્રમ તે જૂનાગઢની સાહિત્યફેરી. આ સાહિત્ય ફેરીએ અદભુત વાતાવરણ રચ્યું અને સાહિત્યયાત્રા પ્રતિ લોકલાગણી જાગી ઊઠી. કામ્બલીયા વિદ્યાલયથી ભૂતના મહાદેવ સુધીની એ ફેરીમાં નારાયણભાઈ સાથે બધા જ સાહિત્યકારો જોડાયા અને જાહેર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમને અંતે રાજેન્દ્ર શુક્લની ગઝલે અને નિરંજન રાજ્યગુરુના ભજને લોકોના મન પર કામણ કર્યું. સાહિત્યપદાર્થનો જનસામાન્યના હૃદય ઉપર સીધેસીધો સ્પર્શ દેખાયો.

    ત્રીજો પડાવ પોરબંદરનો. તા. ૭ જુલાઈ. પોરબંદર નો દિવસ નારાયણભાઈએ ખાસ ઉમેરેલો. ગુજરાતી ભાષા-સાહિત્ય ગૌરવ સમારોહ એ કાર્યક્રમ પોરબંદરના મિત્રોની દેન. ખૂબ સરસ આયોજન. અને પહેલા કાર્યક્રમમાં અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા. શ્રી એચ. કે. મોતીવરસ, ડૉ.સુરેખા શાહ, રામજીભાઈ પાડલીયા, નરોત્તમ પલાણ વગેરી સાહિત્યયાત્રાને સફળ બનાવવા ખૂબ ઝીણવટભર્યું આયોજન કર્યું હતું. એક કાર્યક્રમ બાલુભા કન્યાવિદ્યાલયમાં યોજાયો. ત્યાં નારાયણભાઈ અને રમેશ દવી ઉદબોધન કર્યું. ત્રીજો કાર્યક્રમ ગાંધી જન્મસ્થળ કીર્તિમંદિરમાં ગોઠવાયો. 'મારું જીવન એ જ મારો સંદેશ'ની અર્પણવિધિ યોજાઈ. ચોથો કાર્યક્રમ આર્ય કન્યા ગુરુકુળમાં હતો. વાર્તાલાપ અને કાવ્યપાઠથી કાર્યક્રમ વધુ સંવેદનમયી બન્યો. રાજેન્દ્ર શુક્લ આખી યાત્રાના પ્રત્યેક કાર્યક્રમમાં છવાયેલા રહ્યા. રમેશ પારેખ અને મનોજ ખંડેરિયાની ગેરહાજરીમાં સાહિત્યયાત્રામાં જોડાવામાં પોતાનું કર્તૃત્વ માન્યું હતું.

    જામનગર ની એમ.પી.શાહ કોમર્સ કૉલેજમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સાહિત્યયાત્રાનું પ્રયોજન વિષે રાજેન્દ્રે પોતે વાત કરી અને લાભશંકર પુરોહિતે શબ્દ અને એની શક્તિની વાત કરતાં ભાષા અને સાહિત્યની સેવનની સરસ વાતો કરી. વિદ્યાર્થીઓને મનોજ રાવલ, નિરંજન રાજ્યગુરુ અને રાજેન્દ્ર શુક્લે પણ ઉદબોધન કર્યું. પ્રશ્નોત્તરી અને એના અંતર્ગત ગોષ્ઠિએ દરેક કાર્યક્રમની વિશિષ્ટતા રહી હતી. કાર્યક્રમ પૂરો થયે સાહિત્યકારોનું એક જૂથ મહિલા કૉલેજમાં તથા બીજું જૂથ ડી.કે.બી. કૉલેજમાં ગયું. અધ્યાપકો અને શિક્ષકોએ પણ પોતાની કૃતિનું પઠન કર્યું. સાહિત્યકારોએ સાહિત્યપદાર્થની ખેવના શા માટે અનિવાર્ય છે એનો સુંદર વાર્તાલાપ કર્યો. પચ હી પહોંચ્યાં અલીયાબાડા. ત્યાં સાહિત્યયાત્રા જાણે સ્મરણયાત્રા બની ગઈ. ડોલરરાય માંકડની એ ભૂમિ. વિદ્યાર્થીએ બેન્ડથી સ્વાગત કર્યું. ગામના લોકોય સામેલ થયાં. જાહેર સભા રચાઈ. આખું સ્થળ જીવંત થઈ ઊઠ્યું. નિરંજનભાઈએ ભજનની પાછળ રહેલા સંત સાહિત્યની વાત કરી તો મનોજ રાવલે સુંદર વક્તવ્ય આપ્યું. લાભશંકર પુરોહિતની વાકધારા સૌ સમય અને સ્થળ ભૂલી માણી. રાજેન્દ્ર શુક્લને સાંભળવા દરેક સ્થળે લોકો એકચિત્તે આતુર હોય જ અને એમના કાવ્ય પાઠથી કાર્યક્રમ પૂર્ણ થાય પણ જાણે લોકોના મનમાં સાહિત્ય પ્રતિ અનુબંધનો પ્રારંભ થતો. અલીયાબાડાનું એ વિદ્યાસંકુલ સાહિત્યયાત્રાનું યાદગાર સ્થળ હતું. આખા આયોજનમાં ડૉ.પ્રફુલ્લ દવે, પીયૂષ ભટ્ટ અને ગુજરાત બિરાદરીના મિત્રો પ્રસન્નતાથી જીવ રેડેલો. જામનગરની રાત્રિબેઠકમાં ૨૦૦થી અધિક નગરજનો ઉપસ્થિત રહ્યાં. ખૂબ સુંદર વિચારોનું આદાનપ્રદાન થયું. રાજેન્દ્ર પટેલ, નિરંજન રાજ્યગુરુ અને રાજેન્દ્ર શુક્લે કાવ્યપઠન કર્યું અને પછી પ્રશ્નોત્તરીમાં સાહિત્ય માટે શું કરવું જોઈએ તેના અનેક પાસાંની ચર્ચા થઈ. પ્રણામી મંદિરનું સ્થળ સહજ રીતે જ ત્યાંના સંતોએ આ કાર્યક્રમ અર્થે આપ્યું અને ખૂબ પ્રેમપૂર્વક સૌને રાખ્યાં. યાત્રાના દરેક પડાવમાં લોકોની સામેલગીરી જોઈ આપણી ભાષા અને સાહિત્ય અંગે એક વિધેયાત્મક નિરાંત થવી, લાભશંકર પુરોહિત જ્યાં વિદ્વાન સહૃદયી સાહિત્યકાર સાથે હોય ત્યારે સાહિત્યયાત્રા પૂર્ણ સ્વરૂપે ખિલી ઊઠે એ સ્વાભાવિક જ બને.

    અનિલ ખંભાયતા અને નીતિન વડગામા, રાજકોટ થી આગલા દિવસથી ફોન કરે. મોડા પડતા નહીં. કાર્યક્રમો ઘણા છે. જામનગરથી સીધા પહોંચ્યાં અનિલભાઈને ઘેર. બરાબર એક કલાક વહેલાં. અનિલભાઈનું ઘર દરેક કલાકારનું પિયર. હજુ નાસ્તો પૂરો કર્યો ત્યાં અમદાવાદથી રતિલાલ બોરીસાગર અને મનસુખ સલ્લા આવી પહોંચ્યા. પ્રથમ કાર્યક્રમ કડવીબાઈ વારાણી કન્યા વિદ્યાલયમાં હતો. મનસુખભાઈએ શરૂઆત કરી. ત્યાં સતીશ વ્યાસ પણ આવી પહોંચ્યાં. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમક્ષ સુંદર વાતો થઈ. પ્રશ્નોત્તરી થઈ અને ઉપસ્થિત દરેક સાહિત્યકારને બધાએ સાંભળ્યા. પ્રશ્નો પુછાતા ગયા. જવાબો અપાતા ગયા. સંવાદ અને સાહિત્યયાત્રાનો પાયો રહ્યો. ત્યાંથી વીરાણી હાઈસ્કૂલમાં ગયાં ત્યારે ત્યાં મણિલાલ હ. પટેલ અને સંજુ વાળા, મહેન્દ્ર જોષી હાજર હતાં. કાર્યક્રમના આરંભમાં જ મણિલાલ પટેલે સુંદરમના કાવ્ય 'બાનો ફોટો'માં સ્પંદિત થતું સંવેદન જીવનમાં કેવી રીતે ઉતારવું જોઈએ એ જણાવ્યું ત્યારે આખું વાતાવરણ ભાવસભર થઈ ગયું. સંજુ વાળાએ કાવ્યપ્રક્રિયા દર્શાવી તો સતીશભાઈ વ્યાસે પણ સરસ વાતો કરી. નિરંજન રાજ્યગુરુના ભજનથી શરૂઆત અને રાજેન્દ્ર શુક્લના ગઝલથી પૂર્ણ થયેલો આખો પ્રસંગ યાદગાર બની ગયો. સૌથી વધુ આનંદ વિદ્યાર્થીઓએ પૂછેલા પ્રશ્નોથી થયેલો. નીતિન વડગામા, અનિલ ખંભાયતાએ બધો ભાર પ્રેમપૂર્વક ઉપાડેલો. તેમની નિસબત આંખે ઊડીને વળગે તેવી હતી. અનિલભાઈ હંમેશા પડદા પાછળ હોય પણ એમની કાળજી અને આયોજનનો લ્હાવો પણ અનન્ય હોય છે. પછીનો કાર્યક્રમ યુનિવર્સિટીમાં હતો. અધ્યાપકો ઉપસ્થિત હતા. કુલપતિ જોશીપુરા સાહેબ સંપૂર્ણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીમિત્રોએ એમની રચનાઓનું પઠન કર્યું. જોશીપુરા સાહેબ તો રાત્રિકાર્યક્રમના કવિસંમેલનમાંય હાજર રહ્યાં. મેયર સંધ્યાબહેન પણ ખાસ ઉપસ્થિત રહ્યાં. રાજકોટનો સાહિત્યયાત્રાનો માહોલ સંપૂર્ણ ધબકતો રહ્યો. બેય કાર્યક્રમ વચ્ચે ભગિની નિવેદિતા સ્કૂલના સંકુલમાં નગરજનોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજવામાં આવેલો ત્યાં આપણા કૃષ્ણ દવે હાજર રહ્યા. સતીશભાઈએ સુંદરમની કૃતિ વિશે વાત કરી તો રતિલાલ બોરીસાગરે એમના પુસ્તક વિશે વાત કરી. કૃષ્ણ દવે અને રાજેન્દ્ર શુક્લે કાવ્યપાઠ કર્યો. રાત્રિ બેઠકના કવિસંમેલનમાં રૂ.૧૦,૦૦૦ /-નું દાન મળ્યું. અનિલભાઈ અને દિનેશ પારેખ હોય અને સાહિત્યિક પ્રવૃત્તિ ચાલતી રહે માટે આર્થિક સહાય ન મળે તેમ બને? રાજકોટ અવિસ્મરણીય રહ્યું. અનિલભાઈ નીતિનભાઈની મહેનત અને પ્રેમ બંનેનો અનુભવ થયો. મણિલાલના શબ્દો આખા દિવસ ગુંજતા રહ્યા. સાહિત્ય નિર્ભ્રાંત કરે છે અને જીવનની અનેક ભ્રાંતિમાં જીવવાનું બળ આવે છે ! અનેક મિત્રોનો સહયોગ સાંપડ્યો. ખાસ તો સંજુ વાળા, મેહુલ અને ગોપાલભાઈ માકડિયાનો સવિશેષ.

    સુરેન્દ્રનગર હોય એટલે ચન્દ્રકાન્ત વ્યાસ સાથે હોય જ. રાજસોભાગ આશ્રમમાં સવારનું ભોજન લીધું ત્યારે હમણાં જ ઉજવેલા સાહિત્યસત્રની યાદો ફરી વળી. સાયલા ગામના જયભિખ્ખુ માર્ગ પરથી ગામ છેવાડેની કન્યા વિદ્યાલયમાં ગયા ત્યારે નાગજીભાઈ દેસાઈ મુંબઈનો પ્રવાસ ટૂંકાવીને હાજર હતા. અમદાવાદથી ખાસ હરિકૃષ્ણ પાઠક આવી ગયા. નાગજીભાઈ અને હરિકૃષ્ણના ગીતોથી આખું વાતાવરણ ખીલી ઊઠ્યું. પ્રશ્નો પુછાયા. સતીશભાઈ અને મનસુખભાઈએ સરસ ઉત્તર દ્વારા સાહિત્યયાત્રાનું પ્રયોજન સમજાવ્યું. આરંભમાં ચન્દ્રકાન્તભાઈએ કાર્યક્રમનું સંચાલન કરતાં આવા પછાત વિસ્તારમાં સાહિત્યકારો આવ્યા તેમના પ્રતિ અહોભાવ વ્યક્ત કર્યો હતો પરંતુ કાર્યક્રમને અંતે રાજેન્દ્ર શુક્લે વિદ્યાર્થીઓના મનમાં એક શ્રદ્ધા ઉત્પન્ન કરી આપી કે "અમે પછાત નથી જ નથી." સાહિત્ય પ્રત્યક્ષ કે પરોક્ષ વ્યક્તિને સંસ્કૃત કહે છે એ વાત જાણે આપોઆપ ચરિતાર્થ થઈએ સાહિત્યયાત્રાની ચરમ સીમા હતી. યાદગાર કાર્યક્રમમાંથી જાણે બહાર નીકળવાનું મન જ થતું ન હતું પરંતુ સુરેન્દ્રનગરમાં ત્રણ ત્રણ સ્કૂલના કાર્યક્રમ આગળ હતાં. બે જૂથના સાહિત્યકારો વહેંચાયાં. રાજકોટથી સંજુ વાળા, જગદીશ ત્રિવેદી અને નરેન્દ્ર જોશી જોડાયેલાં. વઢવાણની એમ.યુ.શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ અન એ આર.પી.પી. ગર્લ્સ હાઈસ્કૂલમાં કાર્યક્રમ હતા. એકમાં મનસુખ સલ્લા, બીજામાં હરિકૃષ્ણ પાઠક. બંને કાર્યક્રમ ઉત્તમ રીતે પૂર્ણ થયા. વિદ્યાર્થીઓ રાજેન્દ્ર શુક્લ પાછળ ઘેલા. દરેક કાર્યક્રમ પછી એમની આસપાસ ટોળેતોળાં વળે. એમાંથી કવિશ્રીને ખેંચી બીજા કાર્યક્રમમાં લઈ જવા એય એક જવાબદારીનું કામ રહેતું. સર્વત્ર સાહિત્ય પ્રતિનો પ્રેમ, આદર જોવા મળ્યો. હૈયે સધિયારો અંકે કરતા ગયા. પરંતુ શ્રેષ્ઠ કાર્યક્રમ તો કૉલેજમાં ગોઠવાયો. સુરેન્દ્રનગરની તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સાથેની સભા ઉત્તમ રહી. મનસુખભાઈ, સતીશભાઈ, હરિકૃષ્ણ પાઠક અને રાજેન્દ્ર શુક્લે સાહિત્યને શિક્ષકો દ્વારા કેમ જીવંત રાખવું તેની વાતો કરી. વિચારવિમર્શ થયો. માતૃભાષાનો મહિમા અને પુસ્તકોનો મહિમા વિદ્યાર્થીમાં કેમ જગાવવો, તેને માટે શિક્ષકોએ પોતાનું ઘડતર કેમ કરવું? વગેરે અનેક પ્રશ્નો રચાયા. ૨૦૦થી વિશેષ શિક્ષકોની હાજરી નોંધપાત્રા ઘટના હતી. રાત્રિબેઠક, રોટરી ક્લબ દ્વારા યોજાઈ હતી. પંકજ ત્રિવેદીએ સુંદર સંચાલન કર્યું. આખો કાર્યક્રમ ખૂબ અર્થપૂર્ણ અને આદાનપ્રદાનથી સભર રહ્યો. સ્થાનિક ઉદ્યોગપતિ જયેશ મહેતા પણ હાજર રહ્યા હતા. ડૉક્ટરમિત્રોની હાજરી પણ વિશેષ રહી. સાહિત્યરસિકોમાં અનેક નગરજનો ઉપસ્થિત રહ્યા. રાત્રે રાજસોભાગ આશ્રમમાં રોકાયા અને સવારે અંતિમ પડાવ ભાવનગર તરફ વળ્યો ત્યારે યાત્રામાં બે રાજેન્દ્ર!

    મહેન્દ્રસિંહ પરમારનો વચ્ચે ફોન આવ્યો, કેટલે પહોંચ્યા? રાજેન્દ્ર શુક્લે કહ્યું "એયને ધિંગાણું ભાવનગર તરફ વળ્યું છે. બે મહાનગરો છોડી આવે છે. બીજા બધા ઘાયલોને ઝોળીએ ઘાલી ઘર ભેગાં કર્યાં છે. તમ તમારે તૈયારી બરોબર કરો હો!" 'પ્રસાર' ભાવનગરનું પ્રારંભ સ્થળ. જયંત મેઘાણીનો સ્નેહ માણ્યો ને ત્યાં વિદ્યાર્થીઓનું સરઘસ આવી પહોંચ્યું. માય ડિયર જ્યુ, અજય ઓઝા, કલ્પનાબહેન વગેરે વિપુલ પુરોહિત અને બીજા મિત્રો સાથે સાહિત્યફેરી નીકળી. ફરફર વરસાદનાં ફોરાં, બેન્ડનો અવાજ અને વિદ્યાર્થીઓના નારા. ભાવનગરની સડકો જીવતી થઈ ગઈ. પ્રસારથી સ્વામીનારાયણ ગુરુકુળ સુધીના માર્ગ એ ફેરીનો માર્ગ. લોકો સાહિત્યકારોને જોવા-માણવા ઉભરાવા લાગ્યાં. સ્વામીનારાયણ ગુરુકુલનો મંચ ૧૦ ફૂટ ઊંચો. વિશાળ સભાગૃહ વિદ્યાર્થી અને શિક્ષકોથી ભરચક્ક થઈ ગયો. માય ડિયર જ્યુ અને રાજેન્દ્ર પટેલે સાહિત્ય અને સાહિત્યયાત્રા વિશે વાત કરી. માય ડિયર જ્યુનો ૧ ૦મા ધોરણમાં 'છકડો' વાર્તા અને રાજેન્દ્ર શુક્લની ગઝલ ૧૨મા ધોરણમાં, બંનેને જોવા-સાંભળવા વિદ્યાર્થીઓમાં અનેરો રોમાંચ છલકતો. રાજેન્દ્ર શુક્લ મંચ ઉપરથી ઊતરી બધા વચ્ચે ગયા અને ગઝલ ઝિલાવી. વિદ્યાર્થીઓ એકાકાર થઈ ગયાં. સાહિત્યયાત્રાનું એક દુર્લભ દ્રશ્ય. સાહિત્યકાર મંચ પરથી ઊતરી લોકો વચ્ચે જાય છે ત્યારે એક અનન્ય સેતુ રચાય છે. અને એ સેતુ દ્વારા જ સાહિત્ય સહજ બને છે તે વાત સ્પષ્ટ થઈ. રાત્રિ બેઠકમાં જયંતભાઈએ આ વાતનો સવિશેષ ઉલ્લેખ કર્યો: સાહિત્યકાર મંચ છોડી બધા વચ્ચે જશે ત્યારે આપણું સાહિત્ય ખરાઈ સાચા અર્થમાં સાહિત્ય બનશે. લેખકનેય મૂંઝવે તેવા અનેક પ્રશ્નો વિદ્યાર્થીઓએ કર્યા. ભાવનગરમાં કુલ છ કાર્યક્રમ ગોઠવાયા હતા. પાંચ કર્યા એક મહેન્દ્રસિંહે અને માય ડિયર જ્યુએ પછી કરવાનું વચન આપ્યું. સવારે પાંચ વાગ્યાથી રાત્રે ૧ વાગ્યા સુધી સતત કાર્યક્રમો. સાત દિવસમાં કુલ ૩૨ કાર્યક્રમો ગોઠવાયા હતા. ભાવનગરના પ્રત્યેક કાર્યક્રમમાં માય ડિયર જ્યુ અને રાજેન્દ્ર શુક્લ કેન્દ્રમાં. પ્રજા જ્યારે પોતાના સાહિત્યકારને સન્મુખ જુએ છે ત્યારે તે સોળે કળાએ ખીલે છે. એક સેતુ રચાય છે સંવેદનાનો. એક સંવાદ રચાય છે અને એ થકી સાહિત્ય અને સમાજ બંને સંક્રાંત થાય છે. તે વાત અનેકવાર ઊભરી આવી. ભાવનગરની છેલ્લે બેઠકમાં તખ્તસિંહ પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. એમને જોતાં જ આપણામાં પ્રેમ, જ્ઞાનનું પૂર ઊતરે. એ કાર્યક્રમમાં ભાવનગરમાં સાહિત્યયાત્રાનો હાલ પૂરતો અંત નહીં પરંતુ એક પ્રારંભ જોવા મળ્યો. અજય પાઠક, ગુણવંત ઉપાધ્યાય સાથે અનેક મિત્રો હાજર રહ્યા. ભાવનગરના સર્જકો, ભાવકો, નાગરિકો સાથેનો અનેરો સંવાદ હજુએ જાણે ગૂંજે છે.

    સાહિત્યયાત્રાના કેટકેટલાં રૂપે, અર્થે અવનવી યાત્રામાં રૂપાંતર પામતી રહી તે જોવાનું સદભાગ્ય થોડાક સાહિત્યકારોને સાંપડ્યું. પણ આ વાત સમગ્ર ગુજરાતી ભાષાના સાહિત્યકારોએ જાણવા-અનુભવવા જેવી છે. પરિષદનો કર્મચારી મૂકેશ સરપંચ હોય કે ડ્રાઈવર હોય. એ બધાની સામેલગીરી પણ કોઈ સાહિત્યકારથી ઓછી ન હતી. રાત્રિબેઠકમાં પરિષદનાં પુસ્તકો ગોથવવાં, વેચવાં અને પાછા પેક કરી મૂકવાનું સતત કામ તેમને માથે હતું. આ સાહિત્યયાત્રામાં જોડાતાં સાહિત્યકારો સ્વયં આવે છે જાય છે. કોઈ ખર્ચ લેતાં નથી. ન માન, અગવડ-સગવડનીય પળોજણમાં પડતા નથી. ન કશો ભાર, ન ઝંઝટ આ બધા મિત્રો - વડીલોનો આભાર કેમ વ્યક્ત થાય? વાટ ઘણી લાંબી છે. આપણે સૌ સાથે હોઈશું તો ખબર નહીં પડે. વાટને અંતે વાટ જોતી માતૃભાષા ભેટવા ઉત્સુક છે. એક નારાયણ છે દીવો ઝીલી ઊભેલાં રસ્તો બતાવનાર. ચાલો આપણે દોડીએ. ભેટવા શબ્દને, સમાજને, સાહિત્યને, આપણને, આપણી માને.
    - રાજેન્દ્ર પટેલ.

     


    વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.