લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

- નારાયણ દેસાઈ (મે ૨૦૦૮)

ઘણું જીવો ગુજરાતી

નવસારીમાં એક સજ્જને ખૂબ મોટા અક્ષરે છપાયેલ એમનો એવો લેખ આપ્યો કે જેમાં એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે ગુજરાતી ભાષા મરવા પડી કે અને એકાદ પેઢીમાં તો એની કબર ખોદાશે. મને થયું કે માતાના મરણ અંગે આવું વિધાન કયું સંતાન કરી શકે? મારા મને ઉત્તર આપ્યો કે આ સવાલના ઘણા બધા જવાબોમાં કેટલાક નીચે મુજબના હોઈ શકે:

  • જેને ઝાઝી માંદગી વિષે એવી ખાતરી થઈ ગઈ હોય કે હવે એની છેલ્લી ઘડીઓ ગણાય છે.

  • જે માના મરવાની વાટ જોતો હોય.
  • જે એટલો સ્થિતપ્રજ્ઞ અવસ્થાએ પહોંચેલો હોય કે એને માનું શરીર જવા અંગે કાંઈ હર્ષશોક ન હોય.
  • મૂળ નવસારીના હાલ વિદેશ નિવાસીએ ગુજરાતી ભાષા અંગે ઉપર મુજબનું નિદાન કરીને એમાંથી બચવાનો જે ઉપાય સૂચવ્યો હતો તેના પરથી એમ લાગતું હતું કે એમના મનની અવસ્થા ઉપર જણાવેલા જવાબો પૈકી બીજા અને ત્રીજા કારણ સાથે મેળ ખાય એવી નહોતી. પહેલા જવાબમાં દર્શાવેલી અવસ્થામાંથી છૂટવા એમણે ઉપાય એ સૂચવ્યો હતો કે ‘પરબ’માં એક વિભાગ અંગ્રેજીમાં કાઢો તો (વિદેશવાસી ભારતીયોની) નવી પેઢી એ વાંચશે અને ગુજરાતી ભાષા બચી જશે. કોઈ પણ ઉપાયે ‘પરબ’ માસિક ટકી રહે તો ગુજરાતી ભાષા ટકી રહે એવું એમનું નિદાન કદાચ ગમે એવું હોઈ શકે. પણ તર્કથી સમ્મત થઈ શકાય એવું તો તે વિધાન નથી જ. એવું તો ‘પરબ’ વિષે મારા કરતાં ઘણી ઊંડી લાગણી ધરાવનારાઓએ પણ સ્વીકારવું પડે એમ છે.

    પણ આપણે મૂળ પ્રશ્ન પર આવીએ. ઉપરોકત સમસ્યાનો ઉલ્લેખ કરનાર ભાઈના મનમાં ગુજરાતી ભાષાના ભવિષ્ય અંગે જે ચિંતા છે તેવી ચિંતા કોઈ બીજા જ કારણસર સાવ જુદા છેડાથી વિચાર કરનારાના મનમાં પણ હોઈ શકે ખરી. દાખલા તરીકે આપણા વિદ્યાલય-મહાવિદ્યાલયોમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તેમને ભણાવતા શિક્ષકો-અધ્યાપકોની ભાષા સાંભળી કે વાંચીને કોઈક ભાષાપ્રેમીને આવી ચિંતા થઈ શકે. અથવા આપણા કેટલાક દૈનિક અખબારોનાં મૂળ નામો, એનાં મથાળાંઓ કે એમાં છપાતા સમાચારો કે વિચારોની ભાષા જોઈને અથવા ટેલિવિઝનના કેટલાક કાર્યક્રમો જોઈ-સાંભળીને પણ આવો ભય ઊભો થઈ શકે એમ છે. અથવા અંગ્રેજી માધ્યમોમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ લેતાં બાળકોની પરસ્પરની અથવા વાલીઓ સાથેની વાતચીતો સાંભળીને એવી શંકા જાગી શકે એ કબૂલ કરવું પડે એમ છે. સ્વર્ગીયા ડૉ.સુશીલા નાયર એક કાળે દિલ્હી રાજ્યનાં મંત્રી હતાં ત્યારે તેમણે ત્યાંની ધારાસભામાં ભજવાયેલો એક સંવાદ કહી સંભળાવ્યો હતો. એક ધારાસભ્યે પોતાના ભાષણની શરૂઆત કરતાં કહ્યું: “મૈં બહુત રિગ્રેટ કરતા હૂં કિ અપને આપકો હિંદીમેં સેટિસ્ફેટરિલી એક્સપ્રેસ નહીં કર પાતા.” એટલે તરત એના વિરોધી પક્ષના ધારાસભ્યે કહ્યું: “તો ફિર આપ સિટ હો જાઈયે”. અલબત્ત બંને ધારાસભ્યોની માતૃભાષા હિંદી જ હતી! આવા સંવાદમાં હાસ્યરસ તો છે જ, પણ એ ઉપરાંત કરુણરસ પણ ભરેલો નથી?

    ઉપરના દાખલાઓમાં આપણી ભાષા ખીચડીભાષા થઈ રહી છે, એનાં કરતાં ચિંતાનો ખરો વિષય એ છે કે માતૃભાષા પોતાની અભિવ્યક્તિ ગુમાવતી જાય છે. ગુલામ પ્રજાની ગુલામી ટકાવી રાખવાનું હાકેમ પ્રજાનું એક જબર્દસ્ત સાધન પોતાની ભાષા ગુલામો પર લાદવાનું હોય છે, એ તો જાણીતી વાત છે. આવી ગુલામગીરી રાજનૈતિક શાસકો તો લાદતા જ હોય છે, પરંતુ આર્થિક આધિપત્ય કરનારાઓ પણ ગરીબ કે ઓશિયાળી પ્રજા પર લાદે છે, તે ભુલાવું ન જોઈએ. આખા દક્ષિણ અમેરિકા ખંડમાં હાલ બે જ ભાષાઓ પ્રચલિત છે: બ્રાઝિલમાં પોર્ચુગીઝ અને બીજા બધા દેશોમાં સ્પેનિશ. બંને આક્રમણકારી હાકેમોની ભાષાઓ છે. પોતપોતાની રીતે આ બંને ભાષાઓ ઉત્તમ ભાષાઓ હશે, પણ ત્યાંના મૂળવતનીઓની જે ભાષા હતી એ તો સાવ લોપ જ થઈ ગઈ છે. એક કાળે આ આખા ખંડમાં એક અથવા એકથી વધારે ખૂબ વિકસિત સંસ્કૃતિઓ હતી જે હવે નામશેષ થઈ ગઈ છે. આપણા આખા દેશમાં અનેક એવી ભાષાઓ છે જે દુનિયાની કોઈ પણ ભાષાની હરોળમાં વાજબી હક સાથે ઊભી રહી શકે. આ ભાષાઓ નામશેષ થઈ જાય એ આપણને ગમે ખરું? ભાષા માત્ર સંચારનું માધ્યમ નથી પણ આપણી આખી સંસ્કૃતિના રંગસૂત્રો આપણા સુધી અને આપણા પછીની પેઢીઓ સુધી પહોંચાડતી જીવનશૃંખલા છે. ગુજરાતી ભાષા આપણને નરસિંહ, મીરાં, હેમચંદ્રાચાર્ય કે ઝંડુ ભટ્ટ સાથે લોહીની સગાઈથી સાંકળે છે. મરાઠી ભાષા મરાઠીભાષીઓને જ્ઞાનોબાથી વિનોબા સુધી જોડી આપે છે. અને તમિલ ભાષા તો વેદો કરતાં પણ પુરાણી સંસ્કૃતિનો વારસો આપી જાય છે. ભાષા મૂંગા પશુઓ કે સીમિત અવાજ કરતાં પ્રાણીઓથી મનુષ્યને ઉત્ક્રાન્તિની એક નવી સપાટીએ લઈ જાય છે – જે તેના વિચારો અને ભાવો બંનેનું માધ્યમ બને છે. માનવે ભાષા સાધી ત્યાર પછીનો આખો ઈતિહાસ એની સંસ્કૃતિ સાથે, માણસના ચિત્ત સાથે અને હતતંત્ર સાથે ભળીને એનું ઘડતર બની તેમાં જડાઈ જાય છે. માણસ નાનપણથી જે વાતાવરણમાં ઊછરે છે તે એની માતૃભાષા. માતૃભાષા માતાની માફક તેના સંસ્કારોને પાળે-પોષે છે. માણસ જો એની માતૃભાષાથી વિખૂટો પડે તો તે એના સાંસ્કૃતિક વારસાથી વિખૂટો પડે છે. નવસારીની પેલા પરદેશ વસેલા ભારતીય મિત્રની ચેતવણીમાં એટલું તથ્ય છે કે (વિવિધ કારણોને લીધે) આજે એક અર્થમાં ગુજરાતી ભાષા ખતરામાં છે. ગુજરાતના નાગરિકો ગુજરાતી પૂરતા સીમિત રહે એવું તો કહેવાનું હોઈ જ ન શકે. એ અવશ્ય ભારતીય નાગરિક બને, વિશ્વનાગરિક બને, પણ ગુજરાતી નાગરિક મટીને નહીં. એ જેટલો ઉત્તમ ગુજરાતી નાગરિક બનશે તેટલો જ એ હિંદી અને વિશ્વનાગરિક બની શકશે.

    કદાચ બીજા પ્રદેશવાસીઓની સરખામણીમાં ગુજરાતી માણસ પોતાના પ્રાન્તથી બહાર વધુ જતો હશે. પશ્ચિમી લોકો ભારતમાં આવ્યા ત્યાર કરતાં ક્યાંય પહેલાથી ગુજરાતી માણસ વહાણવટું કરે છે. સંખ્યામાં ઓછા હોવા છતાંયે ગુજરાતી લોકો આખા ભારતનાં તીર્થસ્થાનોમાં એમની સંખ્યાના પ્રમાણમાં વધારે દેખાય છે. આ અવરજવરને લીધે આપણી ભાષામાં કેટલાય નવા નવા શબ્દો અનાયાસ દાખલ થાય છે, પરિણામે ભાષા સમૃધ્ધ થાય છે. પણ અન્ય ભાષાના શબ્દોનો પોતાની ભાષામાં સમાવેશ કરવો એક વાત છે અને પોતાની ભાષાને ભૂલીને બીજી ભાષાના શબ્દો (ઘણીવાર સમજ્યા વિના કે આડેધડ) વાપરવા માંડવા એ સાવ જુદી વાત છે.

    માતૃભાષાને નબળી પડતી કે છેવટે મરવા પડતી અટકાવવા ગુજરાતી માણસ શું કરી શકે? એમ તો ઘણું ઘણું કરી શકે. પણ અહીં એને સારુ આખો પાઠ્યક્રમ રજૂ કરવા વિચાર નથી. અહીં માતૃભાષા અંગે ચિંતા કરનારા માણસ તરીકે માતૃભાષા અંગે કાળજી રાખનારાઓ જોડે થોડો સદવિચાર કરી લઈએ.

    સૌથી પહેલાં તો ગુજરાતી ભાષા એ તમામ ગુજરાતીઓનો સમૂહગત વારસો છે – કિંમતી અને ગૌરવ અપાવે તેવો વારસો છે એ વિષે સર્વ સાધારણ ગુજરાતી જેટલો સભાન થાય એટલું રૂડું છે. ભાષા અંગે ગર્વ ન કરીએ, પણ આપણાથી બને તેટલું એનું ગૌરવ જાળવીએ. આપણે ભાષાનું ગૌરવ એટલે અંશે જ જાળવી શકીશું જેટલે અંશે એના વપરાશ અંગે આપાઅમાં ચીવટ ને ચોકસાઈ હશે.

    આપણા પરિવારમાં તમામ વહેવાર આપણી માતૃભાષામાં જ કરવાનો આગ્રહ રાખીએ. આમ કરવું ખાસ કરીને ભણેલાગણેલા લોકો માટે સહેલું નથી. એને સારુ માતૃભાષામાં જ વિચાર કરવાની ટેવ પાડવી પડશે.

    જેની માતૃભાષા નથી તેમની સાથેના વ્યવહારમાં આપણે જરૂર ખુશીથી બીજી ભાષાનો વ્યવહાર રાખીએ પણ પરપ્રાન્તમાં રહેતા હોઈએ ત્યાં પણ ઘરના લોકો સાથે તો માતૃભાષામાં જ બોલવાનો વ્યવહાર રાખીએ.

    બાળકોને હિંદી કે અંગ્રેજી અવશ્ય ભણાવીએ પણ એમના શિક્ષણનું માધ્યમ તો ગુજરાતી જ હોય એવો આગ્રહ રાખીએ. જે જગાએ ગુજરાતીઓ ઠીક ઠીક પ્રમાણમાં વસતા હોય ત્યાં ગુજરાતી શાળાની વ્યવસ્થા સરકાર કરાવી આપે એવો આગ્રહ રાખવો જોઈએ.

    પરિવારના લોકો સાથે ગુજરાતીમાં જ પત્રવ્યવહાર કરીએ. સામાન્યપણે તમામ ગુજરાતીઓ સાથે પણ ગુજરાતીમાં જ પત્રવ્યવહારનો આગ્રહ રાખીએ. પરિવારમાં નિયમિત રીતે કાંઈક ને કાંઈક ગુજરાતી શિષ્ટવાચનની પરંપરા પાડીએ.

    આપણી દુકાન કે દફ્તરનાં નામ ગુજરાતી ભાષાનાં રાખીએ અને તેનાં પાટિયાં ગુજરાતી લિપિમાં લખીએ. કોઈ પણ સરકાર ગુજરાતમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટે એવાં પગલાં, ગમે તે કારણે લેતી હોય તો તેની વિરુધ્ધમાં લોકમત કેળવવાનો પ્રયાસ કરીએ.

    આપણા પ્રાથમિક-માધ્યમિક શિક્ષણમાં ભાષાશિક્ષણને પોષે એવા તમામ પ્રયત્નો સરકાર કે ખાનગી સંસ્થાઓમાં થાય એવું વાતાવરણ બનાવીએ. વર્ગો, ઓપવર્ગો, પરીક્ષાઓ, સમ્માનો શિષ્યવૃત્તિઓ ઈ. પ્રચલિત ઉપાયોને માતૃભાષાની સેવા તરફ વાળવા પ્રયત્ન કરીએ.

    શિક્ષકો હોઈએ તો વિદ્યાર્થીઓની માતૃભાષા મજબૂત થાય એવા તમામ પ્રયત્નો કરીએ. ભાષા સિવાયની તમામ વિદ્યાશાખાઓમાં પણ માતૃભાષા અંગે ઓછામાં ઓછો એક પ્રશ્નપત્ર ફરજિયાત રાખવાનો આગ્રહ સેવીએ. પંડિતોનો એ અનુભવ અને સર્વેક્ષણ છે કે જે વિદ્યાર્થીની ભાષા મજબૂત હોય છે તે વિજ્ઞાન કે ગનિતના વિશયોમાં પણ વિશેષ પ્રગતિ કરે છે.

    આપણે સાહિત્યસેવી હોઈએ તો નિત્ય થોડું થોડું લખવાની ટેવ પાડીએ. આપણું લખાણ છપાય છે કે નહીં, એને પુરસ્કાર મળે છે કે નહીં તેની મુદ્દલ ચિંતા ન રાખીએ. આપણી અભિવ્યક્તિ એ જ આપણો પુરસ્કાર છે. હરીફાઈ જરૂર કરીએ, પણ તે આપણી જીત સાથે.

    - નારાયણ દેસાઈ


    આર્કાઈવ્ઝ

     


    વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.