લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

(ઑગસ્ટ ૨૦૦૭)

પરિષદપરિવારનાં પ્રિય સ્વજનો,

૨૦૦૭નું સાહિત્ય માટેનું દ્વિવાર્ષિક ‘માન બ્રૂકર આંતરરાષ્ટ્રીય પારિતોષિક’ આફ્રિકાના ઉત્કૃષ્ટ નવલકથાસર્જક આલ્બર્ટ ચીનુઆલુમોગુ અચેબેને એનાયત કરવામાં આવ્યું છે. વિશ્વસાહિત્યમાં આની નોંધ શકવર્તી ઘટના તરીકે લેવાઈ છે.

૧૯૩૦ની ૧૫મી નવેમ્બરે નાઈજિરિયાની ઈબો જાતિમાં જન્મેલા ચીનુઆ અચેબે અંગ્રેજી ભાષામાં સર્જન કરનાર આફ્રિકન સર્જક તરીકે સર્વત્ર વિખ્યાત છે. આફ્રિકન દેશોના સર્જકોમાં ચીનુઆ અચેબે અંગ્રેજીમાંથી અન્ય ભાષાઓમાં સૌથી વધુ અનુવાદ પામનારા સર્જક છે. આધુનિક આફ્રિકી સાહિત્યના જન્મદાતા તરીકે ઓળખાયેલા ચીનુઆ અચેબેને પ્રાપ્ત થયેલા પારિતોષિક વિશે આપણે ત્યાં ભાગ્યે જ કોઈએ નોંધ લીધી છે. એનું કારણ એ છે કે આપણે યુરોપીય કે અમેરિકન સાહિત્યની જેટલા આફ્રિકન દેશોની સાહિત્યિક ગતિવિધિના સંપર્કમાં નથી. ખરેખર તો હવે આપણે એશિયન તેમજ આફ્રિકી સાહિત્યની ગતિવિધિમાં વિશેષ ભાવે રસ લેવાનું રાખવું જોઈએ.

સમકાલીન આફ્રિકન સર્જકોની આંખ ઊડીને વળગે એવી વિશેષતા એ છે કે એમણે એમની કથ્ય પરંપરામાંથી ખોબે ખોબે પ્રેરણાનાં વારિ પીધાં છે. એમના સર્જકપિંડના ઘડતરમાં એમની જાતિનાં લોકનૃત્યો, લોકગીતો અને લોકકથાઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. આથી આફ્રિકન લેખક એના પરંપરાગત ધર્મનાં દેવ-દેવીઓની કથાઓ અને એની સામાજિક માન્યતાઓ કે લોકજીવનના પ્રસંગો એના સર્જનપટમાં તાણાવાણાની માફક ગૂંથે છે. આ સર્જકોની કૃતિમાં તળભૂમિની સંસ્કૃતિની - લોકસંસ્કૃતિની સોડમ આવે છે. ચીનુઆ અચેબેના પિતા ઈસઈહ ઑક્ફો અચેબે પૂર્વ નાઈજિરિયામાં આવેલા એમના ગામ ઓગીડીમાં પરંપરાગત ધર્મ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનાર પ્રથમ વ્યક્તિ હતા. પરિણામે ચીનુઆ અચેબેને બાલ્યાવસ્થામાં ઈબો જાતિના પરંપરાગત ધર્મ પ્રત્યે ઉપેક્ષા ધરાવવાના સંસ્કાર મળ્યા; પરંતુ માતા-પિતાનો પ્રતિબંધ હોવા છતાં પડોશના બિનખ્રિસ્તી લોકોની સાથે અચેબે ગામમાં યોજાતા પરંપરાગત લોકોત્સવો માણવા જતા હતા. આથી એમની કૃતિઓમાં આફ્રિકન જનજીવનનો સત્ત્વરસ નીતરે છે.

અચેબેએ હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન ચાર્લ્સ ડિકન્સ, જૉનાથન સ્વિફ્ટ અને વિલિયમ શેક્સપિયરને માણ્યા હોવા છતાં એમની સાહિત્યિક વિભાવના પાશ્ચાત્ય સાહિત્યને બદલે આફ્રિકી સાહિત્ય દ્વારા ઘડાઈ છે. એમની નવલકથાસૃષ્ટિમાં લોકજીવનની વાત તો મળે છે, પણ એથી યે વિશેષ પુરાકલ્પનો અને પરંપરાગત માન્યતાઓની વાત પણ મળે છે. ઈબો જાતિમાં અલ્મા અથવા તો અની નામની દેવીનાં બે સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. એ પૃથ્વીને દેવી હોવાની સાથોસાથ સર્જનની દેવી પણ છે. જગતની સર્જનાત્મકતા અને નૈતિકતા બંનેનો એ આધાર છે અને આ દેવીની સ્વરૂપમાંથી અચેબે સર્જનનું હાર્દ શોધે છે. તેઓ કહે છે કે કલા ક્યારેય સંહારનું માધ્યમ, શોષણની સેવિકા કે અનિષ્ટની ઉપાસિકા બની શકે નહીં. પરિણામે સર્જકના કથાસર્જન પાછળ સ્પષ્ટ હેતુ અને નિશ્ચિત સંદેશ હોવા જોઈએ. આમ પોતાના લેખનના આદર્શ તરીકે પાશ્ચાત્ય સાહિત્યની કોઈ વિભાવના સ્વીકારતા નથી. તેઓ તો સર્જનાત્મકતા અને નૈતિકતાનું અનુસંધાન સાધીને સાહિત્યસર્જન દ્વારા લોકહિતનો મહિમા કરે છે.

આફ્રિકાના સર્જકોની એક બીજી વિશેષતા તે પોતાની આસપાસની પરિસ્થિતિ વિશેની સભાનતા છે. ચીનુઆ અચેબેએ સમયના ત્રણ તબક્કા નિહાળ્યા છે: બાળપણમાં શ્વેત પ્રજાના સામ્રાજ્યવાદી શાસનનો તબક્કો, યુવાનીમાં રાષ્ટ્રવાદી આંદોલનોનો તબલ્લો અને એ પછીનાં વર્ષોમાં ગુલામીમુક્ત આધુનિક આફ્રિકાના નવજાગરણનો તબક્કો. આથી અચેબેની નવલકથાઓમાં ઈબો જાતિના તળપદ જીવનની સાથોસાથ આસપાસની પરિસ્થિતિ અંગેનો નિર્ભીક અને વાસ્તવિક અનુભવ પણ આલેખાયો છે. વિશ્વવ્યાપી શોષણ સામે અચેબેએ પોતાના સર્જન દ્વારા બુલંદ અવાજ ઉઠાવ્યો છે. પોતાની જાતને ‘રાજકીય લેખક’ તરીકે ઓળખાવતાં તેઓ લેશમાત્ર સંકોચ પામતા નથી, પરંતુ એમને મન રાજકારણ એટલે જાતિગત અને સાંસ્કૃતિક સીમાસા ભૂંસીને વૈશ્વિક માનવસંવાદની રચના ઈચ્છતું અને માનવ-માનવ વચ્ચે કલ્યાણની ભાવના જગાવવા માટેનું માધ્યમ. આવી છે એમની રાજકારણની વિભાવના. આવી વિભાવનાને પરિણામે શોષણ, અત્યાચાર અને સરમુખત્યારશાહીથી મુક્ત એવા સમાજ માટે અચેબે સર્જન અને સર્જનેતર પ્રવૃત્તિઓ દ્વારા નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા રહ્યા છે.

શ્વેત પ્રજાની ગુલામીમાંથી મુક્ત થયા બાદ આફ્રિકા હમવતન શાસકોની સરમુખત્યારશાહીની ચુંગાલમાં ફસાઈ ગયું. આ શાસકોને સૌથી વધુ ભય સર્જકોનો હોવાથી એમણે સર્જકો ઉપર અમાનુષી ત્રાસ વર્તાવ્યો, કોઈને નજરકેદ કર્યા, કારાવાસમાં ગોંધી રાખ્યા. ફાંસી પણ આપી. આવા ત્રાસને કારણે ઘણા સર્જકોને દેશવટો ભોગવવો પડ્યો. લશ્કરી શાસનના દમન અને જુલમનો ભય ઝળૂંબતો હોવાથી સ્વયં ચીનુઆ અચેબેએ પોતાના પરિવારને નાઈજિરિયાનાં દૂરનાં સ્થળોમાં છુપાવી રાખ્યો. પોતે યુરોપમાં આવીને વસ્યા. એ સમયે નાઈજિરિયાના આંતરયુધ્ધમાં ઈબો જાતિના ૩૦ હજાર લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગૃહયુધ્ધના સમય દરમિયાન તો ચીનુઆ અચેબે અગ્રણી નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા પામી ચૂક્યા હતા. અચેબેને રાષ્ટ્રમાં ચાલતા માનવતાવિહોણા, ક્રૂર સંહારે અતિ વ્યથિત કરી નાખ્યા. તેમણે તાગ મેળવ્યો કે રાજકીય દ્રષ્ટિએ યુરોપ ભલે વ્યૂહાત્મક રીતે આ દેશથી પોતે અલિપ્ત થયું હોવાનો દેખાવ કરતું હોય, પરંતુ દેશ પર એની આર્થિક ભીંસ વધતી રહી છે. નાઈજિરિયાના નેતાઓ આ વાસ્તવિકતાને નથી જોઈ શકતા કે નથી તેના વિશે કશું સમજી શકતા. કારણ કે આ નેતાઓ નથી, પણ કઠપૂતળીઓ છે. આવી પરિસ્થિતિ દરમિયાન વિક્ષુબ્ધ અચેબે બે દાયકા સુધી વિસ્તૃત કથાપટ ધરાવતું નવલકથાલેખન કરી શક્યા નહીં, માત્ર વિષાદગ્રસ્ત પરિસ્થિતિને સમજાવતી તીવ્ર વેદના-સંવેદનાઓવાળી કવિતાનું સર્જન કરી શક્યા. એમના ત્રણ કાવ્યસંગ્રહો પ્રગટ થયાં છે. તે ઉપરાંત નવલિકા અને બાલવાર્તાઓનું સર્જન પણ કર્યું છે. એ પછી નાઈજિરિયાથી સ્વતંત્ર થયેલા બિયાફ્રાનના રાજદૂત બનેલા અચેબેએ વિશ્વભ્રમણ કરીને ભૂખને કારણે મૃત્યુ પામતાં અને સામૂહિક હત્યાકાંડનો ભોગ બનેલાં નાઈજિરિયાનાં બાળકોની વેદનાને વિશ્વસ્તરે વાચા આપી. અખબારો અને સામયિકોમાં આ વિશે લોખો લખીને એમણે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો. આ પરિસ્થિથી વિમુખ વિશ્વને એની અભિમુખ કરીને સંત્રસ્ત બાળકોને બચાવવાનું ભગીરથ કામ કર્યું.

આફ્રિકાના વર્તમાન સર્જકોએ શ્વેત પ્રજાની રાજકીય ગુલામીની સાથોસાથ એમની માનસિક ગુલામી સ્વીકારવાનો પણ ધરાર ઈનકાર કર્યો છે. આ પરિસ્થિતિ અંગે પોતાના લેખનથી આફ્રિકી લોકસમૂહને જાગ્રત પણ કર્યો છે. જૉસેફ કોનરાડની ‘હાર્ટ ઑફ ડાર્કનેસ’ નવલકથામાં આફ્રિકનોને ક્રૂર, જંગલી અને માનવતાવિહોણા આલેખવામાં આવ્યા છે. નિશાળના અભ્યાસકાળ-સમયે આ કૃતિ અચેબેને પસંદ હતી, પરંતુ ૧૯૪૭માં સ્નાતક થયા પછી અને પોતાની પ્રજાનાં હાડ અને હૈયાને ઓળખ્યા બાદ અચેબેએ આ લેખકની રંગભેદભરી દ્રષ્ટિની આકરી ટીકા કરી. અચેબેનું એ કૃતિવિવેચન વિશ્વના વર્ગખંડોમાં વિવાદ-ચર્ચા ને ઉહાપોહ જગાવી ગયું. યુરોપિયનો અને પશ્ચિમ-તરફી બૌધ્ધિકોએ આફ્રિકા અને આફ્રિકી પ્રજા વિશે આપેલા ને લખેલા પૂર્વગ્રહયુક્ત, તથ્યવિહોણા અને રંગભેદજનિત અભિપ્રાયોનો તેમણે પ્રબળ વિરોધ કર્યો. પાશ્ચાત્ય સભ્યતામાં ઊંડે સુધી ઘર કરી ગયેલા રંગભેદને અચેબેએ ખુલ્લો પાડ્યો.

વિશ્વભરના મૂક અને દલિત લોકોના સન્માન માટે મથતા આફ્રિકન પ્રજાના ઉત્તમ સર્જક અચેબે નોબલ પારિતોષિક મેળવી શક્યા નથી એનું એક કારણ એમના પશ્ચિમ વિરોધી અભિપ્રાયો હોવાનું કેટલાક માને છે. આલ્બર્ટ શ્વાઈત્ઝરની ‘આફ્રિકન દર્દીઓ કરતાં શ્વેત પ્રજાસમૂહ ચડિયાતો’ હોવાની માન્યતાને અચેબેએ ટીકા કરી. ૧૯૮૫ માં વી.એસ.નાઈપોલની ટીકા કરતાં કહ્યું કે પોતાની જાતે પશ્ચિમને વેચાઈ ગયેલા શક્તિશાળી સર્જકને એક દિવસ એના વળતર રૂપે નોબલ પારિતોષિક કે અન્ય પારિતોષિક ચૂકવવામાં આવશે. ઈ.સ.૨૦૦૧માં નાઈપોલને નોબલ પારિતોષિક મળ્યું.

બારેક માનદ ડૉક્ટરેટ મેળવનાર, અંગ્રેજી ભાષામાં ઉત્કૃષ્ટ નવલકથા સર્જનાર અને વીસમી સદીમાં ખૂબ વંચાયેલા અચેબેને નોબલ પારિતોષિક મળવું જોઈએ એવું છેલ્લાં કેટલાંય વર્ષોથી માનવામાં આવે છે. જો કે આ પૂર્વે ૨૦૦૪માં નાઈજિરિયાની સરકારે દેશના ઉચ્ચ ખિતાબોમાંનો બીજા ક્રમનો ખિતાબ ‘કમાન્ડર ઑફ ફેડરલ રિપબ્લિક આપવાનું જાહેર કર્યું હતું, ત્યારે પોતાના દેશની દુર્દશા કરનાર સરકાર પાસેથી આવો ખિતાબ સ્વીકારવાનો અચેબેએ ઈન્કાર કર્યો હતો.

અચેબેએ વીસ પુસ્તકોનું સર્જન કર્યું છે; જેમાં નવલકથા, નવલિકાસંગ્રહ, નિબંધસંગ્રહ, કાવ્યસંગ્રહ અને બાલસાહિત્યનો સમાવેશ થાય છે. પ્રથમ નવલકથા, ‘Things Fall apart’ (૧૯૫૮)થી એ આધુનિક આફ્રિકી સાહિત્યના પિતા તરીકે પ્રસિધ્ધ થયા. પાશ્ચાત્ય સાહિત્યના નવલકથાના સ્વરૂપનો રોપ આફ્રિકાની સાહિત્યસૃષ્ટિમાં ઉગાડનાર તરીકે તેમને પોંખવામાં આવ્યા. વળી સમકાલીન વાસ્તવ અને નૂતન સમાજના પ્રાગટ્યની અભિવ્યક્તિ માટે નવા તેજેઘડ્યા શબ્દો અને નવીન સ્વરૂપો શોધતા સર્જકોના અચેબે પારદર્શક બની રહ્યા. નાઈજિરિયાના સાહિત્યમાં આમોસ ટુટુહોલાની રોમાંચક લોકકથાઓ અને સીપિયન એક્વાન્સીની મનોરંજક શહેરી કથાઓનું પ્રભુત્વ હતું, તે સમયે અચેબેએ નવલકથાસર્જન કરીને સાહિત્યની નવીન ક્ષિતિજ ઉઘાડી આપી; આફ્રિકી સાહિત્યને સામાજિક અને ચૈતસિક વિશ્લેષણની ગંભીર ભૂમિકાએ મૂકી દીધું. આ પ્રથમ નવલકથામાં સામ્રાજ્યવાદના ઉષ:કાળમાં ઈબો સમાજનાં પરંપરાગત મૂલ્યો સાથે જોડાયેલા ઓકોંક્વો નામના કુશળ કુસ્તીબાજ અને શક્તિશાળી યોધ્ધાની સંવેદનશીલ કરુણ કથા છે. માનસિક સમજ અને બદલાતી પરિસ્થિતિ સ્વીકારવાનો ઈનકાર એના જીવનને કરુણતમ બનાવે છે. અત્યાર સુધીમાં આ નવલકથાની એંસી લાખ નકલો વેચાઈ છે અને પિસ્તાલીસ ભાષાઓમાં તે અનૂદિત થઈ છે. એનું નાટ્યરૂપાંતર, ફિલ્મરૂપાંતર અને ટી.વી.રૂપાંતર પણ થયું છે.

ઉપલક નજરે માત્ર આફ્રિકી પાઠકો માટે જણાતી આ નવલકથાનું સૂક્ષ્મ મનોવિશ્લેષણ સર્વ દેશના ભાવકોને સ્પર્શે એવું છે. ૧૯૬૦માં ‘નો લૉંગર એટ ઈઝ’ અને ૧૯૬૪માં ‘એરો ઑફ ધ ગૉડ’ જેવી નવલકથાઓ દ્વારા અચેબે સાંસ્કૃતિક સંઘર્ષ દર્શાવે છે તો ૧૯૬૬ માં લખેલી ‘એ મેન ઑફ થ પીપલ’માં નાઈજિરિયાના રાજ્યકર્તાઓમાં વ્યાપેલા ભ્રષ્ટાચારનું નિર્ભીક આલેખન કરે છે. આ પુસ્તકના પ્રકાશન બાદ નાઈજિરિયામાં સત્તપલટો થયો અને કેટલાકે એવી ખોટી શંકા પણ કરી હતી કે આ સત્તાપલટા પાછળ અચેબેનો હાથ છે.

અચેબેની અન્ય જાણીતી નવલકથા ‘Anthills of the Savannah’માં એમણે ત્રણ બાલગોઠિયાની વાત લખી છે, એમાંના એકને સત્તનો એવો નશો ચઢ્યો છે કે એ દેશના આજીવન પ્રમુખ થવાની ઘેલછા ધરાવતો થાય છે. સરમુખત્યારવૃત્તિ ધરાવતા માનવીની એ પતનકથા છે.

કાળ અને પરિસ્થિતિ પ્રમાણે અચેબેનું કથાવસ્તુ પરિવર્તન પામતું રહ્યું છે. આ સતત વિકસતા સર્જક છે અને પોતાની ઈબો સંસ્કૃતિના મર્મને પ્રગટ કરવા આતુર છે. એમની પ્રારંભિક નવલકથાઓ ‘થિંગ્સ ફેલ એપાર્ટ’ અને ‘એરો ઑફ ધ ગૉડ’માં સામ્રાજ્યવાદના પ્રારંભકાળના નાઈજિરિયાની કથા છે. ‘નો લોંગર એટ ઈઝ’માં આધુનિકતા અને આધુનિકતા તરફના પ્રતિભાવનું આલેખન છે. ‘એ મેન ઑફ ધ પીપલ’માં નાઈજિરિયાની લોકશાહી સરકારના ભાવિનું વિષયવસ્તુ છે. જ્યારે ‘ગર્લ્સ એટ વૉર એન્ડ અધર સ્ટોરિઝ’ (૧૯૭૩) વાર્તાસંગ્રહમાં લશ્કરી સરમુખત્યારશાહીની ઘટનાઓ વર્ણવી છે. ‘ધ ટ્રબલ વિથ નાઈજિરિયા’માં આફ્રિકન શાસકોની કર્તવ્યભ્રષ્ટતા વિશેની રાજકીય સમીક્ષા છે, તો ‘એનથિલ્સ ઑફ ધ સોવન્નાહ’માં આફ્રિકન રાજકીય વ્યવસ્થા વિશે ક્યાંક આશાવાદ તો ક્યાંક ક્ટુતા જોવા મળે છે. પ્રબળ સર્જનક્ષમતા ધરાવતી આ લેખકની પ્રત્યેક કૃતિ સાહજિક અને રોમાંચક લાગે છે.

અચેબેએ યુવા આફ્રિકન લેખકોને પ્રોત્સાહન આપવા માટે ‘રાઈટર્સ સીરિઝ’ દ્વારા એમની અનેક કૃતિઓ પ્રકાશિત કરી. નવલેખકોના લેખનનું એક સામયિક પણ પ્રગટ કર્યું અને દેશ-વિદેશમાં અધ્યાપનકાર્ય પણ કર્યું. ૧૯૯૦માં મોટર-અકસ્માતને કારણે કમરથી નીચેના ભાગમાં પક્ષઘાત પામેલા ૭૬ વર્ષના ચીનુઆ અચેબે અત્યારે ન્યૂયોર્કની બાર્ડ કૉલેજમાં ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કાર્યરત છે.

નોબલ પારિતોષિક મેળવનારા નાઈજિરિયાના વૉલા સોઈન્કા અને દક્ષિણ આફ્રિકાના નાદિને ગોર્ડિમેયરને કઈ રીતે ભૂલી શકાય? ઘાનાના આમા અતા ઐડુ, તાન્ઝાનિયાના અબ્દુલરઝાક ગુરનાહ, મોઝામ્બિકના લુઈસ બર્નાર્ડો હોવાના, કેનિયાના રિયોનાર્ડ ટિબેરા, ઝિમ્બાબ્વેના ડામ્બુડ્ઝો મર્ચેરા અને કેનિયાના વિખ્યાત ગુગી વા થિયોંગે, સેનેગલના સેમ્વેને અને સુદાનના તાયેબ સલીહનાં સર્જનો આજે સાહિત્યજગતમાં ધ્યાનાર્હ બન્યાં છે અને આ સર્જકોનાં આંતરસંચલનો, પરંપરાગત મૂલ્યમાળખામાં આવતાં પરિવર્તનોનું આલેખન, દારુણ-કરુણ બાહ્ય પરિસ્થિતિ વિશેના આક્રોશ અને પ્રજાકીય વેદનાને અભિવ્યક્ત કરવાની મથામણો સાહિત્યરસિકોને માટે રસાકર્ષક બની રહ્યાં છે.

- કુમારપાળ દેસાઈ


પરિષદના વરાયેલા આગામી પ્રમુખ

આગામી બે વર્ષ : ૨૦૦૮ અને ૨૦૦૯ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે શ્રી નારાયણ દેસાઈની સર્વસંમત વરણી થઈ છે.

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.