ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : જયંતિ દલાલ
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:જયંતિ ઘેલાભાઈ દલાલ
(૧૮-૧૧-૧૯૦૯, ૨૪-૮-૧૯૭૦): નાટ્યકાર, વાર્તાકાર, નવલકથાકાર, સામયિક સંપાદક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પિતા ઘેલાભાઈ ‘દેશી નાટક સમાજ’ના સંચાલક હતા તેથી
આ ફરતી નાટક કંપનીને લીધે, તેમનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળે થયેલું. ૧૯૨૫માં મેટ્રિક થઈ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં જોડાયેલા પણ રાષ્ટ્રીય
પ્રવૃત્તિઓમાંની સક્રિયતાને કારણે ૧૯૩૦માં બી.એ.ના છેલ્લા વર્ષથી અભ્યાસ છોડ્યો. એ વખતથી આરંભાયેલી એમની રાજકીય કારકિર્દી, ૧૯૫૬માં તેઓ મહાગુજરાતની લડતમાં
જોડાયા અને પછી ૧૯૫૭માં વિધાનસભાના સભ્ય થયા ત્યારે શિખરસ્થાને પહોંચી અને ૧૯૬૨માં તેઓ ચૂંટણી હાર્યા ત્યાં સુધી ટકી ને નોંધપાત્ર રહી.. અમદાવાદની રાજકીય
સામાજિક પ્રવૃત્તિઓ સાથે, અલબત્ત, એક સમાજવાદી વિચારક રૂપે છેક સુધી સંકળાયેલા રહ્યા. વ્યવસાયે મુદ્રક. ૧૯૩૯થી જિંદગીપર્યંત એમણે પ્રેસ ચલાવ્યું. આ ઉપરાંત જુદા
જુદા સમયે ઘણી વૈચારિક ને કલાલક્ષી પ્રવૃત્તિઓ કરી. ‘રેખા’ (૧૯૩૯-૧૯૪૦) અને ‘એકાંકી’ (૧૯૫૧) નામનાં સાહિત્ય-રંગભૂમિનાં સામયિકોનું સંપાદન કર્યું. ‘ગતિ’
સાપ્તાહિક અને મહાગુજરાત આંદોલન સમયે ‘નવગુજરાત’ દૈનિક એ બે વિચારપત્રો ચલાવ્યાં. નાટ્યક્ષેત્રે અભિનય અને દિગ્દર્શનમાં સક્રિય રસ લીધો અને દૃશ્યકલાની શક્યતાઓ
પ્રત્યેના વિશ્વાસથી પ્રેરાઈને દિલ્હીના એક અંગ્રેજી ફિલ્મસાપ્તાહિકનું સંપાદન કરવા સાથે ‘બિખરે મોતી’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ (૧૯૩૫) કરવા સુધી પહોંચ્યા. આમ છતાં
એમની નોંધપાત્ર સેવા તો સામાજિક કાર્યકર એવા સાહિત્યકાર તરીકેની જ રહી. સાહિત્યને એમણે કરેલા પ્રદાન માટે એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૫૯) અને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા.
અમદાવાદમાં અવસાન. |