ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કવિ ન્હાનાલાલ


કવિ ન્હાનાલાલ Kavi Nhanalal

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

કવિ ન્હાનાલાલ દલપતરામ, ‘પ્રેમભક્તિ’ (૧૬-૩-૧૮૭૭, ૯-૧-૧૯૪૬): કવિ, નાટ્યલેખક, વાર્તા-નવલકથા-ચરિત્રકાર, અનુવાદક. જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. તરુણ અલ્લડ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩નું મેટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની એલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ. થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માટિંનોના અભ્યાસે તેમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્ત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્ત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદૅષ્ટિ તથા શુભ ભાવના પાછળ સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા.

એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપક. ૧૯૦૨થી ૧૯૦૪ સાદરાની સ્ટેટ કોલેજમાં ને ૧૯૦૪થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દિવાનની કામગીરી પણ બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ એક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ બનાવ્યું. ત્યાં તેમની સ્વમાની પ્રકૃત્તિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનુ જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.

ન્હાનાલાલ પ્રતિભાશાળી ઊર્મિકવિ છે. ઉદાત્ત કલ્પનાવૈભવ અને મૃદુકોમળ સંવેદનાનું બારીક નકશીકામ એમની કવિતાને ચિરસ્મરણીય બનાવે છે. પ્રણયકવિતાની સાથે ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અધ્યાંજલિની કવિતામાં પણ એમની સર્ગશક્તિ મહોરી ઊઠી છે. એમનું ઉત્તમ અર્પણ રાસગીતો છે. લોકસાહિત્યના પારંપારિક પંક્તિઓ, લય, પ્રતીકોને સ્વીકારીને પોતીકી રીતે એનું પુન:સર્જન કર્યું. માત્ર એકવીસ વર્ષની વયે પિંગળભક્ત પિતા દલપતરામના આ પુત્ર છંદનો રાજમાર્ગ છોડી નવું પદ્યમાધ્યમ વિકસાવે છે જે ‘અપદ્યાગદ્ય’ અથવા “ડોલનશૈલી’ તરીકે ઓળખાય છે. ‘કુરુક્ષેત્ર’ અને ‘હરિસંહિતા’ જેવા મહાકાવ્યો રચવાનો પ્રયાસ એમણે કર્યો છે, તેમ જ નાટકો રચ્યા છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.