મન્સૂરી ફકીરમહમ્મદ ગુલામનબી, ‘આદિલ’
(૧૮-૫-૧૯૩૬) : ગઝલકાર, કવિ, નાટ્યકાર. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજની શાળામાં અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે અમદાવાદની
જે.એલ.ન્યુ ઇંગ્લિશ સ્કૂલમાં તથા કરાંચીની મેટ્રોપોલિટન હાઈસ્કૂલમાં. ઘણા વ્યવસાય કર્યા. પહેલાં કરાંચીમાં પિતા સાથે કાપડનો અને પછી અમદાવાદમાં સૂતરનો અને કાપડનો વેપાર; એ પછી ‘ટોપિક’ અને ‘અંગના’ જેવાં
અંગ્રેજી-ગુજરાતી સામયિકોમાં પત્રકારની કામગીરી અને પછી ૧૯૭૨માં જાણીતી ઍડવરટાઇઝિંગ કંપની ‘શિલ્પી’માં કોપીરાઈટર રહ્યા. છેવટે ભારત છોડી કાયમ માટે અમેરિકામાં વસવાટ.
તેઓ નવી પ્રયોગશીલ ગઝલના અગ્રણી છે. ‘વળાંક’ (૧૯૬૩), ‘પગરવ’ (૧૯૬૬) અને ‘સતત’ (૧૯૭૦) એમના ગઝલસંગ્રહો છે. એમાં ગઝલની બાની, તેનાં ભાવપ્રતીકો અને રચનારીતિમાં નવીનતા છે. અંદાજે બયાનની આગવી ખૂબીથી
તેમ જ પોતીકા અવાજથી તેઓ નોખા તરી આવે છે. એમની ગઝલમાં મુખ્યત્વે વિચ્છિન્નતા, નિર્ભાન્તિ અને કલાન્તિના ભાવો શબ્દબદ્ધ થયા છે. મૌન, શૂન્યતા, અંધકાર, ઘર, મકાન, સૂર્ય આદિને આ કવિએ પોતાના કથનાર્થે તેમ જ કોઈ
રહસ્યના કે વિશિષ્ટ અનુભૂતિના સૂચનાર્થે ઉપયોગમાં લીધાં છે.
ગઝલના રચનાકસબનું એમનું પ્રભુત્વ ઉર્દૂ ગઝલના એમના અભ્યાસને આભારી છે. ઉર્દૂમાં પણ એમણે એક સંગ્રહ થાય એટલી ગઝલો રચી છે. ‘પગરવ/સંભવ/પાલવ’ તથા ‘મૂંગો/ભડકો/લહિયો’ જેવા કાફિયામાં અને ‘વરસાદમાં’, ‘સૂર્યમાં’,
‘ભીંડીબજારમાં’ તથા ‘અ’, ‘પરંતુ’ જેવા રદીફમાં તેમ જ ગુજરાતી-સંસ્કૃતની સાથોસાથ ફારસી અને અંગ્રેજી શબ્દોના યથોચિત ઉપયોગમાં એમની પ્રયોગશીલતા પરખાય છે. અમદાવાદની સંયોગાધીન વિદાયવેળાએ રચાયેલી ‘મળે ન
મળે’ રદીફવાળી ગઝલ લોકપ્રિય થઈ છે. ગતિશીલ શબ્દચિત્રોથી મંડિત લાંબા-ટૂંકા છાંદસ-અછાંદસ કાવ્યો અને કેટલાંક ચોટદાર મુક્તકો પણ એમણે આપ્યાં છે.
‘હાથ પગ બંધાયેલા છે’ (૧૯૭૦) એમનો આધુનિક જીવનની અસંગતિને અવનવી રચનાછટાથી દર્શાવતાં ઍબ્સર્ડ એકાંકીઓનો સંગ્રહ છે. ‘જે નથી તે’ (૧૯૭૩) એમનો બીજો એકાંકીસંગ્રહ છે.