નાયક અમૃત કેશવ ‘શિવશંભુ શર્માનો ચિકો’
(૧૮૭૭, ૨૯-૬-૧૯૦૬) : નાટ્યકાર, નવલકથાકાર. જન્મ અમદાવાદમાં. વિદ્યાભ્યાસ ચાર ધોરણ સુધી. બે ધોરણ ઉર્દૂ નાં. ૧૮૮૮ માં અગિયાર વર્ષની વયે આલ્ફ્રેડ નાટક મંડળીમાં
નટજીવનનો પ્રારંભ. પછીથી નવી આલ્ફ્રેડ નાટક મંડળીમાં દિગ્દર્શક. શૅક્સપિયરનાં નાટકોને હિંદી રંગમંચ પર ઉર્દૂ ભાષામાં ઉતારવાની પરંપરાની પહેલ કરનાર. ધંધાદારી રંગભૂમિના ગીતલેખક. સંગીતવિશારદ.
એમના ગ્રંથોમાં ‘ભારતદુર્દશા નાટક’ (૧૯૦૯) અને નવલકથા ‘એમ.એ. બનાકે ક્યું મેરી મિટ્ટી ખરાબ કી’ (૧૯૦૮) પ્રસિદ્ધ છે. નવલકથા તત્કાલીન વિદ્યાભ્યાસની પદ્ધતિઓમાં રહેલી ખામીઓની આસપાસ ગૂંથાયેલી છે. મુસ્લિમ સંસારનું ચિત્ર
રજૂ કરતી નવલકથા ‘મરિયમ’ લખાયાનું પણ નોંધાયું છે. આ ઉપરાંત ‘સંસ્કૃત અને ફારસી ભાષાનો પરસ્પર સંબંધ’ અને ‘નાદિરશાહ’ લખવા માંડેલાં એમનાં અધૂરાં અપ્રસિદ્ધ પુસ્તકો છે.