યાજ્ઞિક અમૃતલાલ ભગવાનજી
(૮-૮-૧૯૧૩) : વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રાંમાં. ૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી
ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી જ એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦ થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક. ૧૯૬૦-૬૧માં કે. જે.
સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧ થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑવ આર્ટસ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્ય.
આ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના વાઙમયક્તિત્વનાં અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો ‘ચિદઘોષ’ (૧૯૭૧)માં સંગૃહીત છે. ‘મુખડા ક્યા દેખો દરપનમેં’
(૧૯૭૯)માં શિક્ષણ અને સમાજ વિશેના ચિંતન સાથે સાહિત્યચિંતનનો વિભાગ મુકાયેલા છે. ગુજરાતી ગ્રંથકાર શ્રેણીનાં એમનાં પુસ્તકો ‘કિશોરલાલ મશરૂવાલા’ (૧૯૮૦) અને ‘ગુલાબદાસ બ્રોકર’ (૧૯૮૩) નિષ્ઠાપૂર્વકનાં છે.