સાહિત્યસર્જક: આનંદશંકર ધ્રુવ
સવિશેષ પરિચય:
આનંદશંકર ધ્રુવ-નિરંજન વોરા સાહિત્યવિચાર (૧૯૬૬) : આચાર્ય આનંદશંકર ધ્રુવના વિવેચનલેખોનો રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત સંગ્રહ. આ ગ્રંથમાં પ્રવચનો, નિવાપાંજલિઓ, જુદાં જુદાં પરિસંવાદ/પરિષદ વેળાનાં લખાણો વગેરે મળી પચાસ લેખો છે. લેખો પ્રાસંગિક હોવા છતાં તેમાં લેખકની સાહિત્યવિભાગના તથા કલાદ્રષ્ટિ યોગ્ય રીતે પ્રગટ થયાં છે. લેખક ‘સાહિત્ય’ સંજ્ઞાને વિશાળ અર્થમાં પ્રયોજે છે. એમના મતે ભાષા, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન-સઘળાં શાસ્ત્રોનું પર્યવસાન સાહિત્યમાં થાય છે. એમની માન્યતા છે કે આત્માના લાગણી, બુદ્ધિ, જાતિ ને આધ્યાત્મિકતા એ ચારેય અંશો કાવ્યમાં અનિવાર્યપણે જોવા મળે છે. -હર્ષવદન ત્રિવેદી કાવ્યતત્ત્વવિચાર (૧૯૪૭) : આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ ના વિવેચનાત્મક લેખો તેમ જ ગ્રંથાવલોકનોને સમાવતો આ ગ્રંથ રામનારાયણ પાઠક અને ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થયો છે. સમગ્ર ગ્રંથ બે ભાગોમાં વહેંચાયેલો છે : સાહિત્યચર્ચા અને ગ્રંથાવલોકનો. પહેલા ભાગમાં સાહિત્યનાં જુદાં જુદાં પાસાંઓની ચર્ચા કરતા ૧૯ લેખો પૈકી ‘કવિતા’, ‘સુંદર અને ભવ્ય’ ‘કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો’, ‘રસાસ્વાદનો અધિકાર’, ‘સાહિત્ય’, ‘સૌંદર્યનો અનુભવ’ વગેરે વિષય મહત્ત્વના છે. બીજા ભાગમાં ‘રામાયણ’, ‘મહાભારત’, ‘ધમ્મપદ’ ‘શાકુંતલ’, ‘વિક્રમોર્વશીય’ જેવી પ્રાચીન કૃતિઓનું અવલોકનાત્મક રસદર્શન છે. ‘નરસિંહ અને મીરાં’, ‘મીરાં અને તુલસી’ એ બે લેખોમાં ઉક્ત કવિઓનું તુલનાત્મક અવલોકન છે. ‘પ્રાચીન ગુજરાતી સાહિત્ય’ અને ‘ધીરો’ એ બે લેખો પ્રાસંગિક પ્રવચનોનું સીમિત સ્વરૂપ છે. છેલ્લો લેખ ‘ઑથેલો અને એનું રહસ્ય’ એ શૅક્સપિયરની નાટ્યકૃતિનું રસદર્શી અવલોકન છે. સમતોલ દ્રષ્ટિબિંદુ, વિષયની સૂક્ષ્મ તપાસ, અર્થસભર મિતભાષિતા અને રસજ્ઞ એવી સાહિત્યદ્રષ્ટિ જેવા ગુણોને કારણે આ ગ્રંથ ગુજરાતી વિવેચન-પરંપરામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. -હર્ષવદન ત્રિવેદી વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી