દલાલ અનિલા અમૃતલાલ
(૨૧-૧૦-૧૯૩૩) : વિવેચક, અનુવાદક. જન્મ અમદાવાદમાં. ૧૯૪૯માં એસ.એસ.સી. ૧૯૫૪માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયમાં એમ.એ. ૧૯૫૯માં યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઑફ
ઈલિનોયની એમ.એસ.ની. ડિગ્રી એજ્યુકેશન વિષયમાં મેળવી. જૂન ૧૯૬૦ થી અમદાવાદની સરદાર વલ્લભભાઈ આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.
એમનું વિવેચનપુસ્તક ‘રવીન્દ્રનાથ અને શરતચંદ્રના કથા સાહિત્યમાં નારી’ (૧૯૭૯) બે ખંડમાં વિભાજિત છે. પ્રથમ ખંડમાં રવીન્દ્રનાથનાં નારીપાત્રો વિષે સાત લેખો, જયારે બીજા ખંડમાં શરતચંદ્રનાં નારીપાત્રો વિષે પાંચ લેખો છે. ‘દેશાન્તર’ (૧૯૮૧)માં જર્મન,
રશિયન, હિબ્રૂ, ફ્રેન્ચ, ગ્રીક, ઈટાલિયન, સ્પેનિશ વગેરે ભાષાઓની સાહિત્યસૃષ્ટિ છે. એમાં કવિ ટેડ હ્યુઝ, હેરલ્ડ પ્રિન્ટર, ફિલિપ લાર્કિન, નવલકથાકાર આઈરિસ મરડોખ જેવાનો સમાવેશ છે. ‘દર્પણનું નગર’ (૧૯૮૭) પણ એમનો વિવેચનગ્રંથ છે.
સુનીલ ગંગોપાધ્યાયની ત્રણ નવલકથાઓના અનુવાદ ‘રાધાકૃષ્ણ’ (૧૯૮૧), ‘અરણ્યમાં દિનરાત’ (૧૯૮૩) અને ‘પ્રતિદ્વન્દ્વી’ (૧૯૮૬) એમણે આપ્યા છે. મૂળને વફાદાર અનુવાદ આપવાનો એમનો એમાં પ્રયાસ છે. ઉપરાંત બુદ્ધદેવ બસુકૃત
‘મહાભારત : એક આધુનિક દ્રષ્ટિકોણ’ (૧૯૮૦), નારાયણ ચૌધરી રચિત ‘મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર’ (૧૯૮૦), હેમ બરુવાકૃત ‘લક્ષ્મીનાથ બેજબરુવા’ (૧૯૮૫) ના અનુવાદ પણ એમણે આપ્યા છે. રવીન્દ્રનાથના કેટલાક નિબંધોના એમના
અનુવાદ ‘રવીન્દ્ર નિબંધમાળા’- ભા. ૨ (૧૯૭૬)માં છે. ઉપરાંત રવીન્દ્રનાથનાં સિતેરેક ગીતોના એમના અનુવાદો અન્યના અનુવાદ સાથે ‘ગીત પંચશતી’ (૧૯૭૮) માં ગ્રંથસ્થ છે.