સાહિત્યસર્જક: બળવંતરાય ક. ઠાકોર
સવિશેષ પરિચય:
ફોટો: બળવંતરાય ક. ઠાકોર-પ્રસાદ બ્રહ્મભટ્ટ ભણકાર (૧૯૧૮, બી.આ. ૧૯૪૨, ત્રી.આ. ૧૯૫૧) : બળવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. એમણે ૧૯૪૧ સુધીની કવિતા ૧૯૪૨ ની આવૃત્તિમાં તથા ૧૯૫૦ સુધીની લઘુ અને મધ્યમ કદની કૃતિઓ ૧૯૫૧ ની આવૃત્તિમાં સમાવી લીધી છે. આ ત્રીજી આવૃત્તિ ‘કવિ અને કવિતા’, ‘વતન’, ‘અંગત’, ‘પ્રેમનો દિવસ’, ‘ખંડકાવ્યો’, ‘બાલોદ્યાન’, ‘બોધક’ અને ‘વધારો’ એમ નવેસરથી સાત ગુચ્છમાં ગુંફિત છે. આ સંગ્રહનું પ્રથમ પ્રકાશન કાવ્યક્ષેત્રે ઐતિહાસિક બનાવ છે. પંડિતયુગ અને ગાંધીયુગની કડીરૂપ આ સંગ્રહમાં નરી ઊર્મિલતા, પોચટતા અને ભાવનાપ્રધાન અપદ્યાગદ્યની સામે અર્થપ્રધાન પરલક્ષી કવિતાની ‘દ્વિજોત્તમ જાતિ’ નાં તેમ જ પ્રવાહી પદ્યનાં કલામય બુદ્ધિધન કાવ્ય-સર્જનો છે. એમાં બંધોનું નાવીન્ય છે, પ્રયોગશીલ માનસ છે, શ્વલોકભંગ-શ્રુતિભંગ-યતિભંગ સાથેના વિલક્ષણ પદ્યપ્રયોગો છે, ગુલબંકી-પરંપરિત-ત્રોટક-ઝૂલણાનું નવી રીતે પંકિત-સમાયોજન છે. ‘પૃથ્વીતિલક’ જેવો પૃથ્વીનો નવતર પ્રયોગ છે, શબ્દસૌંદર્યને ગૌણ કરી અર્થાનુસારી લયના પ્રાસહીન શુદ્ધ અગેય પદ્યનો આદર્શ છે. કવિને હાથે પ્રસિદ્ધ થયેલાં ને સૌથી વધુ સફળ નીવડેલાં પ્રણય, મૈત્રી, શ્રદ્ધા, સુખદુઃખ પરનાં સૉનેટો અત્યંત સમૃદ્ધ છે. ‘પ્રેમનો દિવસ’નાં સૉનેટોમાં કલ્પિત નાયક-નાયિકાના જીવનનું, અન્યોન્ય પ્રેમની સમુત્ક્રાંતિ દર્શાવતા પ્રસંગો દ્વારા, નિરૂપણ થયું છે. ‘જૂનું પિયર ઘર’ અને ‘વધામણી’ એમાં સૌથી જાણીતાં છે. વૃદ્ધાવસ્થાને લગતી સૉનેટ-કૃતિઓ વિષયનાવીન્યની રીતે ધ્યાન ખેંચે તેવી છે. ‘આરોહણ’ પ્રતિખંડકાવ્ય છે. આ સર્વમાં કવિનો વૈજ્ઞાનિક, બુદ્ધિવાદી, અજ્ઞેયવાદી અને વાસ્તવવાદી અભિગમ ખુદવફાઈ સાથે અને શૈલીની ઓજસ્વિતા સાથે વ્યક્ત થયો છે. ‘ભણકાર’ માં સાચી અને ઊંચી કવિતાને પામવાનો કાવ્યપુરુષાર્થ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા મ્હારાં સૉનેટ (૧૯૫૩) : બ. ક. ઠાકોરે ૧૯૩૫માં ‘મ્હારાં સૉનેટ’ નામે એક ચોપડી બહાર પાડેલી તેમાં તે તારીખ લગી સર્જાયેલાં સૉનેટ સમાવેલાં, પરંતુ છ-એક વર્ષમાં એ ખપી જતાં ઘણા વધારા સાથે નવી આવૃત્તિ અંગે કવિએ આયોજન કરેલું; એ સામગ્રી અને બીજી વધુ સામગ્રીનો ઉપયોગી કરી કુલ ૧૬૪ સૉનેટનો આ સંપૂર્ણ સંગ્રહ ઉમાશંકર જોશીએ સંપાદિત કર્યો છે. ‘મ્હારાં સૉનેટ’ સંગ્રહ છ વિભાગમાં વહેંચાયેલો જોઈ શકાય છે : કવિતા; પ્રેમ; મિત્રતા, બુર્ઝગી, મૃત્યુ, શ્રદ્ધા; ઇતિહાસદ્રષ્ટિ; સમાજદર્શન; સંસારની સુખદુઃખ;મયતા. વિષયો જોતાં લાગે છે કે આ કવિએ પોચટ અને ભાવુક બનેલી અંગતતાની સામે બિનઅંગત વિચારપ્રધાન કવિતા ધરી છે; અને સૉનેટ જેવા કાવ્યપ્રકારને વિવિધ રીતે ખેડીને એને કલાત્મક રીતે ફલિત કર્યો છે. સૂક્ષ્મ આકારસૂઝ અને ભાષાકસબની સભાનતાથી કવિએ લાક્ષણિક રીતે કવિધર્મ બજાવ્યો છે. કવિતાવિષયક સૉનેટોમાં રસકોટિએ પહોંચતી અંગત વિભાવના; પ્રેમવિષયક સૉનેટોમાં કલ્પિત પાત્રો દ્વારા વિવિધ પરિસ્થિતિઓનું નિર્માણ અને એથી પ્રગટ થતા ચિત્રાત્મક તેમ જ નાટ્યાત્મક કાવ્યોન્મેષો; મૃત્યુ અને ખાસ તો વૃદ્ધાવસ્થાની સંવેદનાઓને ઉપસાવતાં સૉનેટોના અપૂર્વ ભાષાવિષ્કારો ઉલ્લેખપાત્ર છે. સમાજ અને સંસારનું નિરૂપણ કરતાં સૉનેટોમાં ઇતિહાસવિદ કવિનું વ્યવહારવાદી, બુનિયાદી, બુદ્ધિવાદી, યથાર્થવાદી ને વિશિષ્ટ રીતે અજ્ઞેયવાદી વલણ અછતું નથી રહેતું. પ્રત્યેક ભાષાપ્રયોગની સાભિપ્રાયતા અંગેની સજગતા આ કવિની શક્તિ અને મર્યાદા છે. ‘જૂનું પિયરઘર’, ‘વધામણી’, ‘પ્રેમની ઉષા’, ‘યમને નિમંત્રણ’ વગેરે સૉનેટો ગુજરાતી સાહિત્યની માર્મિક અને સીમાચિહ્નરૂપ કૃતિઓ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા કવિતાશિક્ષણ (૧૯૨૪) : વિવેચનાના વ્યવહારુ શિક્ષણ માટે સભાનતાથી કેડી પાડતું બ. ક. ઠાકોરનું પુસ્તક. કાવ્યનું કાવ્યત્વ કારીગરીથી પર રહી જતાં પાંચ-પંદર વસામાં બિરાજે છે અને એમાં પંચાશી- નેવુ-પંચાણું ટકા કૌશલ-કારીગરીનો આવિષ્કાર હોય છે. લેખકનો મત છે કે કારીગરી શીખી-શીખાડી શકાય છે. જન્મજાત અસાધારણ શક્તિવાળા કવિઓની સાથે સાથે આપશિક્ષણે પણ કવિ-કલાસર્જક બની શકાય છે; ઉપરાંત ભાવકની ઉપભોગાસ્વાદનની શક્તિયે જન્મસિદ્ધ નથી હોતી, એને પણ કેળવવી પડતી હોય છે. આમ, સર્જક અને ભાવક બંનેના શિક્ષણને તાકતું આ લખાણ ઊછરતા કવિઓને સલાહ આપતાં આપતાં કવિતાત્વનું વિશ્લેષણ કરે છે અને અનુવાદ તેમ જ અનુકૃતિઓનાં મૂલ્યને પણ તપાસે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા લિરિક (૧૯૨૮) : મૂળે, ‘કૌમુદી’ ત્રિમાસિક, વર્ષ-૧ અને વર્ષ-૨માં છપાયેલા, બળવંતરાય ક. ઠાકોરના નિબંધનું નજીવા ફેરફારવાળું પુસ્તકરૂપ, સ્વિન્બર્ન પછીની અંગ્રેજી કવિતામાંથી ઉદાહરણો લઈ ઊર્મિકવિતાની પાશ્ચાત્ય વિભાવનાને સ્પષ્ટ કરવાનો અને ઊર્મિ કવિતાની પેટાજાતિઓ અનેક છે એમાંથી મુખ્યને દર્શાવવાનો એમાં પ્રયત્ન કર્યો છે. વિરહ-શોક, ખટક અને શાંતિ, આનંદ અને પ્રેમ, ઉત્સાહ-ભક્તિ-પ્રજ્ઞા-અગમનિગમ-એમ ચાર વિભાગમાં ઊર્મિકાવિતાનું દિગ્દર્શન કર્યું છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા નવીન કવિતા વિશે વ્યાખ્યાનો (૧૯૪૩) : સર્જાતા અર્વાચીન કાવ્યસાહિત્ય પરનાં વ્યાખ્યાનોને સમાવતો બ. ક. ઠાકોરનો વિવેચનગ્રંથ. નવીન કવિતા પરના પ્રેમથી, દ્રષ્ટાંતો સહિત, અહીં કાવ્ય- પ્રકારોની વીગતે ચર્ચા કરવામાં આવી છે. કુલ ચાર ‘દર્શન’ માં વહેંચાયેલા આ ગ્રંથના ‘દર્શન ૧’ માં કાવ્યભાવના અને વિષયદર્શન અંગે, ‘દર્શન ૨’માં નવીન કવિતામાં લિરિક અંગે, ‘દર્શન ૩’ માં વિરહકાવ્યો/વિષાદકાવ્યો અંગે અને ‘દર્શન ૪’ માં મહાકાવ્ય, આખ્યાનકાવ્ય, વર્ણનકાવ્ય, ખંડકાવ્ય અને કવિતાને લગતા કેટલાક પ્રશ્નો અંગે ચર્ચા છે. વેરણછેરણ પડેલા પોતાના સિદ્ધાંતો, અભિપ્રાયો આદિનું સમગ્ર ભાવનાદર્શને એકીકરણ થાય અને કાવ્ય વિશેના પોતાના ધ્યર્થોને વાચકો પાયાથી શિખર લગી એક દ્રષ્ટિપાતે જોઈ શકે એવો અહીં લેખકનો આશય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિવિધ વ્યાખ્યાનો-ગુચ્છ ૧,૨,૩ (૧૯૪૫, ૧૯૪૮, ૧૯૫૬) : બળવંતરાય ક. ઠાકોરનાં વ્યાખ્યાનોને સમાવતા ગ્રંથો. પહેલા ગુચ્છમાં ગોવર્ધનરામનું પ્રબોધમૂર્તિ તરીકે મૂલ્યાંકન ઉપરાંત સરસ્વતીચંદ્રનાં વિષયવસ્તુ અને સ્ત્રીપાત્રોનું પરીક્ષણ થયું છે. ‘લીલાવતી જીવનકલા’ ની તપાસ પણ એમાં છે. બીજા ગુચ્છમાં પ્રેમાનંદ, નર્મદ, નવલરામ પંડ્યા, મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, મણિશંકર અને ન્હાનાલાલ-એમ સાત સાહિત્યકારોનો સમાવેશ છે. ત્રીજા ગુચ્છમાં કેળવણી, સાહિત્ય અને ઇતિહાસના વિવિધ વિષયો પર વિચારણા છે. સિદ્ધાંતોના વ્યાપક ફલક પર મુકાયેલો લેખકનો સાહિત્ય અને ઇતિહાસ-કેળવણી વિષયક દ્રષ્ટિસંપન્ન અભિગમ, વિલક્ષણ ગદ્યની છટાઓ સાથે આ વ્યાખ્યાનોમાં મોજદ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી