જાડેજા ભગવતસિંહજી સંગ્રામજી
(૨૪-૧૦-૧૮૬૫, ૯-૩-૧૯૪૪) : કોશકાર. જન્મ ધોરાજીમાં. નવ વર્ષની ઉંમરે રાજકોટની રાજકુમાર કોલેજમાં પ્રવેશ. રાજકુમાર કોલેજમાં કેળવણી પૂરી કર્યા બાદ ૧૮૮૩ માં ઉચ્ચ કેળવણી માટે યુરોપનો
પ્રવાસ. ૧૮૮૪ માં ગોંડલ રાજ્યની કુલ સત્તા યુવક રાજ્વીને હસ્તક. ૧૮૮૫ માં મુંબઈ યુનિવર્સિટીના ફેલો. ૧૮૮૬ માં વૈદકીય જ્ઞાનસંપાદન માટે સ્કોટલેન્ડનો પ્રવાસ. ૧૮૯૨ માં ઓક્સફર્ડ યુનિવર્સિટી તરફથી ડી.સી.એમ.ની પદવી ૧૮૯૫ માં
એડિનબરો યુનિવર્સિટી તરફથી ‘આર્યુવેદનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પર એમ.ડી.ગોંડલ રાજ્યનાં પ્રજાકલ્યાણનાં અનેક કામો ઉપરાંત વાચનમાળા, અક્ષરમાળા, શિક્ષણમાળા, પાઠ્યપુસ્તકમાળા વગેરેનું આયોજન.
ગુજરાતી ભાષાનો અપૂર્વ કહી શકાય એવો, ૨,૮૧,૩૭૦ શબ્દો સમાવતો શબ્દકોશ ‘ભગવદ્ ગોમંડલ’-ભા.૧ થી ૯ (૧૯૪૪-૪૬) એમણે તૈયાર કર્યો છે.
-ચંદ્રકાન્ત ટોપીવાળા
ભગવદ્ ગોમંડલ (૧૯૪૪-૪૬) ગોંડલના મહારાજા ભગવતસિંહજી દ્વારા નવ ભાગમાં તૈયાર થયેલો બૃહદ્ ગુજરાતી શબ્દકોશ. ગુજરાતી ભાષા અને સાહિત્યનું મૂલ્ય વધારવામાં આનો અનન્ય ફાળો છે. ગુજરાતી ભાષાના ૨,૮૧,૩૭૦ શબ્દોનો
એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન શબ્દભંડોળમાં માન્ય, દેશ્ય અને રૂઢ શબ્દોનો પણ સંગ્રહ છે. ઉપરાંત, વિસ્તૃત ઐતિહાસિક બાબતો અને અગત્યની વીગતોને પણ એમાં આવરી લેવામાં આવી છે.
શબ્દના અર્થસમર્થનમાં જાણીતાં લખાણોમાંથી દ્રષ્ટાંતો અપાયાં છે આ દ્રષ્ટાંતો બેવડી કામગીરી બજાવે છે : અર્થને સ્પષ્ટ કરે છે, સાથે સાથે શબ્દનું ગુજરાતીપણું પણ સમર્પિત કરે છે.