વડોદરિયા ભૂપતભાઈ છોટાલાલ
(૧૯-૨-૧૯૨૯) : નવલકથાકાર, નિબંધકાર. જન્મ ધ્રાંગધ્રામાં. ૧૯૪૬માં બી.એસસી. ‘લોકશક્તિ’માં કામ કર્યા પછી ૧૯૫૫ થી ‘ફૂલછાબ’ના મુખ્ય તંત્રી. ‘સંદેશ’માં ન્યૂઝ ઍડિટર તરીકેની અને
‘ગુજરાત સમાચાર’માં સહાયક તંત્રી તરીકેની કામગીરી. ૧૯૮૨ થી ૧૯૮૬ સુધી ગુજરાત સરકારમાં માહિતી નિયામક. સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્યના એકવારના અધ્યક્ષ. ‘સમભાવ’ દૈનિકના તંત્રી.
‘પ્રેમ એક પૂજા’ (૧૯૭૯) જેવી અનેક નવલકથાઓ એમના નામે છે. ‘કસુંબીનો રંગ’ (૧૯૫૨), ‘જીવન જીવવાનું બળ’ (૧૯૫૫), ‘અંતરના રૂપ’ (૧૯૫૮) એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત ‘ઘરે બાહિરે’- ભા. ૧-૫
(૧૯૫૮-૮૨)માં અને ‘આબાદીની આબોહવા’ (૧૯૮૭)માં એમના નિબંધો સંચિત થયા છે.