સાહિત્યસર્જક: ચંદ્રવદન મહેતા
સવિશેષ પરિચય:
ફોટો: ચંદ્રવદન મહેતા- ચંદ્રકાન્ત ટોપીવાળા આગગાડી : ચંદ્રવદન મહેતાનું કરુણાન્ત નાટક. એમાં રેલવેની દુનિયાના વાસ્તવિક ચિત્ર વચ્ચે ગરીબ રેલવે-કામદાર કુટુંબની શાસકમિજાજી ગોરા સાહેબોના અત્યાચારથી થતી અવદશા, ક્યાંક અતિ-ઉત્કટ લાગતી છતાં કૃતિગત સંદર્ભમાં નાટ્યોચિત નિરૂપણને કારણે નિર્વાહ્ય બનતી વાસ્તવિકતાપૂર્વક આલેખાયેલી છે. વસ્તુ તત્કાલીન યુગસંદર્ભાનુકૂલ છે, છતાં બદલાયેલા સમયસંદર્ભમાં પણ કૃતિ પોતાનું વિશિષ્ટ મહત્ત્વ જાળવી રાખે છે, તે તેમાંના કરુણાત્મક-કરુણાન્ત નિરૂપણ ઉપરાંત વિશેષતઃ તો તેની ગુજરાતી નાટ્યક્ષેત્રે તત્કાલપર્યન્ત અપરિમિત એવી નવતર નાટ્યશૈલી અને તખ્તાપરકતાને કારણે. આ નાટક, આ રીતે, ગુજરાતી નાટક તેમ જ રંગભૂમિના નવપ્રસ્થાન તરીકે પણ મહત્ત્વનું છે. લેખકે આ પ્રકારના ‘નાટક’થી ગુજરાતી નાટક અને રંગભૂમિને પરંપરાગત ખ્યાલો અને રીતિપદ્ધતિથી મુક્ત કરી અર્વાચીનતાના ઉંબર પર મૂકી આપ્યાં છે. - વિનોદ અધ્વર્યુ ઇલાકાવ્યો અને બીજાં કેટલાંક (૧૯૩૩) : ચન્દ્રવદન ચીમનલાલ મહેતાનો કાવ્યસંગ્રહ. આ કાવ્યોમાં ભાઈ-બહેનના પારસ્પરિક, નિર્વ્યાજ પ્રેમ અને શ્રદ્ધાના ભાવોને આર્દ્રતાથી આલેખતાં સ્મૃતિચિત્રોમાં કિશોરવયની મુગ્ધતા, સ્વપ્નશીલતા અને સરળતાનું દર્શન થાય છે. દલપતશૈલીની શબ્દાળુતાના અનુભવ સાથે કથનની પ્રવાહિતા, કલાસૂઝ અને કલ્પનાની લીલા રચનાને આસ્વાદ્ય બનાવે છે. કેટલાંક તળપદાં નાનાં પ્રકૃતિચિત્રો અને વાસ્તવિક પ્રસંગવર્ણનો કાવ્યગત ભાવને તાદ્દશ બનાવે છે. ગુજરાત, ગાંધીજી, નર્મદા અને સ્વદેશપ્રેમ જેવા વિષયો પરની રચનાઓ પણ અહીં સંગ્રહાયેલી છે. - નિરંજન વોરા બાંધ ગઠરિયાં – ભા. ૧-૨ (૧૯૫૪) : ચન્દ્રવદન મહેતાની વિસ્તરેલી આત્મકથાનો એક ખંડ. પહેલા ભાગમાં વડોદરા અને સુરતમાં વીતેલા સદીની શરૂઆતના બે દાયકા અને બીજા ભાગમાં મુંબઈમાં વીતેલો ત્રીજો દાયકો નિરૂપાયા છે. ખાસ તો રેલવેજીવન, કૉલેજજીવન અને સ્નેહજીવનને આવરી લેતાં વર્ણનો બોલચાલની લઢણવાળા જીવંત ગદ્યથી પ્રાણવાન બન્યાં છે. લખાણમાં બને ત્યાં સુધી અન્ય વ્યક્તિઓની એમના પર પડેલી છાપ ઉપસાવવાનો એમનો આશય સ્પષ્ટ રહ્યો છે. આપવડાઈ ને જાતડંફાસના ભયની લેખકને જાણકારી હોવાથી નાટ્યાત્મક હળવાશનો એમણે વારંવાર આશ્રય લીધો છે. - ચંદ્રકાન્ત ટોપીવાળા નાટ્ય ગઠરિયા (૧૯૭૦) : ચંદ્રવદન ચી. મહેતાનો પ્રવાસગ્રંથ. આત્મકથાત્મક અને પ્રવાસના અંશોવાળી લેખકની ગઠરિયા ગ્રંથશ્રેણીના આ ગ્રંથમાં મુખ્યત્વે સ્પેન, ઑસ્ટ્રિયા, ઈટલી, પોલૅન્ડ અને જર્મની જેવા દેશોમાં ચાલતી કળાપ્રવૃત્તિ અને વિશેષ તો નાટ્યપ્રવૃત્તિનો આલેખ મળે છે. વચ્ચેવચ્ચે, સ્પેનમાં પ્રચલિત આખલા-યુ્દ્ધ કે જર્મનીમાં હિટલરે તૈયાર કરેલા કૉન્સસ્ટ્રેશન કેમ્પ વિશેની માહિતી પણ અલબત્ત મળે છે; પરંતુ લેખકનું લક્ષ્ય તો ત્યાંનાં નટ, નાટક, નાટ્યકાર અને નાટ્યગૃહો વિશેની વાતો કરવાનું છે. એટલે વીએનાનાં ઑપેરા હાઉસ, બર્ગ થિયેટર ને ત્યાંનાં સંગીતકારો; મિલાનનું લા સ્કાલા ઑપેરા હાઉસ; પોલૅન્ડની નાટ્યશાળાઓ ને ત્યાંનો ખ્યાતનામ કલાકાર તેમ જ દિગ્દર્શક લીઓ શીલર; ફ્રાંસના નાનકડા ગામ નૉંસીની નાટ્યશાળા ને ત્યાં થતી નાટ્યહરિફાઈઓ; ઈસ્ટ બર્લિનની બ્રેખ્ત નાટકશાળા, ત્યાંના એક ઑપેરા હાઉસનો ખ્યાતનામ નટ વૉલ્ટર ફેલસેનસ્ટાઈન; પેર્ટન દંપતી; લાઈપઝિકનું ભવ્ય ઑપેરા હાઉસ ઇત્યાદિ વિશેની વિગતો ઉમળકાભરી શૈલીમાં નિરૂપાઈ છે. યુરોપીય પ્રજાના કળાપ્રેમની, તેમની વ્યવસ્થાશક્તિની લેખક અહીં મુક્તકંઠે પ્રશંસા કરે છે, તો ગુજરાતીમાં જોવા મળતી કળાવિમુખતાથી તેઓ ઉદાસ બને છે. સમગ્ર પ્રવાસ દરમિયાન પોતાના સંપર્કમાં આવેલાં અનેક વિદેશી અને વિદેશમાં રહેતાં ભારતીયોનાં જે ટૂંકાં રેખાચિત્રો એમણે આપ્યાં છે તેનાથી અને લેખકનાં અંગત સંવેદનોના ધબકારાથી આખોય ગ્રંથ પ્રચુર વિગતોની વચ્ચે પણ રસાવહ બન્યો છે. - જયંત ગાડીત વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી