‘ધીરે વહે છે ગીત’ (૧૯૭૩) એમનો ગઝલ અને ગીતનો સંગ્રહ છે. ‘મન મધુવન’ (૧૯૮૦) અને ‘સ્વપ્નલોક’ (૧૯૮૨)માંની વાર્તાઓ મુખ્યત્વે પ્રણય અને દાંપત્યજીવન નિરૂપે છે. ‘સ્વાતંત્ર્યસેનાની યોગાનંદ’ (૧૯૭૭),
‘ડૉ. આંબેડકર’ (૧૯૭૯) ઇત્યાદિ એમની કિશોરોપયોગી ચરિત્રપુસ્તિકાઓ છે. ‘કેસરક્યારી’ (૧૯૮૩) તથા ‘નારી, તારાં નવલખ રૂપ’માં પ્રેરક પ્રસંગો છે. ‘એક જ દે ચિનગારી’ (૧૯૮૩) તથા ‘અંતર્દ્વાર’ (૧૯૮૪) એમનાં
ચિંતનાત્મક લેખોનાં પુસ્તકો છે. ‘ગુજરાત સમાચાર’માં ચાલતી એમની ‘ગુફતેગો’ કૉલમ નિમિત્તે ‘ગુફતેગો-યુવાનો અને પરિણય’ (૧૯૮૫) જેવાં કેટલાંક સાંસારિક બોધનાં પુસ્તકો મળ્યાં છે.
‘લોકકવિ મીર મુરાદ’ (૧૯૭૯) એમનો મુસલમાન કવિ મુરાદના જીવન-કવનના અભ્યાસનો ગ્રંથ છે. મુરાદની અપ્રકાશિત કવિતા પણ આ ગ્રંથમાં ‘મુરાદવાણી’ શીર્ષક હેઠળ પ્રકાશિત થઈ છે. એમણે હિન્દીમાં પણ એક વિવેચનસંગ્રહ પ્રગટ કર્યો છે.
આ ઉપરાંત પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી કવિતાઓના કેટલાક સંપાદનગ્રંથો પણ એમણે પ્રકાશિત કર્યા છે.