સાહિત્યસર્જક: ચંદ્રકાન્ત ટોપીવાળા
સવિશેષ પરિચય:
ચંદ્રકાન્ત ટોપીવાળા-સતીશ વ્યાસ અપરિચિત अ અપરિચિત ब (૧૯૭૫) : ચન્દ્રકાન્ત ટોપીવાળાનો, ચાર ખંડોમાં વહેંચાયેલો આ પ્રથમ વિવેચનસંગ્રહ છે. પહેલા વિભાગમાં ‘કવિ અને શબ્દાયન’, ‘કવિતાની નવતર મુદ્રા’, ‘આજની કવિતા : ભાષાભિમુખ અભિગમ’ ‘આધુનિક ગુજરાતી કવિતામાં અર્થ-વિલંબન’ જેવા ભાષાભિમુખ આધુનિક કવિતા વિશેના ભાષાલક્ષી લેખો છે; બીજા વિભાગમાં ‘અભિજ્ઞા’, ‘ક્ષણ જે ચિરંતન’, ‘સંગતિ’, ‘સ્પંદ અને છંદ’, ‘તારીખનું ઘર’, ‘એકાન્ત’, ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’, ‘માણસની વાત’, ‘બીજો સૂર્ય’ અને ‘અંગત’ એ કાવ્યસંગ્રહોનાં વિવેચનાત્મક અવલોકનો છે; ત્રીજા વિભાગમાં અગિયાર કાવ્યોની વસ્તુનિષ્ઠ અને સૌંદર્ય-ભાષાનિષ્ઠ તપાસ છે; જયારે ચોથા ખંડમાં બોદલેર, લોર્કા, વાલેરી, ચેઝારે વાલે’જો, ઓકટેવિયો પાઝ, નેરુદા, કેવેફી વગેરેના કાવ્યસર્જન-વિષયક વિવેચનાત્મક પરિચયલેખો છે. એમના મતે અદ્યતન કવિતાનું વ્યાવર્તક લક્ષણ એ તેની ભાષાભિમુખતા છે. આધુનિક કવિતાની સર્જનપ્રક્રિયામાં અનુભવનું ભાષાકરણ નથી થતું, પણ ભાષાનું અનુભવીકરણ સિદ્ધ થાય છે. સર્જનપ્રક્રિયા એ સંકેતવૈજ્ઞાનિક તપાસનો વિષય છે, જયારે કાવ્યભાષા એ ભાષાવિજ્ઞાન અને ભાષાતત્ત્વ ચિંતનનો વિષય છે. વિવેચક અહીં કૃતિની સર્જનપ્રક્રિયા વર્ણવવા સંકેતવિજ્ઞાન, સૌંદર્યશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેવી હાલની અનેક વિદ્યાશાખાઓની સહાય લે છે. વસ્તુનિષ્ઠ વૈજ્ઞાનિકતાનો સ્વીકાર, વિવિધ વિદ્યાશાખાઓની સંપ્રજ્ઞતા, તાટસ્થ્યપૂર્ણ તપાસ વગેરે આ ગ્રંથનાં નોંધપાત્ર લક્ષણો છે. -હર્ષવદન ત્રિવેદી સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન (૧૯૮૫) : ચંદ્રકાન્ત ટોપીવાળાનો મહાનિબંધ, પ્રવેશ, પરિપ્રેક્ષ્ય, તત્ત્વનિરૂપણ ને તત્ત્વપરીક્ષા જેવા ચાર પ્રમુખ વિભાગોમાં વિભાજિત આ અભ્યાસમાં, આધુનિક કવિતાની સર્જકતાની તપાસ પૂર્વપરંપરિત ચિત્ત-સંસ્કાર માત્રથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક ઉપાદાનો સમેત થવી જોઈએ એવા ભાષાવિજ્ઞાનની અભિગમનું નિરૂપણ થયું છે. કવિતાની ભાષાસ્થિતિ, ભાષાની તેમ જ કવિની સર્જકતા, આધુનિક કવિતા અને ભાવકગત સક્રિયતા, રશિયન સ્વરૂપવાદ, સંરચનાવાદ, અમેરિકન નવ્ય વિવેચન, સંસર્જનાત્મક વ્યાકરણ, વિચલન અને તેનાં સ્વરૂપ-કાર્ય વગેરે અભ્યાસ-ઘટકોની ચર્ચા ઉપરાંત કેટલીક ઉલ્લેખનીય ગુજરાતી કાવ્યકૃતિઓની તત્ત્વપરીક્ષા પણ આ અભ્યાસમાં સામેલ છે. -રમેશ ર. દવે આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૬) : ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે ચન્દ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક અને હર્ષવદન ત્રિવેદી સંપાદિત, સાહિત્યની સંજ્ઞાઓનો પરિચય આપતો આ કોશ ગુજરાતી ભાષામાં પહેલો છે. લગભગ ૧,૦૦૦ ઉપરાંતની સંજ્ઞાઓનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક અંગ્રેજી સાહિત્યસંજ્ઞા સાથે ગુજરાતી પર્યાય, એ સંજ્ઞાની સમજૂતી અને એની સમજૂતી માટેનું શક્ય હોય ત્યાં ગુજરાતી ઉદાહરણ આપેલું છે. આ સંજ્ઞાઓ તૈયાર કરવામાં અન્ય કોશોની સંજ્ઞાઓના સાર રૂપે, ક્યારેક કોઈક પુસ્તકની સામગ્રીને આધારે, ક્યારેક સ્વતંત્ર રીતે એમ ત્રિવિધ સ્તરે લેખન થયું છે. કોશનું ધ્યેય સંશોધનવિવેચનમાં પર્યાયની નિશ્ચિતતા, સાથે સાથે વર્ણનાત્મક ઓજારો પૂરાં પાડવાનું છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિશિષ્ટ સાહિત્યસંજ્ઞાકોશ (૧૯૮૮) આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ પછીનો, વિશ્વસાહિત્યના આંતરસાંસ્કૃતિક અને તુલ્નાત્મક અભ્યાસની ભૂમિકાએ ઉપયોગી નીવડતો, ચંદ્રકાન્ત ટોપીવાળાએ સંપાદિત કરેલો સાહિત્યસંજ્ઞાકોશ. કોશમાં વર્ણાનુક્રમે યોજાયેલી મૂળ અંગ્રેજી સંજ્ઞાઓના ગુજરાતી પર્યાય આપીને તેની વિભાવના સ્પષ્ટ કરવામાં આવી છે. આવશ્યકતાનુસાર જે તે સંજ્ઞાનું દ્રષ્ટાંત પણ આપેલું છે. ‘વેન એન્ડ વુ’ જેવી ચીની નાટ્યપરંપરાની સાથે સંકળાયેલી સંજ્ઞા કોશની વ્યાપકતા સૂચવે છે, તો ‘વીક ટેકસ્ટ’ સંજ્ઞાનો પર્યાય આપવા ઉપરાંત ‘સ્ટ્રોંગ ટેક્સટ’ જોવા માટે મુકાયેલો પ્રતિનિર્દેશ કોશની શાસ્ત્રીયતા અને ઉપાદેયતા સૂચવે છે. -રમેશ ર. દવે વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી