‘પિંગલ દર્શન’ (૧૯૫૩) છંદવિષયક માહિતી આપતું એમનું પ્રારંભિક પરિચયપુસ્તક છે. ‘ઊર્મિકાવ્ય’ (૧૯૬૬)માં ‘ઊર્મિકાવ્યનાં સ્વરૂપ, વિકાસ તથા વિભિન્ન પ્રકારો વિશે વિગતે ચર્ચા છે. પીએચ.ડી.ના અભ્યાસના ફળરૂપે મળેલો ‘કવિ
નાકર-એક અધ્યયન’ (૧૯૬૬) એમનો નોંધપાત્ર ગ્રંથ છે. એમાં મધ્યકાલીન કવિ નાકરની બધી પ્રગટ-અપ્રગટ કૃતિઓનું ઝીણવટભર્યું પરીક્ષણ કરી નાકર વિશેની પ્રચલિત સમજ પર નવો પ્રકાશ ફેંકયો છે. આ અભ્યાસનું અનુસંધાન
‘ગુજરાતી ગ્રંથકાર’ શ્રેણીની ‘નાકર’ (૧૯૭૯) પુસ્તિકામાં તથા ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’- ખંડ ૨ માં જળવાયું છે. ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙમય’ (૧૯૭૨)માં વિવિધ વિષયના ગ્રંથોની સૂઝ અને સમભાવપૂર્વક તપાસ છે. ‘ભાવલોક’ (૧૯૭૬)
અને ‘ભાવમુદ્રા’ (૧૯૮૩)માં કવિતાની વ્યાપક ચર્ચા કરતા, મધ્યકાલીન અને અર્વાચીન અતિખ્યાત અને અલ્પખ્યાત કવિઓની કવિતા વિશેના તથા કૃતિ-અવલોકનના લેખો છે. ‘ભાવમુદ્રા’માંનો ‘ગુજરાતીમાં છંદોરચના’ એ દીર્ઘ લેખ
ગુજરાતીમાં થયેલા છંદવિષયક પ્રયોગોની સારી તપાસ છે.
‘આપણાં ખંડકાવ્યો’ (૧૯૫૭), ‘સુદામાચરિત્ર’ (૧૯૬૩), ‘કુંવરબાઈનું મામેરું’ (૧૯૬૪), ‘અભિમન્યુ આખ્યાન’ (૧૯૬૭), ‘વિરાટ પર્વ’ (૧૯૬૯), ‘કાલેલકર ગ્રંથાવલિ’ (૧૯૮૧) વગેરે એમનાં અન્ય સાથેનાં સંપાદનો છે. ગુજરાતી સાહિત્ય પરિષદ
દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ તથા ‘ગ્રંથ અને ગ્રંથકાર’- ભા.૧૧ (૧૯૬૬)માં પણ એમનું સહસંપાદન છે.
-જયંત ગાડીત
પિંગળદર્શન (૧૯૫૩) : ચિમનલાલ ત્રિવેદીનો પિંગળસ્વાધ્યાય. છંદશાસ્ત્ર જેવા કઠિન વિષયને વિદ્યાર્થીભોગ્ય બનાવવાની નેમથી થયેલ આ અભ્યાસમાં પિંગળ-પરિચય, પારિભાષિક શબ્દાવલિ તેમ જ વિવિધ અક્ષરમેળ, રૂપમેળ,
સંખ્યામેળ અને માત્રામેળ છંદોની સરળ વ્યાખ્યા તેમ જ સદ્રષ્ટાંત સમજ અપાઈ છે. પૂર્વસૂરિઓએ કરેલી છંદચર્ચાનાં સુભગ તારણોનો સમાવેશ એ આ અભ્યાસનું જમાપાસું છે.