સાહિત્યસર્જક: ચુનીલાલ મડિયા
સવિશેષ પરિચય:
ફોટો: ચુનીલાલ મડિયા-બળવંત જાની વ્યાજનો વારસ (૧૯૪૬) : નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધોરણોથી જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિષ્ણ છે. ઉમાશંકર જણાવે છે તેમ, ‘કથાની ખરી નાયિકા તો છે લક્ષ્મી, વ્યાજનો પૈસો. એનો નાયક છે ગામડાનો ગરીબ સમાજ.’ આભાશાની મિલકતના એકમાત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉઘામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીનો સાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એક માત્ર સમાજ કરી શકે એમ છે-એવા મુખ્ય વિચારનો છેવટે કલાત્મક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસનો પુટ વર્તાય છે; તેમ છતાં સૌરાષ્ટ્રના સમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યક્તિ મળી છે તે અત્યંત નોખી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા લીલુડી ધરતી – ભા. ૧-૨ (૧૯૫૭) : ચુનીલાલ મડિયાની પ્રયોગધર્મી અરૂઢ નવલકથા. આલેખન કરતાં કથાવસ્તુનો વિશેષ અને એની રૂઢિગત વર્ણનાત્મક રજૂઆતને સ્થાને સંવાદો વડે નાટ્યાત્મક રજૂઆત એ અહીં લેખકનું મુખ્ય ધ્યેય છે. એક સગર્ભા પરિણીતા પર પતિના અવસાન પછી આવનાર આળના કથાબીજમાંથી અહીં સંતુ-ગોબર-માંડણની મુખ્ય કથા જન્મી છે; પરંતુ ગુંદાસર ગામના પરિવેશ ફરતે અનેક ગૌણકથાઓને તેમ મોટા પાત્રસમુદાયને વ્યાપમાં લેતી આ કથા કાલપરાયણ નવલકથા બનવાની નેમ ધરાવે છે. અલબત્ત, વ્યંજનાની અને સંકુલતાની માત્રા વધુ હોત તો સૌરાષ્ટ્રના તળપદા ગ્રામજીવનના સમગ્ર અસબાબ સાથે ધબકતો એનો તત્કાલીન કાલખંડ મર્યાદિત રીતે સામાજિક ન રહેતાં વૈશ્વિક બની શક્યો હોત. તેમ છતાં આ લેખનપ્રયોગે નવલકથાકારને નવલકથામાં રહેલી અપરંપાર શક્યતાઓનો ખ્યાલ આપ્યો છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા સધરા જેસંગનો સાળો -ભા. ૧-૨ (૧૯૬૨) : ચીલેચલુ નવલકથાથી ઊંફરાટે જવાના પ્રયાસરૂપે લખાયેલી ચુનીલાલ મડિયાની હાસ્યરસિક નવલકથા. ગુજરાતી ભાષામાં ‘ભદ્રંભદ્ર’ અને ‘અમે બધાં’ જેવી મહત્ત્વની રચનાઓ પછીની આ સળંગ હાસ્ય નિરૂપતી સુદીર્ઘ કથા ગણનાપાત્ર છે. સામાન્ય કાછિયા સધરા જેસંગને સેવકરામ ચૂંટણીમાં ખેંચે છે અને સધરો પોતાના સાળા ભડક અને સેવકરામ મારફતે ચૂંટણીમાં જીતી મુખ્યપ્રધાન બને છે. પરંતુ સાળો ભડક સધરાને છેવટ સુધી નચાવ્યે રાખે છે અને અંતે પોતે વિરોધપક્ષમાં ભળી જાય છે. આ કથાવિષયને નિરૂપવા જતાં નવલકથાકારે અતિરંજિત ચિત્રણો, અતિશયોક્તિઓ, વ્યંગ અને વિલક્ષણ પાત્રો તેમ જ ઘટનાઓનો આશ્રય લીધો છે. મતલબીપણાથી અને ડરપોકપણાથી હીનસત્ત્વ એવા પાત્રની આસપાસ રાજકારણ અને લોકશાહીનાં દૂષણોથી ઠેકડી કરવા સાથે લેખક વર્તમાન સમાજ, સાહિત્ય, શિક્ષણ, વેપાર, ઉદ્યોગ, ધર્મ વગેરે વિવિધ લોકક્ષેત્રોમાં ઘૂમી વળે છે. આ માટે લેખકે પ્રયોજેલાં ભાષાના વિવિધ વર્ગના વિવિધ સ્તરો તથા નવાં અર્થઘટનો, નવી સાદ્દશ્યરચનાઓ ને શબ્દવિશ્લેષો નોંધપાત્ર છે. એકંદરે લેખકે અંગત પૂર્વગ્રાહોથી મુક્ત રહી સળંગ હાસ્યની સફળ નવલકથા આપી છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા રંગદા (૧૯૫૧) : ચુનીલાલ મડિયાનો એકાંકીનાટકોનો સંગ્રહ. ૧૯૪૦ થી ૧૯૫૦ સુધીમાં લખાયેલાં એકાંકીઓ પૈકી તેર આ સંગ્રહમાં સંગૃહીત છે. આ નાટકો તખ્તાને નજર સામે રાખીને લખાયેલાં છે. એમાંનાં આઠેક નાટકો ગ્રામજીવનને લગતાં છે, તો બાકીનાં પાંચમાંથી ચાર નગરજીવનને લગતાં છે. ‘સમ્રાટ શ્રેણિક’ તદ્દન જુદું તરી આવતું એકાંકી પુરાકથાને લગતું છે. લેખકનો ગ્રામજીવનનો ઊંડો પરિચય પાત્રોની તળપદી બોલીની સિદ્ધહસ્તતામાંથી પ્રગટ થાય છે. પરંતુ નગરજીવનનાં નિરૂપણો પૂરતું ઊંડાણ સાધી શક્યાં નથી. એકંદરે, આ સંગ્રહ એકાંકી જેવા અઘરા સ્વરૂપને સફળતાથી પ્રયોજી શક્યો છે. લોકસ્તરને સ્વાભાવિક પરિવેશમાં અને સાહજિક બોલીછટામાં રજૂ કરવાના પ્રયોગો અહીં કલાત્મક રીતે પાર પડયા છે. ‘શેર માટી’ અને ‘વાની મારી કોયલ’ નોંધપાત્ર રચનાઓ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી