સાહિત્યસર્જક: દામોદર બોટાદકર
સવિશેષ પરિચય:
દામોદર બોટાદકર-પ્રસાદ બ્રહ્મભટ્ટ રાસતરંગિણી (૧૯૨૩) : બોટાદકરનો ‘કલ્લોલિની’, ‘સ્ત્રોતસ્વિની’ અને ‘નિર્ઝરિણી’ પછીનો ચોથો કાવ્યસંગ્રહ. પૂર્વેના ત્રણ સંગ્રહો વૃત્તબદ્ધ, સંસ્કૃતપ્રચુર અને પંડિતભોગ્ય છે; એની સામે, આ સંગ્રહમાં કવિએ ગરબી જેવા લોકગીતોના ઢાળોમાં સરલ-સ્વાભાવિક અને લોકભોગ્ય અભિવ્યક્તિ સાધી છે. ભવ્યતા સાથેની સુંદરતા દર્શાવતો કવિનો ઉન્મેષ ગૃહજીવનનાં, કુટુંબજીવનનાં અને ખાસ તો સ્ત્રીહૃદયનાં સૂક્ષ્મ દર્શનોમાં જોવા મળે છે. ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ’ જેવી વિખ્યાત ગરબી અહીં છે. તદુપરાંત, પ્રકૃતિતત્વનાં વર્ણનો ક્યાંક પ્રકૃતિતત્વની આત્મોક્તિરૂપે, તો ક્યાંક કવિના પોતાના નિરૂપણરૂપે મળે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા શૈવલિની (૧૯૨૫) : બોટાદકરનો કાલાનુક્રમે પાંચમો અને મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘રાસતરંગિણી’ પછીનો હોવા છતાં આ સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલો હોવાથી પ્રકાશકની ગફલતને કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની લાંબી પ્રસ્તાવનાનું ‘પુરસ્કરણ’ આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓનો ‘શૈવલિની’માં આવિષ્કાર છે. અન્યોક્તિ અને સ્વભાવોક્તિ જેવી રચનાયુક્તિઓથી કવિ પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગો અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાના સીધા સંપર્કનો અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેનો રૂઢભાવ-આ બે પરિસ્થિતિઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુરશૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને એમના પદ્યબંધમાં ચારુતા જોવાય છે. ‘અભિલાષ’ જેવી કવ્વાલીના પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વામેઘ’ જેવી સંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંક્તિઓવાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી