મહેતા ધીરેન્દ્ર પ્રીતમલાલ
(૨૯-૮-૧૯૪૪) : નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૬૧ માં મૅટ્રિક. ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૮માં ભાષાસાહિત્ય ભવન. ગુજરાત
યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. ૧૯૭૬માં ‘ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યાસ’ વિષય પર પીએચ.ડી. ૧૯૭૦ થી ૧૯૭૬ સુધી ગુજરાત કૉલેજ, અમદાવાદમાં અને પછીથી આર.આર. લાલન કૉલેજ, ભુજમાં ગુજરાતી
ભાષાસાહિત્યનું અધ્યાપન.
આઠમા દાયકાના આ મનોવિશ્લેષ્ણવાદી નવલકથાકારે આધુનિક મનુષ્યનાં મનઃસંચલનોને તાકતી પાત્રપ્રધાન કૃતિઓ આપી છે. ‘વલય’ (૧૯૭૧)માં નવપલ્લવિત પ્રણયનું તાઝગીભર્યું આલેખન છે; તો ‘ચિહ્ન’ (૧૯૭૮) અને ‘દિશાંતર’
(૧૯૮૩)માં વિકલાંગ કથાનાયકના સંઘર્ષપૂર્ણ મનોલોકનું સંકુલ નિરૂપણ છે. નાટ્યકૃતિ પરથી રૂપાંતરિત નવલકથા ‘અદ્રશ્ય’ (૧૯૮૦)માં જીવનનું અપ્રગટ રહી જતું કારુણ્ય લાઘવપૂર્વક તાદ્દશ્ય થયું છે અને ‘આપણે લોકો’ (૧૯૮૭)
માનવજીવનની વિભીષિકાને તાકે-વાગે છે. ‘કાવેરી અને દર્પણલોક’ (૧૯૮૮)માં બે લઘુનવલો સમાવિષ્ટ છે.
‘સંમુખ’ (૧૯૮૫) એમનો પ્રયોગધર્મી છવ્વીસ ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ ઉપરાંત લઘુપ્રબંધ ‘ડૉ. જયંત ખત્રી’ (૧૯૭૭), મહાનિબંધ ‘નંદશંકરથી ઉમાશંકર’ (૧૯૮૪), બાળકાવ્યોનો સંગ્રહ ‘ભૂસકાની ઉજાણી’ (૧૯૮૬) વગેરે પણ
એમણે આપ્યા છે. ‘રણની આંખમાં દરિયો’ (૧૯૮૫) એમનું કચ્છી વાર્તાઓનું સંપાદન છે.