સાહિત્યસર્જક: ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'
સવિશેષ પરિચય:
ફોટો: ગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'-રવીન્દ્ર ઠાકોર તણખા : મંડળ ૧,૨,૩,૪ (૧૯૨૬, ૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૫) : ધૂમકેતુના ટૂંકીવાર્તાઓના સંગ્રહો. કલ્પના અને લાગણીઓ જગાવીને જે કહેવાનું છે તેનો માત્ર ધ્વનિ જ-તણખો-જ-મૂકે છે એવું, નિજી કલાશ્રદ્ધામાંથી જન્મેલું ધૂમકેતુનું વાર્તાવિશ્વ ઊર્મિપ્રધાન, ભાવનાપ્રધાન, રંગદર્શી અને વૈવિધ્યસભર છે. ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં અને ભારત બહાર પણ આ વાર્તાઓની પ્રસિદ્ધિ છે. વિપુલ સર્જનનો સંદર્ભ હોય કે વાર્તાકૌશલનો સંદર્ભ હોય, પાત્રમાનસના નિરૂપણનો સંદર્ભ હોય કે સર્જકતાની કોટિનો સંદર્ભ હોય-આ સર્વ સંદર્ભોમાં ધૂમકેતુ અગ્રણી વાર્તાકાર છે. આ વાર્તાઓ ‘વીજળીના ચમકારાની પેઠે એક દ્રષ્ટિબિંદુ રજૂ કરતાં કરતાં સોંસરવી નીકળી’ જવાનો અને ‘બીજી ઝાઝી લપછપ વિના અંગુલિનિર્દેશ કરીને સૂતેલી લાગણીઓ જગાડી વાંચનારની આસપાસ એક નવી જ કાલ્પનિક સૃષ્ટિ ઘડી’ કાઢવાનો મનસૂબો ધરાવે છે. ક્યારેક ઊર્મિના અતિરેકથી આવતો ઘેરો રંગ, ક્યારેક આદર્શઘેલછા, ક્યારેક ગ્રામજીવન તરફનો અકારણ પક્ષપાત, ક્યારેક અવાસ્તવિક રીતે આવતા ઓચિંતા પલટાઓ એ આ વાર્તાઓની મર્યાદાઓ હોવા છતાં ‘પોસ્ટઓફિસ’, ‘ભૈયાદાદા’, ‘ગોવિંદનું ખેતર’, ‘પૃથ્વી અને સ્વર્ગ’, ‘રજપૂતાણી’, ‘જીવનનું પ્રભાત’ જેવી વાર્તાઓમાં ધૂમકેતુનો સર્જન-વિશેષ જોઈ શકાય છે. આ વાર્તાઓમાં કલાનિર્મિત સાથે જીવનમૂલ્યોનું જીવંત રસાયણ થયેલું છે. ગુજરાતી ટૂંકીવાર્તા ધૂમકેતુથી પ્રસ્થાપિત થઈ એ વાતની સાક્ષી આ ચાર મંડળો અવશ્ય પૂરે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા પોસ્ટઑફિસ : પુત્રીના પત્રની પ્રતીક્ષામાં દરરોજ સવારે પોસ્ટઑફિસે જઈ બેસતા વૃદ્ધ અલીડોસાના ઉત્કટ વાત્સલ્યને નિરૂપતી ધૂમકેતુની અત્યંત જાણીતી ટૂંકીવાર્તા. -ચંદ્રકાન્ત ટોપીવાળા ભૈયાદાદા : ધૂમકેતુની જાણીતી ટૂંકીવાર્તા. રેલવે અધિકારી સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા ઝૂંપડીવાડી ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે- એવું કથાનક કરુણને ઝંકૃત કરી જાય છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા રજપૂતાણી : ધૂમકેતુની ટૂંકીવાર્તા. એમાં ચોમાસામાં ગરાસણીને મળવા નીકળેલા અને રૂપેણમાં ડૂબી અવગતે થયેલા ગરાશિયાનું ઘર માંડવા અંતે પાણીમાં ડૂબી જતી ગરાસણીનું કથાનક લોકકથાત્મક અને રહસ્યપૂર્ણ છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા ચૌલાદેવી (૧૯૪૦) : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ની ચૌલુક્યવંશીની નવલકથા. એમાં રાજા ભીમદેવના સમયની કથા છે. સોમનાથ-પાટણના પતન પછી ગુજરાતની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગી ચૂકી હતી; પરાક્રમી રાજા ભીમદેવ ભગવાન પિનાકપાણિના દેવમંદિરની રક્ષા કરી શક્યા નહીં તે કારણે ગુજરાતનો રાજ્વી ઉપહાસપાત્ર બન્યો હતો; બરાબર તે જ વખતે પાટણ આંતરિક અસંતોષથી ધૂંધવાતું હતું. બહારનાં ઉપહાસ અને અંદરના જવાળામુખી વચ્ચે ગુજરાતની ગર્વોન્નત પ્રતિમા ઉપસાવવા મંત્રી વિમલ, સંધિવિગ્રહિક દામોદર અને અભિજાતસુંદરી ચૌલાદેવી મથે છે. ચૌલાદેવીની ઉદાત્તત્તાનો અને સ્વપ્નમંડિત ભાવનાનો સ્પર્શ લગભગ તમામ પાત્રોને થયો છે. ગુજરાતના નિર્માણની એ પ્રેરણામૂર્તિ બને છે. -જયંત પંડ્યા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી