સાહિત્યસર્જક: દિગીશ મહેતા
સવિશેષ પરિચય:
ફોટો: દિગીશ મહેતા-પ્રવીણ દરજી આપણો ઘડીક સંગ (૧૯૬૨) : દિગીશ મહેતાની પ્રયોગશીલ લઘુનવલ. કૉલેજકન્યા અર્વાચીના અને પ્રોફેસર ધ્રૂર્જટિનાં પ્રણયસગપણના વસ્તુને અહીં અમદાવાદના શહેરી જીવનની પડછે હળવીગંભીર શૈલીએ મૂર્ત રૂપ મળ્યું છે. પાત્ર કે પરિસ્થિતિ પરત્વે લેખકની વક્રતા અને એમનો વ્યંગ્ય વિનોદને પ્રેરે છે, છતાં એકંદરે લાગણીનો પુટ આ હાસ્યકથાને વિશિષ્ટ બનાવે છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા દુરના એ સૂર (૧૯૭૦) : દિગીશ મહેતાના અંગત અને લલિતાત્મક નિબંધોનો સંગ્રહ. બાળપણના સંસ્કારોનાં અંગત સાહચર્યો અને ઉત્તમ સાહિત્યજગતના ઉલ્લેખોથી તૈયાર થયેલું આ નિબંધોનું સ્વરૂપ આસ્વાદ્ય અને સંવેદનશીલ છે. આ નિબંધોની બાબતમાં નિબંધકાર એકરાર કરે છે તેમ, એમનું મન શહેરમાંથી ઊડીને પચાસ માઈલ દૂર આવેલા એમના ગામના એક મંદિરના કોટની ભીંત આગળ પથરાયેલા એક બીજા વૃક્ષની છાયા તરફ ફરે છે અને એમ એ પોતાની દિશા મેળવી લે છે. માનવીય પરિમાણને લક્ષમાં રાખી બૃહદ્ સંવેદન ઉપસાવતા એમના નિબંધોનું ગદ્ય તળપદા સંસ્કારો સહિત સાહિત્યપુષ્ટ છે. આ સંગ્રહના ‘ઘર’, ‘પુલ’, ‘પ્રવાહ’, ‘દ્રશ્યો’ જેવા નિબંધો ગુજરાતી નિબંધસાહિત્યના અત્યંત આસ્વાદ્ય નિબંધોમાં સ્થાન પામેલા છે. -ચંદ્રકાન્ત ટોપીવાળા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી